કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ
ગુજરાતના ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ દલિતોના હાથમાં ન જાય તે માટે માથાભારે તત્વો કાયમ સક્રીય રહેતા હોય છે. તેમાં તેમને સ્થાનિક વહીવટી તંત્રનો પણ અંદરખાને સહકાર સાંપડતો હોય છે. પરિણામે દલિતોના હકની જમીનો પણ કથિત સવર્ણો પડાવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ કચ્છના મુંદ્રામાં સામે આવ્યો છે. જ્યાં 6 દાયકા પછી પણ સાંથણીમાં મળેલી જમીનો મેળવવા સ્થાનિક દલિતો ઝઝૂમી રહ્યાં છે.
ગુજરાતના ગામડાઓમાં કાયમી આવકનું એકમાત્ર સાધન એવી મોટાભાગની ખેતીલાયક જમીન કથિત સવર્ણોના કબજામાં છે. ભૂલથી પણ આ જમીનોનો એક ટુકડોયે દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ન જાય તે માટે જાતિવાદી તત્વો કાયમ સજાગ રહેતા હોય છે. પરિણામે હકની જમીનો પણ દલિતો, આદિવાસીઓ મેળવી શકતા નથી. સવર્ણ માથાભારે તત્વોના દલિતોના હકની જમીનો હડપી લેવાના ષડયંત્રમાં ઘણીવાર સ્થાનિક સરકારી તંત્ર પણ અંદરખાને સહકાર આપતું હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના મુંદ્રા તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં સ્થાનિક દલિતોને સાંથણીમાં મળેલી જમીનો 6 દાયકા પછી પણ નિયમિત નથી થઈ શકી.
વર્ષ 1960થી લઈને તેની આસપાસના વર્ષોમાં સરકારે અહીંના ખેતમજૂરોને સાંથણીની જમીનો ફાળવી હતી. તેના હુકમો કરવામાં આવ્યા હતા. એ જમીનોના દરેક રેવેન્યૂ દસ્તાવેજો અને 7/12 ઉપલબ્ધ હોવા છતાં જમીન નકશામાં ચડી નથી. આવી અનેક સમસ્યાઓ સામે મુંદ્રા તાલુકાના દલિતો ઝઝૂમી રહ્યાં છે. આ મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આગળ આવ્યું છે. સંગઠન દ્વારા આ મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે, “કચ્છના મુંદ્રા તાલુકાના ગુંદાલાની સીમમાં વર્ષ 1960 આસપાસ સરકાર દ્વારા સ્થાનિક ખેતમજૂરોને સાંથણીની જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનના હુકમ, સુડબુક, હાલીમાજી સહિતના 7/12, 8/અ રેકર્ડ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં ખેડૂતોને તે જમીન મળી નથી અને નકશામાં પણ ચડેલ નથી.”
તેઓ વધુમાં જણાવે છે કે, “ગુંદાલાના સ્થાનિક દલિતો ઉપરાંત તે સમયે અન્ય સમાજને પણ સાંથણીની જમીનો ફાળવવામાં આવી હતી. પણ તે જમીનો આજ સુધી સ્થળ પર નિર્ધારિત થઈ નથી. તે જમીનોના વર્ષ 1960ના હુકમો છે અને 7/12 પણ ખાતેદારના નામથી જ બને છે, પણ જે તે વખતે જમીનો ફક્ત આંગળી દ્વારા બતાવી દેવામાં આવી છે, હજુ સુધી તેના નકશા બન્યાં નથી. ડીઆઈએલઆર દ્વારા માપણી કરીને જમીનો આપવામાં આવી નથી. આ મામલે ઘણાં સમયથી જમીન માલિક એવા દલિતો દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ જમીનો સ્થળ પર વહિવટી તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવી નથી, જેના કારણે બીજી પણ અનેક સમસ્યાઓ ઉભી થાય છે. અન્ય માથાભારે તત્વો દ્વારા પણ આ જમીન બાબતે દલિતોની કનડગત કરવામાં આવે છે.”
અદાણી કંપની દ્વારા જમીનો છોડી દેવા દબાણ
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ જમીનો પર અદાણી કંપની દ્વારા દલિતોને વારેઘડીએ ત્યાંથી હટી જવાનું કહેવામાં આવે છે. અદાણી કંપનીનો દાવો છે કે તેમને અહીં જમીનો મળી છે. આ માટે માથાભારે તત્વો ઘણીવાર દલિતોને આડકતરી રીતે ધમકીઓ પણ આપે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દલિત ખેડૂતોને તેમની જમીનનો વહેલી તકે કબજો સોંપવામાં આવે અને તેમની જમીન તથા તેઓ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે. સાથે જ એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો આ મામલે તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવતા પણ તેઓ અચકાશે નહીં.
આ પણ વાંચો : આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
અરવિંદ રાયઆપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શા માટે દલિતોની મુશ્કેલી સમજતા નથી એના કાન પકડી જાહેરમાં ખુલાસો કરે એવું કરવાનો સમય આવી ગયો છે. ધારાસભ્ય તરીકે કેમ અવાજ કાઢતા નથી ? શું આ પ્રતિનિધિઓ પક્ષના નેતાઓના ગુલામ બની ગયા છે? સમયની તાસીર તો એવું જ બતાવે છે કે મોવડી મંડળે એમને ગુલામ બનાવી પટો પહેરાવી બંગલોના ખૂણામાં બાંધી રાખ્યા છે. જ્યાં સુધી દલિતો માં એકતા એકતા નહીં આવે ત્યાં સુધી અધોગતિમાથી બહાર આવી શકે એ સપનું છે. એકતા અને હિંમત નો અભાવ હોય તે સમાજ યા વ્યક્તિ કદી જીત મેળવી શકે નહીં. V& C નો ભેદભાવ નહીં જાય ત્યાં સુધી અધોગતિમાથી ઉંચા નહીં આવે.