ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી

ગુજરાત જાતિવાદનું એપીસેન્ટર બનવા જઈ રહ્યો હોય તેમ એક પછી એક દલિત અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. બિલેશ્વરપુરા અને ડાંગરવામાં દલિત વરરાજાને વરઘોડો ન કાઢવા દેવાની ઘટનાઓની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી તત્વોએ ઘોડી પર બેસેલા વરરાજાને લાફો મારી દેતા ગુજરાત સહિત દેશભરમાં તેના પડઘા પડ્યાં છે. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.

ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી
image credit- Bharat Parmar

ગુજરાતમાં જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાની જરાય બીક ન હોય તેમ બેફામ બની ગયા છે. આવો જ એક બનાવ હાલ પાટનગર ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસણ ગામે બન્યો હતો. જ્યાં એક જાતિવાદી લુખ્ખાએ ઘોડી પર બેસીને પરણવા આવેલા દલિત વરરાજાને લાફો મારી દેતા હોબાળો મચી ગયો હતો. એ પછી અન્ય ત્રણ લુખ્ખાઓ તેની તરફેણમાં આવ્યા હતા અને વરરાજાને કારમાં પણ બેસવા દીધા નહોતા. આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓને પોલીસે જેલમાં ધકેલી દીધા છે. આ મામલે મદદનીશ પોલીસ કમિશનર કલ્પેશ સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

(આરોપીએ વરરાજા પર હુમલો કર્યો ત્યારનો સ્ક્રીનશોટ્સ)


શું હતી આખી ઘટના?
આ કેસની એફઆઈઆરમાં ફરિયાદી સંજય ભીખાભાઈ ચાવડાએ નોંધાવેલી વિગતો પ્રમાણે, તેઓ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે. તેમનું મૂળ ગામ મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું વામજ છે. ગત તા. 12 ફેબ્રુઆરી 2024ના રોજ કલોલ ખાતે રહેતા તેમના કાકા કનૈયાલાલ ચાવડાના દીકરા વિકાસના લગ્ન માણસા તાલુકાના ચડાસણા ગામના અશોકભાઈ સોલંકીની દીકરી ચાંદની સાથે નક્કી થયા હોઈ તેઓ સવારે કલોલથી જાન લઈને ચડાસણા પહોંચ્યા હતા. જાનમાં નાનામોટાં મળી 7-8 વાહનો અને એક લક્ઝરી બસ હતી. જાનમાં 100થી વધુ લોકો આવ્યા હતા. જાનની સાથે ડી.જે. સાઉન્ડ તથા વરરાજાના સામૈયા માટે ઘોડી તેઓ સાથે લઈને આવ્યા હતા. તેઓ ડી.જે. વગાડવાનું ચાલુ કરી વરરાજાને ઘોડી પર બેસાડી નાચતા-ગાતા વરઘોડો લઈ કન્યાપક્ષના મહોલ્લા તરફ જવા નીકળ્યા હતા. એ દરમિયાન કન્યાપક્ષ તરફથી પણ લોકો સામૈયું લેવા આવી પહોંચ્યા હતા. વરઘોડો બપોરે 1 વાગ્યા આસપાસ જ્યારે ચડાસણના દૂધની ડેરી વિસ્તારમાં આવેલા ચોકમાં પહોંચ્યો ત્યારે પીળી ટીશર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ મોટરસાઈકલ લઈને આવી પહોંચ્યો હતો અને તેણે ઘોડી પર બેઠેલા વરરાજાને ફેંટ પકડીને નીચે ઉતારી, “તમે તમારી ઔકાતમાં રહો સાલા ઢે..ઓ, તમને વરઘોડો નહીં કાઢવાના ગામના રિવાજની ખબર નથી?, તમારે વરઘોડો કાઢવો હોય તો અમારી પરમીશન લેવી પડે, ઘોડા પર ઠાકોર જ બેસી શકે” તેમ કહીને બેફામ જાતિસૂચક ગાળો બોલવા લાગ્યો હતો.

(વરરાજા પર હુમલો કર્યા બાદ જાનૈયાઓને ધમકાવતા અન્ય લોકો)

જેથી જાનમાં આવેલા લોકોએ તેમને ગાળો નહીં બોલવા સમજાવ્યા હતા. એ દરમિયાન બીજા ત્રણ અજાણ્યા શખ્સો તેનું ઉપરાણું લઈને આવી પહોંચ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. જે પૈકી એક સફેદ રંગનો શર્ટ પહેરેલા શખ્સે ફરિયાદ પક્ષના યોગેશભાઈ ચાવડાને લાફો માર્યો હતો અને ચારેયે ભેગા મળીને ઘોડીવાળાને તથા ડી.જે. સાઉન્ડવાળાને ધમકીઓ આપી જતા રહેવા કહ્યું હતું. સાથે જ દલિત સમાજ વિરુદ્ધ અપમાનિત કરતા શબ્દો બોલ્યા હતા. પ્રસંગ બગડે નહીં તે માટે વરપક્ષના લોકોએ વરરાજાને કારમાં બેસાડીને લગ્ન સ્થળે પહોંચાડવાનું નક્કી કર્યું હતું. જો કે, તેમાં પણ આ લુખ્ખા તત્વોએ ના પાડી દીધી હતી અને ગાળો બોલીને “અમારે બીજા માણસોને બોલાવીને મોટો ઝઘડો કરવો પડશે” તેમ કહીને બિભત્સ ગાળો બોલી ત્યાંથી જતા રહ્યા હતા. જતા જતા તેમણે જાનમાં આવેલા લોકોને તેમનો વીડિયો ન ઉતારવા અને પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની અને ગામમાં રહેવું ભારે પડી જશે તેવી ધમકી આપી હતી. મુખ્ય આરોપી જે બાઈક પર આવ્યો હતો તેનો નંબર. GJ18 DD 5764 હતો અને નંબરપ્લેટની નીચે બાપુ લખ્યું હતું.

(મુખ્ય આરોપી પીળા ટિશર્ટમાં, સાથે ધમકી આપતા અન્ય લોકો)


એ પછી પીડિતોએ 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી અને લગ્ન પ્રસંગ પુરો કરીને જાન વિદાય કર્યા પછી દલિત સમાજના આગેવાનો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર અજાણ્યા શખ્સો જેમની ઉંમર આશરે 25 થી 30 વર્ષની વચ્ચે હતી તેમની સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જાતિવાદીઓનો હાથો બનતો ઓબીસી-ઠાકોર સમાજ?
ગુજરાતમાં મોટાભાગના જાતિવાદી હુમલાઓમાં આરોપીઓ ઓબીસી સમાજના, એમાં પણ ખાસ કરીને ઠાકોર સમાજના હોય છે. બૌદ્ધિક વર્ગનું માનવું છે કે, જાતિવાદ જેમના ભેજાની ઉપજ છે તે લોકો ઓબીસી સમાજને હાથો બનાવી રહ્યાં છે. ઠાકોર સમાજને તેમની જ્ઞાતિ-જાતિનું ઠાલું ગર્વ કરાવીને દલિતો સહિતના વર્ગ સામે ઉશ્કેરવામાં આવે છે, જેથી તેમના હકો છીનવાઈ રહ્યાં છે તે તરફનું ધ્યાન ન જાય. ઓબીસી ઠાકોર સમાજમાં આજે પણ શિક્ષણનું પ્રમાણ અન્ય કોઈપણ વર્ગની સરખામણીએ સૌથી ઓછું છે. તેમના બંધારણીય હકો પર સૌથી વધુ તરાપ પડી રહી છે, તેમની સરકારી નોકરીઓના ક્વોટા પર કાપ મૂકાઈ રહ્યો છે, વસ્તીની સરખામણીએ તેમને રાજકીય-સામાજિક પ્રતિનિધિત્વ મળતું નથી. આ સિવાય કુરિવાજો, દારૂ, જુગાર, નિરક્ષરતા, ઓછું કન્યા શિક્ષણ જેવા અનેક પ્રશ્નોનો પણ તે સામનો કરી રહ્યો છે, પણ તેના વિશે કોઈ સામાજિક જાગૃતિ આવતી નથી અને માત્ર દલિતો ઘોડી પર બેસે, ડી.જે. સાથે જાન જોડે એનાથી તેમને તકલીફ થાય છે.

(વરપક્ષના લગ્નની કંકોત્રી)


કન્યાપક્ષે રાત્રે ડી.જે. સાથે કન્યાને પણ ઘોડી પર બેસાડી હતી
ચડાસણા ગામમાં લગ્નની આગલી રાત્રે કન્યાપક્ષ તરફથી કન્યાને પણ ઘોડી પર બેસાડવામાં આવી હતી અને ડી.જે. સાઉન્ડ સાથે નાચગાનનો કાર્યક્રમ યોજાયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દલિતની દીકરી ઘોડી પર બેસે તેનાથી પણ આ જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું હતું. ગામમાં હજુ સુધી કોઈ દલિત દીકરીને આ રીતે ઘોડી પર બેસાડવામાં આવી નહોતી. દલિતોની આર્થિક સ્વતંત્રતાથી અકળાયેલા આ જાતિવાદી તત્વોએ એ રાત્રે જ દલિતોને સબક શીખવાડવાનું નક્કી કરી લીધું હતું. અને તેના માટે જાન આવે ત્યારે સીધો વરરાજા પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું. થયું પણ એવું જ, સવારે જાન આવી ત્યારે ગામની બહાર બેઠેલા આરોપીઓના સાગરિતે તેમને જાણ કરી દીધી હતી. એ પછી જેવા વરરાજા ઘોડી પર બેઠા એ સાથે જ લુખ્ખો તેમની પાસે પહોંચી ગયો હતો અને અપમાન કર્યું હતું. એટલે આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી પણ આયોજનપૂર્વક રચવામાં આવેલું કૃત્ય હતું તેમ સ્થાનિક સૂત્રો જણાવે છે.

વસ્તીના આધારે કેવી છે ગામની સ્થિતિ?
ચડાસણાના સ્થાનિક દલિતોના જણાવ્યા પ્રમાણે ગામમાં દલિતોના મોટાભાગના લોકો અમદાવાદમાં વસે છે અને સુખીસંપન્ન છે. ચડાસણામાં હાલ વણકરોના બે ઘર છે, એ સિવાય સેનમા સમાજના કેટલાક ઘરો છે. વાસમાં દલિતો વચ્ચે કોઈ ભેદભાવ નથી. સૌ સાથે મળીને રહે છે, લગ્ન કે અન્ય સારામાઠાં પ્રસંગે સાથે મળીને કામ કરે છે. ગામમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે. જો કે સૌથી વધુ પૈસાદાર પાટીદારો છે અને તેમાના મોટાભાગના વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં સ્થાયી થયેલા છે.

દલિત વરરાજાની જાન પર હુમલાની 16 ઘટનાઓ નોંધાઈ
ગુજરાત જાતિવાદનું એપીસેન્ટર બનવા જઈ રહ્યું હોય તેમ સ્પષ્ટ લાગે છે, કેમ કે છેલ્લાં કેટલાક સમયમાં જ દલિતોની જાન પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી 16 ઘટનાઓ નોંધાઈ છે. દલિત વરરાજાને વરઘોડો ન કાઢવા દેવાયો હોય, તેમનું અપમાન થયું હોય, લગ્નમાં જાહેરમાં ડી.જે. ન વગાડવા દેવાયું હોય, જાતિના કારણે તેમના પર હુમલો થયો હોય તેવી આ ઘટનાઓ પર નજર કરીએ.


સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે તૈયાર કરેલી યાદી પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં કેટલાક મહિનાઓમાં જ દલિતોની જાન પર જાતિવાદી તત્વોના હુમલાઓની 16 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ યાદી માત્ર મીડિયામાં ચમકેલી ઘટનાઓની છે. જ્યારે આ સિવાયની જે છાપે નથી ચડી તેવી ઘટનાઓનો આંકડો તો તેનાથી પણ મોટો હશે.

યાદી પર નજર કરીએ,
ચડાસણા, તાલુકો-માણસા, જિલ્લો-ગાંધીનગર
પારસા, તાલુકો-માણસા, જિલ્લો-ગાંધીનગર
લ્હોર, તાલુકો- કડી, જિલ્લો-મહેસાણા
ચુંવાળ(ડાંગરવા), તાલુકો-દેત્રોજ, જિલ્લો-અમદાવાદ
ખંભીસર, તાલુકો-મોડાસા, જિલ્લો-અરવલ્લી
ગાજીપુર તા. વડાલી જી. સાબરકાંઠા
સિતવાડા તા.પ્રાંતિજ જી. સાબરકાંઠા
ધનપુરા તા. બેચરાજી જી. મહેસાણા
ઝાલાની મુવાડી તા. પ્રાંતિજ જી. સાબરકાંઠા
તરખંડા(નવી નગરી) તા.હાલોલ જી. પંચમહાલ
સરીપડા તા. પાલનપુર જી. બનાસકાંઠા
ભાટસણ  જી. પાટણ
કમલીવાડા જી. પાટણ
લીંબ તા. બાયડ જી. અરવલ્લી
નાંદીસણ તા. મોડાસા જી. અરવલ્લી
મોટાગામ તા. પાલનપુર જી. બનાસકાંઠા
બોરડી તા. શહેરા જી. પંચમહાલ
આ ગામોની યાદી પૂરતી નથી આવા તો અનેક ગામો છે જ્યાં હાલમાં પણ અનુસૂચિત જાતિના લોકો ગામમાં વરઘોડો કાઢી શકતા નથી, ડીજે વગાડી શકતા નથી, ઘોડી પર બેસી શકતા નથી, ફુલેકું કાઢી શકતા નથી.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.