સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમસંધ્યા, વિશન કાથડ ભીમભજન રેલાવશે
સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના દીકરા-દીકરીઓ માટે નવનિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલના લાભાર્થે ભવ્ય ભીમસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલા આ શૈક્ષણિક સંકુલ માટે અત્યાર સુધીમાં 1.74 કરોડનું દાન આવ્યું છે. ટ્ર્સ્ટ દ્વારા સૌથી વધુ વગોવાયેલા પેટાજાતિવાદના મુદ્દાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે એક મજબૂત પગલું ભરાયું છે. શું છે તે પગલું અને કેવું છે સમગ્ર આયોજન, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં.

સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ અન્ય બહુજન કલાકારોની સાથે ભીમ ભજનમાં ઝાલાવાડ વાસીઓને તરબોળ કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ઝાલાવાડ પંથકમાંથી ભીમવંશીઓ સુરેન્દ્રનગર ખાતે ઉમટી પડશે.
સુરેન્દ્રનગરના શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અહીંના જોરાવરનગરના સુખધામ રેસિડેન્સી ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે કરોડોના ખર્ચે શૈક્ષણિક સંકુલ તથા સમાજ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના લાભાર્થે તથા સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની 647મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના પ્રમુખ તરીકે રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહેશે. જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘઘાટન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપત કરશે. કાર્યક્રમમાં અનેક જાણીતી હસ્તિઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ ડીએસપી ગિરીશકુમાર પંડ્યા, બેન્ક ઓફ બરોડના રિજ્યોનલ મેનેજર અશોકકુમાર વાઘેલા, ઉદ્યોગપતિ રતિલાલ મકવાણા મુખ્ય છે.
રાત્રે 9 વાગ્યે શરૂ થતા આ કાર્યક્રમમાં સોરઠના સાવજ તરીકે જાણીતા બહુજન સાહિત્યકાર વિશન કાથડ ભીમવંશીઓને તેમના ભવ્ય ઈતિહાસમાં તરબોળ કરશે. વિશનભાઈ બહુજન યુવાવર્ગમાં ભારે લોકપ્રિય હોવાથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ ઉમટી પડે તેવી પુરી શક્યતાઓને જોતા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી છે. વિશન કાથડની સાથે બિરજુ બારોટ, આર.કે. ચૌહાણ, રવિરાજ વાણિયા, અશોક સુમેરા, કલ્યાણભાઈ મકવાણા અને નટુભાઈ પરમાર પણ રંગ જમાવશે.
શૈક્ષણિક સંકુલ માટે અત્યાર સુધીમાં રૂ. 1.74 કરોડનું દાન આવ્યું
આ કાર્યક્રમના આયોજકો પૈકીના એક નટુભાઈ પરમારે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આજે અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ધોરણ 10 અને 12માં સારી ટકાવારી છતાં શહેરમાં રહીને ભણવાનું પોસાય તેમ નથી. શિક્ષણ ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે. જેમાં સૌથી પહેલો અને સૌથી વધુ ભોગ કન્યાઓના શિક્ષણનો લેવાય છે. એ પછી છોકરાઓનો વારો આવે છે. આવું ન થાય તે માટે રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા અહીંના જોરાવરનગરમાં આવેલી સુખધામ રેસિડેન્સી ખાતે 1435 ચો. વાર જમીન રાખવામાં આવી છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી દીકરા-દીકરીઓ માટે ભવ્ય શૈક્ષણિક સંકુલ નિર્માણ પામશે. અહીં 6 પ્લોટ છે, જેમાંથી 3 ના દસ્તાવેજો બની ગયા છે અને બાકીના આગામી દિવસોમાં બની જશે. આ ભવ્ય શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 1.74 કરોડનું દાન આવી ગયું છે.”
શૈક્ષણિક સંકુલમાં સૌ પ્રથમ વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ અપાશે
અનુસૂચિત જાતિ સમાજમાં હાલ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો પેટા જાતિવાદનો છે. ત્યારે શ્રી રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેને મૂળસોતો ઉખેડીને ફેંકી દેવાયો છે. ટ્રસ્ટના પદાધિકારીઓએ પેટાજાતિવાદ દૂર કરવા માટે નવનિર્મિત શૈક્ષણિક સંકુલમાં સૌ પ્રથમ વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. એ પછી અનુ. જાતિની કોઈપણ દીકરીને તેની પેટાજાતિ જોયા વિના પ્રવેશ અપાશે. આ રીતે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને એક કરવાની દિશામાં આ એક નક્કર પગલું સાબિત થશે. કન્યા શિક્ષણને વેગ મળે તે ટ્રસ્ટીઓના એજન્ડાના સૌથી પાયારૂપ મુદ્દો હોવાથી અહીં સૌ પ્રથમ કન્યાઓ માટેનું સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ રીતે આ કદાચ પહેલું એવું શૈક્ષણિક સંકુલ હશે જેમાં છોકરાઓ કરતા પણ પહેલા છોકરીઓ શિક્ષણ લેતી થશે.
શ્રી રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટના સંચાલકો પૈકીના એક રામજીભાઈના જણાવ્યા પ્રમાણે, અનુસૂચિત જાતિ સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓ માટે શિક્ષણ મેળવવું સૌથી વધુ દુષ્કર છે. તેમને યોગ્ય સગવડો મળતી નથી. ગરીબ પરિવારમાં તેને આગળ ભણાવવા જેટલી શક્તિ હોતી નથી. આથી દીકરી ભણવામાં ગમે તેટલી હોંશિયાર હોય તો પણ તે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતી નથી. આવું ન થાય તે માટે અમે સૌથી પહેલા વાલ્મિકી સમાજની તેજસ્વી દીકરીઓને પ્રવેશ આપીશું. એ પછી અનુસૂચિત જાતિની અન્ય દીકરીઓને પ્રવેશ આપીશું. એ રીતે પેટાજાતિવાદ તૂટશે અને સમગ્ર અનુ.જાતિ સમાજ એક થશે તો સમાજનું ભાવિ ઉજ્જવળ હશે તેમાં બેમત નથી.”
વિશન કાથડને સાંભળવા 10 હજાર લોકો ઉમટી પડશે
આયોજકોના જણાવ્યા પ્રમાણે વિશનભાઈ કાથડના કંઠે ભીમવંશી યોદ્ધાઓનો અસલ ઈતિહાસ સાંભળવો એક લ્હાવો છે. સોશિયલ મીડિયા અને યુવાવર્ગમાં તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જોતા આ કાર્યક્રમમાં 10 હજાર લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. જેના માટે અમે પુરતી તૈયારીઓ કરી છે. વિવિધ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં આયોજન કર્યું છે જેથી બહારથી આ કાર્યક્રમ જોવા આવનાર લોકોને કોઈ તકલીફ ન પડે.
આ પણ વાંચોઃ ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dayalal vagadia, c-16 punarvas colony saमनुष्यजीवन मे शिक्षा बहुत ही जरुरी