કર્ણાટક સરકારે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સ્ટે મૂક્યો

કર્ણાટક સરકારે ‘હમારે બારહ’ નામની ફિલ્મ પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો અહીં.

કર્ણાટક સરકારે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સ્ટે મૂક્યો
image credit - Google images

કર્ણાટક સિનેમા (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૬૪ની કલમો હેઠળ કર્ણાટક સરકારે ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝ (પ્રસારણ) પર બે અઠવાડિયા અથવા આગામી આદેશ ન અપાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. તેની પાછળનું કારણ આપતા કહ્યું કે, જો રાજ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે સાંપ્રદાયિક તણાવ પેદા કરશે. કર્ણાટક સરકારે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અનેક લઘુમતી સંગઠનો અને પ્રતિનિધિમંડળોની વિનંતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બોમ્બે હાઈકોર્ટે પણ બુધવારના રોજ ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝને ૧૪ જૂન સુધી સ્થગિત કરી દીધી છે. અન્નુ કપૂર અભિનિત આ ફિલ્મને લઈને કોર્ટની સુનાવણી ૧૦ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.

આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે વકીલ મયૂર ખાંડેપારકર, અનીસા ચીમા અને રેખા મુસળે અને અઝહર તંબોલીએ અરજી દાખલ કરી હતી. અઝહર તંબોલીએ આક્ષેપ કર્યો હતો કે 'હમારે બારહ'એ મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને કુરાનનું ખોટું ચિત્રણ કર્યું છે. અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવતા યુ/એ સર્ટિફિકેશન સાથે તેની રિલીઝને મંજૂરી આપવા અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો

સીબીએફસીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અદ્વૈત સેઠનાએ તેમની દલીલમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હમારે બારહ’ને એક વિશેષ સમિતિ દ્વારા નજીકથી દેખરેખ રાખ્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેણે અમુક ફેરફારોની ભલામણ કરી હતી. અન્નુ કપૂરને ફોન કોલ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ કોર્ટે નિર્દેશ આપ્યો છે. અન્નુ કપૂર તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા.

શું છે ફિલ્મમાં?

ફિલ્મ 'હમારે બારહ'ની વાર્તા મંજૂર અલી ખાન સંજારીની આસપાસ ફરે છે, જે તેની પ્રથમ પત્નીને બાળકનાં જન્મ વખતે ગુમાવે છે. તે તેની બીજી પત્ની સાથે બાળકો પેદા કરવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી તેની છઠ્ઠી ગર્ભાવસ્થા જીવલેણ બની ન જાય. મંજૂર અલી ખાને ગર્ભપાતની ડૉક્ટરની સલાહની અવગણના કર્યા પછી, તેની મોટી પુત્રી અલ્ફિયા તેની સાવકી માતાને બચાવવાનું વચન આપે છે અને તેના પિતાને ગર્ભપાતની માંગણી માટે કોર્ટમાં લઈ જાય છે.

અન્નુ કપૂરે તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં આ ફિલ્મ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, "હમારે બારહ'માં કામ કરવું એ મારા માટે અવિશ્વસનીય સફર રહી છે. આ ફિલ્મ કેટલાક જટિલ અને સંવેદનશીલ વિષયો પર ધ્યાન આપે છે અને હું માનું છું કે નવું શીર્ષક અમારી વાર્તા કહેવાની સાથે વધુ સારી રીતે ફીટ બેસે છે.”

આ પણ વાંચો: ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.