‘દલિત પેન્થર્સ’ના મશાલચી ડૉ. રમેશચંદ્ર પરમાર (1935-2016)

‘દલિત પેન્થર્સ’ના મશાલચી ડૉ. રમેશચંદ્ર પરમાર (1935-2016)

ડૉ. રાજેશ લકુમ, અમદાવાદ.

નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કર્મશીલ ડૉ. રમેશચંદ્ર શીવરામભાઈ પરમારની આજે જન્મજયંતિ છે. તા. 21 નવેમ્બર 1935ના રોજ ડૉ. રમેશચંદ્ર પરમારનો જન્મ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન વસાઈ (ડાભલા) તા. વિજાપુર, જી. મહેસાણા હતું. તેમનો પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં હતા. તેમના પિતા ગામડાનો પરંપરાગત વ્યવસાય છોડીને અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમના પિતા શીવરામભાઈ મોતીભાઈ પરમાર અમદાવાદની લાલ મિલ/વિવેકાનંદ મિલમાં હેડજોબર હતા અને માતા જીવીબેન શીવરામભાઈ પરમાર માસ્ડન મિલ રખિયાલ, ગુજરાત હોઝીયરી મિલમાં 55 વર્ષ નોકરી કરી. બાળપણમાં શિક્ષણ પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા અને મેથોડિસ્ટ મિશન સ્કૂલ મેળવ્યું. ત્યારબાદ તેમણે એમ.એ, બી.એડ, પીએચ. ડી જેવી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ડૉ. રમેશચંદ્ર પરમારે સમગ્ર જીવન દરમ્યાન કર્મશીલ, લેખક, સંપાદક, અનુવાદક અને પ્રકાશક તરીકે મહત્ત્વનું ભૂમિકા ભજવી છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે સવિશેષ યોગદાન આપનાર દલિત પેન્થર્સના મશાલચી એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર.      

આઝાદી બાદ ગુજરાતમાં ડૉ. રમેશચંદ્ર પરમાર, નારણભાઇ વોરા અને વાલજીભાઇ પટેલ દલિત પેન્થર્સની પ્રવૃતિ આદરી દલિત અત્યાચારો, અનામત વિરોધી આંદોલન અને જમીન અધિકાર આંદોલનમાં મહત્વ ભૂમિકા ભજવી. દલિત પેન્થર્સન ધોષણાપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ખેતી, જમીન, ઉદ્યોગ, આર્થિક સંસાધનો અને સત્તાના સાધનો પ્રભુત્વ જ્ઞાતિ પાસે છે. દલિતોની સમસ્યા સામાજિક અને આર્થિક પણ છે. ધોષણાપત્રમાં દર્શાવવામાં આવ્યું કે ભૂમિહીન શ્રમિકોનું દૈનિક વેતન વધારવું જોઈએ અને અસ્પૃશ્યતા નાબૂદી માટે તમામ જમીનની ફરી વહેંચણી કરવી જોઈએ (વણકર, 2023: 108-114).

 

ગુજરાતમાં દલિત પેન્થર્સની શરૂઆત

ગુજરાતમાં ભારતીય રિપબ્લિક પાર્ટી કાર્યરત હતી. ડૉ. રમેશચંદ્ર પરમારે મહારાષ્ટ્ર જઈને જે. વી. પવારને મળ્યા અને એ દરમિયાન ગુજરાતમાં વરલી અત્યાચારની ઘટના બાદ થયેલ આંદોલન વિશે જણાવ્યુ. તેમણે દલિત પેન્થર્સની ટીમ અને જે.વી. પવારને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું. પવાર પણ મહારાષ્ટ્ર બહાર દલિત પેન્થર્સનો ફેલાવો કરવાનું વિચારી રહ્યા હતા. પવારે ગુજરાતના યુવાનો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. ગુજરાતના યુવાનો ગુજરાતમાં દલિત પેન્થર્સ સ્થાપના માટે ઉત્સુક હતા. અમદાવાદમાં રહેતા પ્રો. દવે દલિત પેન્થર્સ વિશે અખબારોમાં લખાણ લખતા હતા તેમનો દલિત પેન્થર્સને સહકાર પણ મળ્યો.

તા. 14 એપ્રિલ 1974ના દિવસે ડૉ.આંબેડકર જયંતિના દિવસે મહારાષ્ટ્રના દલિત પેન્થર્સના સ્થાપક મિત્રોને અમદાવાદ આવતા આમંત્રણ આપવામાં આવ્યું.  મહારાષ્ટ્રથી રાજા ઢાલે, ભાઈ સંગારે અને જે.વી. પવાર અમદાવાદ આવ્યા. પ્રથમ સભા અમદાવાદની કોટન મિલ વિસ્તારમાં રાખવામાં આવી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને પોલીસને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી હતી. સભા પહેલા પદયાત્રા કરવામાં આવી હતી. સભામાં રાજા ઢાલે દ્વારા કહેવામાં આવ્યું કે, દલિતની આર્થિક પરિસ્થિતી માટે જ્ઞાતિ વ્યવસ્થા જવાબદાર છે.પવારે પોતાના ભાષણમાં કહ્યું કે, નવ સમાજ બનાવવા માટે જૂની વસ્તુઓ છોડવી પડશે. તેમજ જ્ઞાતિની નાશ વિના ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ અશક્ય છે. ભાઈ સંગારે કહ્યું કે, ગાંધીવાદ જ દલિતોની વેદના માટે જવાબદાર છે, આપણે ગાંધીવાદના સ્થાને આંબેડકરવાદ લાવવો પડશે.પ્રથમ સભા પછી અનેક નાની સભાઓ અમદાવાદની ચાલીઓમાં થઈ. દલિત પેન્થર્સ ગુજરાત એકમની અનેક જિલ્લાવાર શાખાઓ ખોલવામાં આવી.

દલિત પેન્થર્સનું પ્રથમ સંમેલન તા. 23-24 ઓક્ટોમ્બર 1974 ના રોજ નાગપુર ખાતે મળ્યું.  ઉદ્ઘાટન માટે નક્કી કરાયેલ મહેમાનનું પ્રોગ્રામમાં આવાની શક્યતા ન હોવાથી ગુજરાતમાંથી દલિત પેન્થર્સના વડા રમેશચંદ્ર પરમારએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. પરમારે હિન્દીમાં અસરકારક ભાષણ આપ્યું. જેમાં ગાંધીવાદની ટીકાઓ કરી.

રાજકીય અનામત નાબૂદ કરવા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું. તા. 25 ડિસેમ્બર 1974ના રોજ મનુસ્મૃતિ દહનની વર્ષગાંઠે ખુરશી સળગાવવાની જાહેરાત કરવામાં આવી. મહારાષ્ટ્રના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. બીજીવાર દલિત પેંથરના જે.પી. પવાર અને એમ.ડી. ગાયકવાડ ગુજરાત આવીને રાજકીય અનામતની હોળી કરી. પવારે ભાષણમાં કહ્યું કે રાજકીય અનામત કોંગ્રેસની શકિત મજબૂત કરવાનું એક ષડયંત્ર છે અને તેમણે દલિતોને સત્તાથી દૂર કર્યા છે’. ગુજરાતમાં દલિત પેંથર્સની શરૂઆતથી દલિત સાહિત્યનો ઝડપી વિકાસ થવા લાગ્યો. અનેક કવિઓ, લેખકો અને કર્મશીલ દ્વારા કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા અને આત્મકથા લખવાનું શરૂ કર્યું.  

દલિત પેન્થર્સના સ્થાપક જે. વી. પવારના મતે બાબા સાહેબ દ્વારા લાખો લોકો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. એકસાથે લાખો લોકો એક સંસ્કૃતિ માંથી બીજી સંસ્કૃતિ આપવાની હતી. તેને આપણે ભારતનું સૌથી મોટું Cultural Revolution કહી શકાય. બાબા સાહેબના મૃત્યુ પછી દલિત પરના અત્યાચારોનું પ્રમાણ વધવા લાગ્યું. વર્ષ 1970ના સમાચાર પત્રોમાં જોઈએ તો ખ્યાલ આવે કે દલિત અત્યાચારોના ઘટનાઓમાં સવિશેષ વધારો થવા લાગ્યો હતો. મહારાષ્ટ્રમાં દલિત યુવાનો ભેગા થઈને દલિત પેંથરની સ્થાપના કરી.

ગુજરાતની વાત કરીએ તો, શરૂઆતમાં ગુજરાતમાંથી પ્રો. દવેનો સહકાર મળ્યો હતો. જે Red Minded હતા’. શરૂઆતમાં દલિત પંથેર્સને ગુજરાતમાંથી Progressive લોકો જ મળ્યા છે તેમની સાથે પત્ર વ્યવહાર થતો હતો. રમેશચંદ્ર પરમાર દલિત પેંથર સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેમણે ભારતીય દલિત પેંથરના નામનું ગુજરાતમાં દલિત પેંથર ચલાવ્યું હતું. અત્યારે ગુજરાત બદલાઈ ગયું છે અત્યારે મોદીમય ગુજરાત થઈ ગયું છે (પવાર, 2022).   

 

સૌરાષ્ટ્રમાં ‘દલિત પેન્થર્સ’ની કામગીરી (1975-1995)

દલિત પેન્થર્સના આંદોલનમાં સૌરાષ્ટ્રમાંથી માણાવદરના અમરસિંહ પરમાર, બડોદરના ચંદ્રસિંહ મહિડા, ભાણવડના અમરસિંહ બથવાર, જામનગરના ગૌતમ ગોહિલ, પાટણવાવના સોમજીભાઈ રાણવા, કોડીનારના બાલુભાઈ સોચા અને ઉનાના કેશુભાઈ મકવાણા અને પૂનમ ઝાલા વગેરે જોડાયા હતા. વર્ષ 1975માં દલિત કર્મશીલ પાગલબાબાનો કાર્યક્રમ કોડીનારના ફાચરિયા ગામમાં જમીન અધિકારની જાગૃતિ અંગે બાબતે રાખવામાં આવ્યો હતો. બિન-દલિત દ્વારા વિરોધ અને ઉગ્ર ઝગડો થતાં કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો. ગામમાં ઉગ્ર માહોલના કારણે બાલુભાઈ સોચા દ્વારા ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ પણ જમીન અધિકારની લડત ચાલુ રહી હતી. ત્યારબાદ વર્ષ 1975 બાદ જે જમીન વિહોણા દલિતોએ સાંથણી જમીન મળી ન હતી તેવા દલિતો દ્વારા માટે સરકારી ગૌચર ખેડાણ કરીને પોતાના ગુજરાન ચલાવતા. સરકારી ગૌચર જમીન ખેડવાના કારણે દલિત પર અનેક અત્યાચારો બન્યા હતા. સુરેન્દ્રનગરના રણમલપુરમાં પીવાના પાણી બાબતે બે દલિત યુવાનોના ખૂન થયા ત્યારે દલિત પેન્થર્સ દ્વારા સરઘસ કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો (સોચા, 2023).

વર્ષ 1983માં જૂનાગઢમાં કોડીનારના વિઠ્ઠલપુરમાં દલિત યુવાન જેઠાભાઇ નગાજણ પરમારનું ખૂન કરવામાં આવ્યું. શેઢાયા ગામની ગ્રામ પંચાયત ઓફિસમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના ફોટાનું તલાટીની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું. આહીર સરપંચ દેવાયત નારણને પસંદ ના આવતા જેઠાભાઇ પરમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તથા ડૉ. બાબા સાહેબનો ફોટો ફાડી નાંખવામાં આવ્યો હતો. દલિત કર્મશીલો દ્વારા ફરિયાદ કરવામાં આવી. નાગરિક હક્ક સંરક્ષણ ધારા અન્વયે સરપંચને 6 માસ સજા ભીતિ થતાં થયેલ બનાવના સમાધાન બાબતે દલિત યુવાનને બોલાવી તેનું અપહરણ કરીને જાનથી મારી નાખવામાં આવ્યો. પરતું ઘટનાના આરોપી વિરુદ્ધ સાક્ષીના અભાવના કારણે સજા થઈ નહી.

 ઘટનાને લઈને જૂનાગઢમાં રાખવામાં આવેલ શોકસભામાં દલિત પેન્થર્સના પ્રમુખ, ડૉ. રમેશચંદ્ર પરમારે હાજરી આપી સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ‘’અત્યાચાર વિરોધી સમિતિ બનાવ, ખૂનના બનાવમાં લડત આપી હતી (સોચા, 2023). ત્યારે તા. 10 માર્ચ 1983માં દલિત પેન્થર્સ દ્વારા ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું (જ્યોતિકર, 2015: 188).

દલિત પેન્થર્સના પ્રમુખ ડૉ. રમેશચંદ્ર પરમારની આગેવાની હેઠળ જમીનના પ્રશ્ને અને દલિત અત્યાચારના વિરોધમાં અનેક સભા-સરઘસો અને શોભાયાત્રા, આંદોલનો, પ્રદર્શનો અને દેખાવો કરવામાં આવ્યા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તા. 14 એપ્રિલ 1991ના રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જશાપુરમાં દલિત દીકરી પર બળાત્કાર ગુજારીને ખૂન કરવામાં આવ્યું હતું. તેમજ તા. 26 જૂને 1994ના રોજ જૂનાગઢના માળીયા હાટીના ગળોદર ગામમાં ભૂમિહીન દલિતો પર સામૂહિક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે દલિત પેંથરના ડૉ. રમેશચંદ્ર પરમારે મુલાકાત લીધી હતી. ત્યારબાદ પણ તા. 3 જૂન 1992માં જૂનાગઢના વેરાવળના પ્રાંસલી ગામમાં દલિત યુવક ગોવિંદભાઇની હત્યા કરવામાં આવી હતી. તા. 29 જૂન 1995ના રોજ ભાવનગરના તળાજાના માખણિયા ગામ દલિતોનો સામાજિક બહિષ્કાર અને સામૂહિક હુમલા કરવામાં આવ્યો હતો. તા. 20 સપ્ટેમ્બર 1995ના રોજ જામનગરના જામજોધપુરના વાંસ જાળિયામાં બિન-દલિતો દ્વારા જમીન હડપ કરી અત્યાચાર કરવામાં આવ્યો હતો (પરમાર, 2012). આમ સૌરાષ્ટ્રમાં દલિત પેન્થર દ્વારા જમીન, મારમારી, ખૂન અને બળાત્કારના બનાવોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

 

ડૉ. રમેશચંદ્ર પરમારની દલિત આંદોલનમાં ભૂમિકા

ડૉ. બાબાસાહેબ આંબેડકર અમદાવાદ ખાતે આવ્યા ત્યારે ડૉ. રમેશચંદ્ર પરમારની ઉંમર 10-12 વર્ષ હતી ત્યારે અમદાવાદની ચાલી માટે ડૉ. આંબેડકરને ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડૉ. રમેશચંદ્ર પરમારના માતાએ રોટલા અને શાક બનાવીને બાબા સાહેબને જમાડયા હતા. તેનું એ કારણ પણ હતું કે પરમારના પિતા પણ મિલમાં કામ કરતાં અને બાબા સાહેબના આંદોલનમાં સક્રિય હતા. દલિત પેન્થર્સ સ્થાપક ડૉ. રમેશચંદ્ર પરમાર કહેતા કે અમે હમેશાં હિંસક નથી, પરંતુ અમે હિંસાનો ભોગ બનેલા છીએ. તે માટે હિંસા સામે પ્રતિકાર કરીએ છીએ, અમે ક્યારેય કોઈન હિંસા નથી કરી.

વર્ષ 1980ના દાયકામાં દલિત પેન્થર્સના પાંચ સાઇકલ વીરો ચૈત્યભૂમિ મુંબઈથી ડૉ. બાબા સાહેબ આંબેડકરની સંદેશ ફેલાવવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સારંગપુર ખાતે પહોચ્યા ત્યારે તેમનું સ્વાગત ડૉ. રમેશચંદ્ર પરમારે કર્યું હતું. ત્યારબાદ પરમારના નિવાસસ્થાને આવેલ પાંચ સાઇકલ વીરોની યાદગાર તસ્વીર જોવા મળે છે.      

ડૉ. રમેશચંદ્ર પરમારની આગેવાની હેઠળ અનેક સભા- સરઘસો અને શોભાયાત્રા, આંદોલનો, પ્રદર્શનો અને દેખાવો કર્યા છે. તા. 14/11/ 1977 ના રોજ સંસદ ભવનનો ઘેરાવો કરવામાં આવ્યો. તા. 1980માં સિવિલના ડોક્ટરોનું કેરી ફોરવર્ડનું આંદોલન, વર્ષ 1981માં આવશ્યક સેવાઓમાં હડતાળો પર પ્રતિબંધ લડવાના રાષ્ટ્ર પતિના વટહુકમને દલિત પેંથર દ્વારા વખોડી કાઢવામાં આવ્યો. તા. 5/2/1982માં દેવલી, સાધુપુર અને કેશતારાના હત્યાકાંડના વિરોધમાં ભારતના તત્કાલીન વડાપ્રધાનની મુલાકાતનો કાળા વાવટા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. 1989થી દર વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે અમદાવાદમાં વિશાળ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 21/04 1989ના રોજ આંધ્રપ્રદેશના ઇન્દ્રવલ્લી અમાનુષી અત્યાચારને દલિત પેંથર દ્વારા વખોડી કાઠી, મનહરનગર, ગોમતીપુર ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય 14મી એપ્રિલ ડૉ. આંબેડકર જન્મ જયંતી નિમિતે રાજા મેળવવા દલિત પેન્થર્સ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તથા વિધાન સભામાં બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મૂકવવા સંઘર્ષ કર્યો તેમજ વિધાન સભાના સંકૂલમાં બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવવા આંદોલન અને ગુજરાત યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકર ચેર મૂકાવવા પણ સંઘર્ષ કર્યો હતો. 

ગુજરાતમાં અત્યાચારો અને શોષણના બનાવો જેવા કે ખૂન, બળાત્કાર, મારપીટ, જમીન હડપ અને બહિષ્કાર અને હિજરતના બનાવોમાં ડૉ. રમેશચંદ્ર પરમારની રૂબરૂ મુલાકાત લેતા અને સંઘર્ષ કરી ન્યાય આપવવા કાર્ય કર્યું છે. જેમ કે વાસણા (1990), પારડી, કલોદરા, જશાપુર અને મુક્તિપુરા (નવાગામ)(1991), પ્રાંસલી અને વડોદરા (1992), ઉખલોડ અને ટુંડેલ (1993),ગળોદર,કપરૂપુર(1994),સાગપુર, કાંકણોલ, સેવાણી, સલાટવાડો, માખણિયા, સાણંદ, ચાંદખેડા, વાંસ જાળિયા, ભાદરણ, સુંદરપૂરા, રઢુ અને કુંતલપુર(1995), ભીમપુરા અને ઝાંઝરકા(1996), રામપુરા કંપા અને જેજાદ (1997) અને અન્ય અત્યાચારના બનાવોમાં સ્વ-મુલાકાત કરી સંઘર્ષ કર્યો છે.            

બહુચર્ચિત જેતલપુરના શકરાભાઈન ખૂન વખતે દલિત પેન્થર્સ લાંબો સંર્ષ કર્યો હતો. શકરાભાઈની લાશ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં દલિત કર્મશીલો સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પીપલમાં ન્યાયની માંગણી સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી જેમાં દલિત પેન્થર્સના યુવાઓ જોડાયા હતા. જેતલપુર મુકામે રાખેલ શોકસભામાં મોટી સંખ્યામાં દલિત કર્મશીલો ભેગા થયા હતા. અદાલતમાં ન્યાયિક લડાઈ માટે અસલાલી કોર્ટ અને મિરજાપુર કોર્ટમાં સતત હાજરી આપવામાં આવી હતી. આખરે જેતલપુર હત્યાના કેસમાં અદાલત દ્વારા દોષીતોને આજીવન કારાવાસની સજા થઈ. દલિત કર્મશીલોની મહેનત દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં મદદરૂપ થઈ. છેલ્લે ઉનાના બનાવમાં ધિક્કાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ડૉ. રમેશચંદ્ર પરમારની મૃત્યુ બાદની સ્થિતિ

છેલ્લે દલિત પેન્થર્સના 50 વર્ષ પૂરા થયા હોવાથી તા. 29 મે 2022ના રોજ વર્તમાન દલિત પેન્થર્સના અધ્યક્ષ, રાહુલ પરમારના નેજા હેઠળ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં પેન્થર્સ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. બાબા સાહેબના પવિત્ર અસ્થિ દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા. ભારતીય દલિત પેંથર ગુજરાતના સ્થાપક ડૉ. રમેશ ચંદ્ર પરમારના નિવાસસ્થાન રાજપુર-ગોમતીપુરથી શરૂ કરી ચાંદખેડા સુધી ગૌરવ યાત્રા કાઢવામાં આવી. ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો કાર, બાઇક અને અન્ય વાહનો લઈને જોડાયા હતા. ત્યારબાદ ચાંદખેડામાં આ રેલી પેન્થર્સ ગૌરવ સભામાં ફેરવાઇ ગઈ. સાંજે ભવ્ય ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પેન્થર્સ ગૌરવ સભામાં દલિત આંદોલનના સૌરાષ્ટ્રના કર્મશીલોને પણ પેન્થર્સ ભીમ રત્ન સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આખો દિવસ દલિત પેન્થર્સના 50 વર્ષથી ઉજવણી સાથે વ્યતીત થયો.     

તાજેતરમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામની સરસ્વતી વિદ્યા મંદિર ખાનગી શાળામાં ધોરણ 3માં ભણતા દલિત વિધાર્થી (ઇન્દ્ર મેધવાલ, 7 વર્ષ) ને હેડ-માસ્ટર છૈલ સિંહ દ્વારા તા. 20 જુલાઈ 2022ના રજો ઢોર માર મારતા તા. 13 ઓગસ્ટ 2022 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું. આ ઘટનાના વિરોધમાં ભારતીય દલિત પેંથર દ્વારા સુભાષબ્રિજ સર્કલ ખાતે 300થી વધારે કાર્યકરો દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હેડ-માસ્ટર છેલસિંહને ફાંસીની સજા, સરસ્વતી વિદ્યાલયનું લાઇસન્સ રદ કરવામાં આવે, ઇન્દ્ર મેધવાલના પરિવારને 50 લાખનું વળતર સાથે પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તથા સામાજિક કર્મશીલો પર થયેલ તમામ કેસો પાછા ખેંચવામાં આવે અને સ્વ-રક્ષણ માટે હથિયાર રાખવા પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. છેલ્લે ઑક્ટોમ્બર 2023માં સારંગપુર ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમા સામે LED સ્કીન મૂકી દેતા બાબાસાહેબની પ્રતિમા ઢાંકી દેવામાં આવી હતી ત્યારે પણ LED સ્કીન દૂર કરવા દલિત પેન્થર્સ કામગીરી કરી હતી.

દલિત કર્મશીલ, રાજુભાઈ સોલંકીના મતે પેન્થરની ઘણી મર્યાદા છે. દલિત પેંથર ત્રણ-ચાર જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કર્ણાટક વગેરે રાજ્યમાં જ અસ્તિત્વ ધરાવતું હતું. આ રાજ્ય સિવાય બીજા રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતું ન હતું. એ ક્યારેય રાષ્ટ્રીય સંગઠન બન્યું નથી એટલે તેને પાન-ઇંડિયન સંગઠન કહી શકાય નહિ. દલિત સાહિત્યકારો અને મીડિયાના લીધે રોચક બન્યું હતું. અત્યાચારના બનાવો અને સામાજિક જાગૃતિ પર ધ્યાન આપ્યું છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે પેન્થર્સકામ કર્યું નથી જે સૌથી મોટી નબળાઈ છે (સોલંકી, 2022).

 

સંદર્ભસૂચિ: 

- જ્યોતિકર, અ. (2015). સૌરાષ્ટ્રની આંબેડકરી ચળવળનો ઇતિહાસ(ઇ.સ. 1930થી ઇ.સ. 2000). અમદાવાદ: ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ.

- ડૉ. રમેશચંદ્ર પરમાર સન્માન સમિતિ.(2012). નિષ્ઠાવન અને પ્રતિબદ્ધ આંબેડકરવાદી અણનમ યોદ્ધા. અમદાવાદ: ડૉ. રમેશચંદ્ર પરમાર સન્માન સમિતિ.

- પરમાર. રા. (2022, ઓક્ટોમ્બર 01). દલિત પેન્થર્સનો ઇતિહાસ. (રા. લકુમ, Interviewer)

- પાવર. જે. (2022, ઓક્ટોમ્બર 24). ગુજરાતમાં દલિત પેન્થર્સ. (રા. લકુમ, Interviewer)  

- વણકર, ગ. (2023). દલિત પેન્થર્સનો ધોષણાપત્ર (Manifesto). સાહિત્યિક સંરસન, 108-114.

- સોલંકી, રાજુ. (2022, ઓક્ટોમ્બર 22). દલિત પેન્થર્સ. (રા. લકુમ, Interviewer)  

- સોચા, બાલુ. (2023, એપ્રિલ 21). સૌરાષ્ટ્રના દલિત આંદોલનો. (રા. લકુમ, Interviewer)

આ પણ વાંચો:એક ગાંડો ઘેલો કવિ, નામ એનું શંકર પેન્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.