સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં જાતિવાદઃ 27માંથી 15 પ્રોફેસરો બ્રાહ્મણ, ધરમશી ધાપાએ લડત આરંભી

ભાવનગરમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાને હાલમાં જ ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં આચરાયેલા જાતિવાદને પકડી પાડ્યો છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલમાં.

સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં જાતિવાદઃ 27માંથી 15 પ્રોફેસરો બ્રાહ્મણ, ધરમશી ધાપાએ લડત આરંભી
image credit - જયેશ વરિયા

એકબાજુ સુપ્રીમ કોર્ટ એસસી સમાજમાં અનામતના લાભોમાં ભાગલા પાડવા મુદ્દે સુનાવણી કરી રહી છે, બીજી તરફ વગર અનામતે સદીઓથી અનામત ભોગવતા બ્રાહ્મણ સમાજને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.


મળતી માહિતી પ્રમાણે, હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં જાતિવાદ સામે આવ્યો છે કેમ કે, તેમાં 27 પ્રોફેસરોમાંથી 15 એટલે કે 55 ટકા પ્રોફેસરો એક જ ‘બ્રાહ્મણ’ જાતિના છે. ભરતીની વિગતો સામે આવતા જ આ મામલે ભાવનગર સ્થિત વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના પ્રમુખ ધરમશીભાઈ ધાપાએ વિરોધ નોંધાવી ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં તેમની સાથે મોટી સંખ્યામાં ઓબીસી સમાજના જાગૃત નાગરિકો જોડાયા હતા.


આ મામલે ધરમશીભાઈ ધાપાએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ ભરતી કરવામાં આવેલા સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી જાતિવાદથી ગ્રસ્ત છે. આવું એટલા માટે લાગે છે કેમ કે, આ 27 પ્રોફેસરોમાંથી 15 એટલે કે 55 ટકા પ્રોફેસરો ફક્ત એક જ બ્રાહ્મણ જાતિના છે. બ્રાહ્મણોની વસ્તી 3 ટકા માંડ છે એટલે 27 ટકા પ્રોફેસરોમાં તેમના ભાગે ફક્ત 1 સીટ આવવી જોઈએ. તેને બદલે તેઓ વધુ 14 સીટો હડપ કરી ગયા છે. આ કોઈપણ રીતે ચલાવી શકાય તેમ નથી. એથી અમે આ મામલે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ભરતીના ઓર્ડરો રદ કરીને તમામ સમાજને ન્યાય મળે તે રીતે નવેસરથી ભરતી કરવા માટે વિનંતી કરી છે. જો સરકાર આ મામલે યોગ્ય પગલાં નહીં ભરે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે.


ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના ઉપપ્રમુખ જીતુભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, એક બાજુ અનામતને લઈને દેશમાં સતત નકારાત્મક વાતો ફેલાવવામાં આવે છે. અનામતને નામે ઓબીસી, દલિત અને આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. પણ જે લોકો વર્ષોથી વગર અનામતે દરેક મહત્વના પદો પર અનામત ભોગવી રહ્યાં છે, સરપંચથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દેશના તમામ મહત્વના પદો પર એકહથ્થુ સત્તા ધરાવે છે તેમના વિશે કોઈ એક હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી. આ જાતિવાદ છે અને ઓબીસી સમાજ તે કોઈ કાળે ચલાવી લેશે નહીં.

સરકારે 27 પ્રોફેસરોની ભરતીમાં 15 એક જ જાતિના લોકોને ભરતી કર્યા તે જ બતાવે છે કે, આ લોકો આપણા હકો પર તરાપ મારી રહ્યાં છે. અમારી સરકારને વિનંતી છે કે, આ ભરતીનો ઓર્ડર રદ કરે અને તમામ સમાજને ન્યાય મળે તે રીતે નવેસરથી ભરતી કરે. જો ઓબીસી સમાજને તેમના હકો નહીં મળે તો આંદોલન કરીશું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.