મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...

એક ગામમાં માથાભારે તત્વોના ખેતર વચ્ચે સરકારી ટ્યૂબવેલ આવેલી છે. પણ જાતિવાદી તત્વો દલિત, ઓબીસી ખેડૂતોને પાણીથી ખેતી કરવા દેતા નથી અને સીએમની બીક બતાવે છે.

મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...
image credit - Google images

સ્ટોરીનું ટાઈટલ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે મામલો ક્યા રાજ્યનો હશે. જી હા, જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના સીતાપુર જિલ્લાના મિશ્રિખ તાલુકાના શંકરપુરા ગામમાં માથાભારે ઠાકુર કોમના શખ્સોએ દલિતો, ઓબીસી પર એ હદે દાદાગીરી કરવા માંડી છે કે તેમની 200 વીઘા જમીનમાં ખેતીને નુકસાન થઈ રહ્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ વિભાગ દ્વારા સંચાલિત ટ્યુબવેલ માથાભારે ઠાકુર કોમના ખેડૂતના ખેતરની વચ્ચે આવેલી છે. આ શખ્સ તેનો ફાયદો ઉઠાવીને ટ્યુબવેલની ચાવી પોતાની પાસે રાખે છે અને પોતાના ખેતરમાં જ સિંચાઈ કરે છે.

માથાભારે શખ્સ પર આરોપ છે કે તેણે દલિત અને પછાત જાતિના ખેડૂતોના ખેતરોમાં પાણી આપવાની ના પાડી દીધી છે. ઠાકુર જાતિના આ શખ્સે તેમને ધમકી આપી છે કે મુખ્યમંત્રી તેમની જાતિના છે અને આ સરકાર તેમની છે. એટલે જ્યારે તેને મન થશે ત્યારે પાણી આપશે. અને જો વિરોધ કરશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ. આ મામલે દલિત, ઓબીસી ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરવાની વાત કહી છે.

મામલો યુપીના સીતાપુર જિલ્લાના મિશ્રીખ તાલુકાના ગોંદલામઉ વિસ્તારનો છે. અહીં દાલમીયા સુગર મીલને અડીને શંકરપુરા નામનું ગામ આવેલું છે. ગામમાં અંદાજે 300થી વધુ ખેડૂતો વસે છે.

આ પણ વાંચો: તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો..

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેમના ખેતરોની નજીક સિંચાઈ વિભાગ દ્વારા નાખવામાં આવેલી 109 નંબરની ટ્યુબવેલ છે. લગભગ 50 ખેડૂતો તેમાંથી તેમના ખેતરોમાં સિંચાઈ કરે છે. આ ટ્યુબવેલ ઠાકુર જાતિના ખેડૂતના ખેતરની વચ્ચે આવેલી છે. અંદાજે 100 વીઘા જમીન પર તેમના લોકો ખેતી કરે છે. જ્યારે દલિત અને ઓબીસી સમાજના ખેડૂતો 200 વીઘાથી વધુ જમીન ધરાવે છે. આ વિસ્તારમાં મોટાભાગે શેરડીની ખેતી થાય છે, જેમાં અન્ય પાકોની સરખામણીએ વધુ પાણીની જરૂર પડે છે. ગરમ વાતાવરણમાં શેરડીને પાણીની જરૂરિયાત વધુ રહે છે જેના કારણે બધાં ખેડૂતોને પાણી જોઈએ છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે, હાલ ગરમીને કારણે પાવર કટની સમસ્યા પણ વધુ રહે છે. જેના કારણે વધુ સમય સુધી પમ્પ ચાલી શકતો નથી. જ્યારે લાઈટ આવે છે ત્યારે મોટાભાગે તો ઠાકુરો જ પોતાના ખેતરોને પાણી પાતા રહે છે. દલિત અને પછાત જાતિના ખેડૂતો છેલ્લાં એક મહિનાથી તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકતા નથી, જેના કારણે શેરડીનો પાક સુકાઈ રહ્યો છે.

ખેડૂતોનો આરોપ છે કે, "અનેકવાર ખેતરમાં પાણી આપવા બાબતે ઠાકુર પરિવારો સાથે વિવાદ થયો છે. ઠાકુર પરિવારના સભ્યો અમને ધમકી આપે છે કે મુખ્યમંત્રી અમારી જાતિના છે, આ ઠાકુરોની સરકાર છે. અમને જ્યારે મન થશે ત્યારે પાણી આપીશું. ટ્યૂબવેલ ઠાકુરોના ખેતરોની વચ્ચે આવેલી છે અને તેઓ અમને ધમકી આપે છે કે, અમારી મરજી વિના અમારા ખેતરોમાં કોઈ ઘૂસી નહીં શકે. ટ્યૂબવેલની ચાવી પણ ઠાકુરો પાસે રહે છે. જ્યારે તેનો વિરોધ કરવામાં આવે છે તો તેઓ અમને ચોરી, લૂંટ, છેડતી અને બળાત્કારના ખોટા આરોપોમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપે છે. અમે આ મામલે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે."

આ મામલે સીતાપુર પોલીસનું કહેવું છે કે, સમગ્ર મામલાની તપાસ મિશ્રીખના રેન્જ આઈજી અને ઈન્ચાર્જ પીઆઈને સોંપવામાં આવી છે. આ મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.