શિવ મંદિર પર વીજળી પડતા પૂજારી સહિત બેના મોત, સાત દાઝ્યાં

એક ગામમાં ભારે વરસાદ દરમિયાન શિવ મંદિર ઉપર વીજળી પડી હતી. જેમાં એક પૂજારી સહિત બે લોકોના મોત થઈ ગયા છે અને અન્ય 7 લોકો દાઝી ગયા છે.

શિવ મંદિર પર વીજળી પડતા પૂજારી સહિત બેના મોત, સાત દાઝ્યાં
image credit - Google images

વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ વીજળી પડવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. આવી જ એક મોટી ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને સાત લોકો દાઝી ગયા છે. મામલો ઉત્તરપ્રદેશનો છે. અહીંના દેવરિયામાં ભારે વરસાદ દરમિયાન એક મંદિર પર વીજળી પડી હતી. જેના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામનારાઓમાં પૂજારી પણ સામેલ છે. 

ગઈકાલે રવિવારે અહીં ભારે વરસાદ શરૂ થયો હતો. જેથી પદયાત્રીઓએ વરસાદથી બચવા મંદિરમાં આશરો લીધો હતો. પરંતુ અચાનક તેમના પર વીજળી પડી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વેદ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે રવિવારે કેટલાક લોકો વરસાદથી બચવા માટે ગોપાલપુર ગામના મંદિરમાં રોકાયા હતા ત્યારે અચાનક મંદિર પર વીજળી પડી હતી.

વીજળી પડવાને કારણે મંદિરના પૂજારી રાધેશ્યામ ગિરી (૫૦) અને રાજનાથ કુશવાહ (૪૦)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ લોકોને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અખંડ પ્રતાપ સિંહ વતી કહેવામાં આવ્યું હતું કે મૃતક અને બળી ગયેલા લોકોના પરિવારજનોને નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવશે. 

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

ઉલ્લેખનીય છે કે, અગાઉ શુક્રવારે પણ અહીંના સુલતાનપુર જિલ્લામાં વીજળી પડવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક સગીર યુવતી અને મહિલાનું મોત થયું હતું. આ ઘટના કુદ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયા સોહગૌલીમાં બની હતી.

કુદ્વાર પોલીસ સ્ટેશનના અધિકારી રામ વિલાસ યાદવે જણાવ્યું કે બંને મહિલાઓ ગામમાં વરસાદથી પોતાને બચાવવા માટે એક ઝાડની પાછળ ઉભી હતી. એકાએક વીજળી પડવાથી ૪૬ વર્ષની કુસુમ કોરી અને ૧૩ વર્ષની નેન્સીનું મોત થયું હતું. પરિવાર તરફથી સંબંધિત વિભાગને માહિતી આપવામાં આવી છે. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સદર) ઠાકુર પ્રસાદે કહ્યું કે બંનેના પરિવારોને નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. હાલમાં યુપીમાં સતત વરસાદ ચાલુ છે. વિભાગ દ્વારા ૫૭ જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કચ્છમાં ખટલા ભવાની મંદિરનો પૂજારી રૂ. 36 હજારના ગાંજા સાથે ઝડપાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.