દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

અટક બદલીને સવર્ણોની હરોળમાં બિરાજવાની દલિત સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગની માનસિકતા જ્યારે વતનમાં જતાની સાથે જ ભાંગીને ભૂક્કો થઈ જાય છે તેની વાત ડૉ. સ્વપ્નિલ મહેતા અહીં તેમની આગવી સ્ટાઈલમાં રજૂ કરે છે.

દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

ડૉ. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

પોતાના જન્મ વખતે અમીન સાહેબ જે ના કરી શક્યા, તેવી બધ્ધી જ કાળજી તેમણે એમની દીકરીના જન્મ વખતે રાખી. પત્નીનાં ગર્ભધારણથી પુત્રીનાં પ્રસવ સુધી જે બધી વેકસિન લેવાની હોય એની વાત નથી કરતો, પણ દિકરીના જન્મ વખતે એની અટકમાં જયારે ‘અમીન’ લખાયું ત્યારે તે રાજીના રેડ થયા હતા.

પોતે વહીવટીતંત્રમાં ઠેબાં ખાઈ ખાઈને ક્લાસ વન સુધી પહોચ્યા હતા. મોટેભાગે તેઓ શુટ જ પહેરતા. ઘણીવાર તો રાત્રે સુતી વખતે પણ શુટ કાઢવાનો એમને કંટાળો આવતો. 40 ડિગ્રી ગરમીમાં પણ તેઓ શુટમાં આરામનો અનુભવ કરતા. 

બાપને બિચારાને ખબર નહોતી ભ'ઈ મોટા થઈને મોટા સાહેબ બનવાના છે. એટલે ‘મકવાણા’ અટક સાથે જ અમીન સાહેબને જન્માવી દીધા હતા. પણ સાહેબ ભણ્યા. લખવાની સાથે ભુંસવાની પણ ટેવ પડી. એટલે પોતાનું નામ અને અટક ભુંસી નાખી. બાપના નામ ‘ગોબર’નું ટૂંકું કરી નાખ્યું 'જી'. અર્થાર્ત ચંદ્રવદન જી અમીન.

સવર્ણની સોસાયટીમાં 'શ્રીજીકૃપા' બંગલો અને વિશાળ બેઠકરૂમમાં અલૌકિક આભા ઊભી કરતું પ્રમુખ સ્વામીનું તૈલચિત્ર એમની સફળતા ઉપર મંદમંદ હસતું રહેતું. 

નિવૃતિનાં થોડા વરસો પહેલાની વાત છે. નિયતી ચંદ્રકાન્ત અમીન એમની લાડલી મેડિકલના છેલ્લાં સેમેસ્ટરમાં આવી ચુકી હતી. અમીન સાહેબને શું થયું કે, પત્ની અને દીકરી નિયતી સાથે પોતાના વતનમાં આવ્યા. ગોબરબાપાના આ અંતિમ દિવસો. દીકરાની ડૉકટર દીકરીનું મ્હોં પણ જોવું હતું. પૌત્રી પણ દાદાને સ્ટેથોસ્કૉપથી તપાસે એવું અમીન સાહેબ પણ ઈચ્છતા હતા.

વાસમા પ્રવેશતા જ વળાંક આગળ એક ગાડું પસાર થયું. ગામના ઠાકોર નીકળ્યાં, ગાડીમાં જોઈને પૂછ્યુઃ

"અલ્યા વાહ મા જાય સ? કુનો છિયો?" 

"ગોબર કાળા" નિયતિથી આંખો ચોરીને ધીમા અવાજે ક્લાસ વન અમીન સાહેબે જવાબ દીધો. ફેશનેબલ મમ્મીને પહેલીવાર આઘું ઓઢેલા જોયા.

ગામ સુધર્યુ હશે એમ માનીને તેઓ નિયતિને સાથે લાવ્યા હતા, પણ એમને નિયતિને ગામમાં લઈ આવવાનો પેટ ભરીને પસ્તાવો થયો. અમીન સાહેબ એમનો પસ્તાવો લંબાવે એ પહેલા ઠાકોરે ચમકતી કાર જોઈને કહયુઃ

"આયા સો તો માપમાં રેજો દિયોર. બહુ છલકઈ ના જાતા, હું કીધું?" 

આ પણ વાંચો: તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...

અમીન સાહેબે ગાડી રિવર્સમાં લઈને ગાડાને માર્ગ કરી આપ્યો.

બીજા દિવસે નિયતિ કુટુંબની ફોઈ સાથે ગામનો કૂવો જોવા ગઈ. ઘરે આવ્યા પછી નિયતિનું વર્તન બદલાય ગયુ હતું. આંખો ચકળવકળ થવા લાગી હતી. પોતાના પપ્પાને અજીબ નજરોથી જોઈ રહી હતી. ગોબરબાપા સામે જોઈને ખડખડાટ હસતી હતી. મમ્મીને જોઈ ધોધમાર રડી પડતી. ફોઈને તો ખબર પડી ગઈ. કૂવા પાસેની આંબલી ઉપરથી ‘કંકુડી’ વળગી છે. અમીન સાહેબ દુ:ખી હૃદયે નિયતિ અને પત્નીને લઈને પોતાના ઘરે પાછા ફર્યા. આખી જિંદગી ગામ અને અટકથી નિયતિને દૂર રાખી હતી. પણ આખરે નિયતિને નિયતિએ પકડી જ લીધી.

ભૂવા ધુણાવ્યા. બાધા રાખી. બોકડો ને મરધો પણ ચઢાવ્યો. માતા મહાદેવ કર્યા. પીરોમૂરશીદ બોલાવ્યા. પણ ઘરે આવ્યા પછી નિયતિ વધારે સૂનમુન થઈ ગઈ હતી. કશોય ફેર પડતો નહોતો. બેઠકરૂમમાં લટકી રહેલાં પ્રમુખ સ્વામીને જોઈ ખડખડાટ હસતી પછી એકીટશે છત સામે તાકી રહેતી.

અમીનસાહેબનો એક મિત્ર હતો. ખૂબ જ સારો મનોચિકિત્સક હતો, ડો. ભારદ્વાજ. એણે પણ અટક બદલાવેલી હતી. એણે નિયતિના ઉપચાર ચાલું કર્યા. ચાર સિટિંગ પછી ભારદ્વાજે અમીન સાહેબને કહ્યુઃ

"ચંદુ, નિયતિને પેલી આંબલીવાળી કંકુ નહિ પણ "જાતિ" વળગી છે"

"ઉપાય શું?" અમીન સાહેબે યંત્રવત્ પૂછયું.

"કંકુ હોત તો તગેડી પણ મુકત ચંદુ, પણ આતો જાતિ, જાતિ નથી જાતી મારા ભાઈ!"

ભલે દેખાતા નહોતા, પણ ચંદ્રકાંત જી. અમીનની પીઠ પાછળ સાવરણો અને ગળામાં કુલડી હજી ચુસ્ત રીતે વળગ્યાં હતાં.

(લેખક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ‘આરટીઆઈ ઈમ્પેક્ટ’ વીકલીના તંત્રી છે.)

આ પણ વાંચો : જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Suresh Solanki
    Suresh Solanki
    જાતી ને વળગી રહેવું! એને વરગણ નહીં માનવું
    3 months ago
  • Kamlesh Dave
    Kamlesh Dave
    I like this chapter
    3 months ago