રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?
દલિત સાહિત્ય વાસ્તવિક અનુભવો પરથી ઉતરી આવ્યું છે. કથિત સવર્ણો માટે જે તદ્દન સામાન્ય વાત છે, તેવી બાબતો દલિતો માટે અમલમાં મૂકવા માટે પણ કોઈની રજા લેવી પડે તે વાત આઝાદ ભારતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. નવી પેઢી આ અનુભવ કેટલો પીડાદાયક હોય છે તેનાથી સાવ અજાણ છે. તેમને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા માટે હવેથી ખબરઅંતર.કોમ પર બહુજન વાર્તાઓને રજૂ કરવાનું નક્કી કર્યું છે. રાધનપુરના વતની, નિવૃત્ત આચાર્ય એવા જાણીતા વાર્તાકાર ધરમસિંહ પરમાર આવી જ એક મજબૂત વાત લઈને આપણી વચ્ચે આવ્યા છે.
- ધરમસિંહ પરમાર
'મા'રાજ જરા વાહના લોકોને બોલાવી આવો ને...!
'જી' કહીને મહારાજ ગયા.
દીકરાના લગ્નનો મંગળ અવસર છે. ઘર આગળ મંડપ બંધાયો છે. ઘર, આંગણામાં હરખ પમરી રહ્યો છે. દરેકના હૈયામાં આનંદ છલકી રહ્યો છે. રઘાની ભાવના છે કે, લગ્નના દિવસો સુધી સૌ કોઈ પોતાના ઘેર જ જમે, તેથી સવારથી મોડી રાત સુધી ચૂલો સળગતો રહે છે.
મહારાજના કહેણે એક પછી એક સૌ આવવા લાગ્યા. ખાટલા અને ખુરશીઓ ઉપર ગોઠવાતા ગયા. ધવલના લગ્ન છે તે બધા જાણતા હતા પણ 'કેમ બોલાવ્યા હશે?' તે સવાલ દરેકને મૂંઝવતો હતો.
ઘણી વખત વાસમાં કોઈ સંકટ આવી પડે કે, વાત વટે ચડે ત્યારે પચ્ચીસેક ઘરના મહોલ્લામાં રઘાના ઘેર જ બધા એકઠા થતા. ચર્ચાઓ થતી. અનુભવોના નિચોડના અંતે નિવડો આવતો.
આજની વાતની કોઈને ગંધ ન હતી. મગનું નામ મરી પાડ્યા સિવાય બધા એકબીજા સામે સાંકેતિક ભાષામાં પૂછતા હતા. ઓસરીમાં મહિલા વૃંદ બેઠું હતું. તેમના ગણગણાટમાં બાળકોનો કલબલાટ ભળી રહ્યો.
બે યુવાનો ચા- પાણી આપી રહ્યા હતા. વચ્ચે જુદી જુદી બ્રાન્ડની બીડી, સિગારેટ અને દીવાસળીઓ મૂકેલી ડીસ પડી હતી. લગ્ન પ્રસંગમાં આ જોગવાઈ એક રિવાજ બની ચૂક્યો હતો.
ધનાકાકાએ બીડીનો કસ ખેંચ્યો. મોમાંથી ધૂમાડાની લાંબી સેર કાઢી. 'રઘા, ચ્યમ હવાર હવારમાં બોલાયા સે ભૈ?'
રઘાના મનમાં જે વાત રમી રહી હતી તેને ગોળ ગોળ ન ફેરવતાં ઠાવકાઈથી બોલ્યો, 'કાકા, તમાંને તો ખબર સે. ધવલના લગ્ન આદર્યા સે ઈ.
'હા તે...?'
'નમાયાને પૈણાવવામાં મારે કાંય કસર બાચી નથ રાખવી. ઈન ઓરતો ના રૈ જાય કે, મારી મા હોત તો...! એના વિવામાં ચાર ચાંદ લગાવી દેવા સે. કાકા...!'
'અલ્યા ભૈ, તુ તાર કરને ધમધોકાર. હેયને જલસા પડી જાય ઈમ. અમે બેઠા છીએ જ ને.'
'બસ કાકા, મારે તમારે મોઢે ઈ જ હાંભળવું હતું. તમે હૌ ભૈ મારી પડખે સો પસ મારે બીજું સું જોવે?'
'ભૈ વાહમાં હારો અવસર થાય ઈનાથી રૂડું શું? લોકો કે'કે, વિવા તો ધવલિયાના કર્યા હો! આટલું વખાણે તો તારા એકલાની નય, અમારી આખા વાહની અને ગામની શોભા છે ને, એમાં વળી પૂછવાનું ના હોય ગાંડા!'
'ના કાકા તમે હૌ મારા વડીલ સો. હખદખમાં ભેળા સીએ. પૂસવુ તો પડે ને મારે?'
'અમેય રાજી ન અમારો ભગવાનેય રાજી. તું તા કર વટબંધ.
ધનાકાકાની વાત સાંભળી રઘાનો પોરસ બેવડાયો. તેને પોતાની મૂળ વાત કરવાની ચળ ઉપડી. 'કાકા, વાત ઈમ સે ને કે, મારે ઇન ઘોડે બેહાડીને ગામમાં ફેરવવો સે.'
બેઠેલાના મોઢામાંથી 'હે...'કરતો હાયકારો નીકળી ગયો. મોં વકાસી એકબીજા સામે જોઈ રહ્યાં.
સૌનાં પેટમાં ફાળ પડી. ધનાકાકા ઠૂહ...ઠૂહ...કરતાં, 'રઘલા,આ સું બકે સે તું. કાંઈ ભાંગ બાંગ પી નથ ગયો ને?'
વચ્ચે એક ભાઈ ટપકી પડ્યા. 'આ દિયોરને વરઘોડો કાઢવાનો ચેવો ચસકો લાગ્યો સે.’
બીજાએ વાતમાં મમરો મૂક્યો, 'બે ફદિયે થિયું સે એટલે ઈન આવા તાયફા હૂઝે સે.'
મગનભાઈએ કહ્યું, 'રઘા તારી ડાગળી ચસકી તો નથી ગૈ ને? તારે અમારા માથાં ફોડાવવા સે કે શું? તન ખબર સે ને કે, ગામમાં બનાબાપુની હાક ચેવી સે. વાણિયા બામણેય ઈયાને પૂસ્યા વના પાણી પણ નથ પીતા.
આ પણ વાંચોઃ આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
રઘો બધાની વાત એક ધ્યાને સાંભળી રહ્યો હતો. તેને પોતાનાં અરમાન ચકનાચૂર થતાં લાગ્યાં.
'ઓલ્યા જયા હુથારના સોકરે બાપુના પોતરાને બાપુ ના કીધું ઈમાં તો ઈના ઘરનાંને બચારાને ચેવાં ઢીબી નાસ્યા'તા. યાદ સે ને? હાત 'દિ દવાખાને તરફડતા રહ્યાં હતાં. ગામમાં ચેની તાકાત સે કે બાપુ હામે થાય!'
'પણ મારી વાત તો હાંભળો?
'નથ હાંભળવી અમારે...'
'બનાબાપુ તો વાઘ સે વાઘ ...ઊભા ને ઊભા ફાડી ખાશે. ઘરમાં બેનાળી રાખે સે. તન ભડાકે ના દે તો મન ફટ્ કે જે. તારે એકલાને ખાવી હોય તો જા...અમારે તો ગામમાં રે'વું સે. સું કામ બાપુ હામે વેર બાંધવું?'
ધનાભાઈએ બીજી બીડી સળગાવી. હજી પણ બીડીના કસ પર કસ માર્યે જતા હતા. તેમના ચેહરા પરની કરચલીઓ વધારે ઊંડી ઉતરી. અનુભવી આંખો ઝીણી થઈ. મનમાં અઘટિત ઘટનાની શંકા ઘેરી વળી. તેમને વાસના ખોરડાં ભડભડ સળગતાં દેખાયાં. ઓ બાપ રે, મારી નાખ્યા.... કરતાં આબાલવૃદ્ધ ભાગંભાગ કરતાં હતાં. પશુઓ ખીલો ખેંચી કાઢવા મથામણ કરતાં હતાં.મારો...કાપો...ના દેકારા મોતનું તાંડવ ખેલી રહ્યા હતા. જીવ બચાવવા ગડથોલા ખાતા જન જનાવરની વેદનાથી ધનાભાઈ ધ્રુજી ઊઠ્યા.
તેમણે ખોંખારો ખાધો. 'જો ભૈ, તારા મનમાં જે હોય તે, પણ જો ઘોડાની વાત લાવતો હોય તો એમાં અમે હા નથ પાડવાના.'
'ચ્યમ કાકા, હમણાં તો તમે કે'તા'તા કે, અમે હૌ તારા હાથે...'
'પણ ગાડું કે વેલડું કરને...એમાંયે બાપુની તો રજા લેવી જ પડશે.'
'એટલે તો તમાંને બોલાયા સે. આપણે ચ્યાં બાપુ હામે વેર બાંધવા સે.'
'રજા આલશે? એમ માને સે તું. ભૂલ કરે સે. બે - ચાર હોફણાવી દેશે. અને તારે ખમવીએ પડશે.'
'નૈ ચ્યમ આલે? આપણે ઈયાનો જ ઘોડો લાવીએ. ઈયાને જ મોટા ભા કરીએ. બાપુને કઈએ કે, ઘોડા ભેગા તમેય આવો. વરના મોડવી થઈને.'
બધાંએ થોડી હળવાશ અનુભવી. છતાં કોઈ રઘા સાથે જવા તૈયાર થતા ન હતા. તે ગળગળો થઈ ગયો. 'કાકા મે'રબાની કરો. એની માનાં અરમાન પૂરાં કરવા દો. બસ એક આ લ્હાવો લેવા દો. ભૈસાબ તમારી ગાય સું. તમાંને હાથ જોડુ સું' એમ કહી રઘાએ નાતીલાઓ સામે પાઘડી ઉતારી.
ઘડીભર શાંતિ છવાઈ ગઈ. એક તરફ રઘાની ભાવના. બીજી તરફ બાપુનો ભય. તરણું સહારો બને તેમ એક યુવાનનો લલકાર સંભળાયો, 'રઘાકાકા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.'
ઘણી મથામણ થઈ. ના....હા....ના....અંતે રઘો, ધનાકાકા અને બે પીઢ આદમીઓ બાપુ પાસે જવા તૈયાર થયા. માતાજીની દેરી પાસે અટક્યાં. હાથ જોડી પગે લાગ્યાં, 'માડી લાજ રાખજે.' બે ડગલાં ચાલ્યા ત્યાં એક બિલાડી આગળથી સડસડાટ કરતી પસાર થઈ ગઈ. હૃદયમાં પારેવાની જેમ ફડક પેસી ગઈ. 'રઘા બિલાડી આડી ઉતરી છે. અપશુકન થાય છે. મારું મન નથી માનતું. હજીએ વહેલું સે. પાસા વળીએ.'
'અરે કાકા, બિલાડી તો વાઘની માસી કહેવાય. એવો ભય ન રખાય. કચવાતા મને સૌ આગળ વધ્યા.
બાપુ એટલે વિશાળ ફળિયું. ડેલીમાં રાત - દિવસ ડાયરો જામેલો હોય. કસુંબા થતા હોય. ગામના 'જી' હજુરિયા બાપુની સેવામાં તત્પર હોય. બાપુ મૂછે તાવ દેતા જાય, ખોખરા ખાતા જાય અને પોતાની પેઢીઓની શૂરવીરતાનો ઇતિહાસ કહેતા જાય.
'રામ...રામ...બાપુ, જય માતાજી...' કહેતા હાથ જોડી બધાં ડેલીમાં પ્રવેશ્યા. બાપુ રજવાડી ઢોલિયા પર તકિયાના ટેકે બેઠા હૂક્કો ગગડાવતા હતા. બે હજુરિયા બાપુનો પડ્યો બોલ ઝીલવા ઊભા હતા. બાપુએ ડોકું હલાવી દૂર પડેલા પાથરણા પર બેસવા ઇશારો કર્યો.
રઘાએ ધનાકાકાને ઘોદો માર્યો. પણ ધનાભાઈની જીભ ના ઉપડી.
બાપુ બોલ્યા, 'બોલ ધના, કેમ આજે નાનું માજન મારે આંગણે?'
કોઈ એક અક્ષર પણ ના બોલ્યું. બાપુ અકળાયા.
આ પણ વાંચોઃ સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?
અરે બોલોને...ચંતા ના કરો જે હોય તે કહી દો. બાપુ બેઠા છે ને! એમ કહી બાપુએ મૂંછોને વળ ચડાવ્યો.
આખરે રઘાએ ઊભા થઈને હાથ જોડી 'બાપુ તમારો ઘોડો જોઈએ છે' બાપુનાં ભવાં ખેંચાયા.'
'ચ્યમ રઘલા?'
'છોકરાના વીવા સેને?'
'તી ઈમાં ઘોડાને શું કરીશ?'
'બાપુ લગ્નન તો ઘડી ઘડી ના આવે ને! તમારા જેવા ગામધણી હંગાથે હોય તો મારા અવસરમાં સોગુ ઉમેરાય.'
બાપુ પોતાની પ્રશંસા સાંભળી ઝૂમવા લાગ્યા. સાંજનો નશો સવાર સવારમાં ચડી ગયો હોય એમ. એમને એમ કે' રઘલાને વેવાઈ આગળ વટ પાડવો છે એટલે મને ઘોડો લઈને જાનમાં આવવાનું આમંત્રણ આપવા આવ્યા છે.
બાપુ પોતાની વાત ન સમજ્યા હોય એમ લાગતાં રઘાએ ધડાક કરતાં કહી દીધું, 'બાપુ મારે દીકરાનો વરઘોડો કાઢવો સે.'
'હે...'
બાપુનો પિત્તો સાતમા આસમાનને પાર કરી ગયો. મૂંછો ફર ફર થવા લાગી. સટ્ટાક... કરતાક ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા. લાલઘૂમ થઈ જતાં ગર્જયા 'તારી તે જાતના. હલકી વરણ થઈને વરઘોડાની ચળ ઉપડી સે…’ બે ચાર ચોપડાવી દીધી.
'બાપુ...બાપુ...ખમ્મા...ખમ્મા...' આખા ગામનાં સોકરાં તમારાં જ સે ને! ઈ વરઘોડે ચડે તો તમાંનેય હરખ થાય ને?'
બાપુનો ક્રોધ હજીયે શાંત થયો ન હતો. તેઓ ગર્જયા. 'રઘલા, મેતરના છોકરાને ઘોડો તો શું ગધેડોય ન હોય. હમજ્યો! આ બેનાળી જોઈ છે?’ એમ કહી બાપુએ દિવાલ તરફ હાથ કર્યો.
રઘાના સ્વમાનને ઠેસ પહોંચી. તે સમસમી ગયો. ઘડીભર શાંત ઊભો રહ્યો. તેને પોતાના ઘેર ભીંતે ઝૂલતી આવી જ બેનાળી દેખાઈ. 'બાપુ તમારી પાહે રાજાશાહીવાળી સે તો મારી પાહેય બેનાળી લાયન્સવાળી સે.' કહેવું તો ઘણું હતું પણ તે બોલી ન શક્યો.
'આ તો અમારા રાજ ગયાં ને તમારી લૂલી ઉપડતી થઈ. નકર તમે હાળા...અમારી હામે...?'
'બાપુ, સોકરાના લગ્ન તો લીધા સે. તેને ઘોડે બેહાડવાનો હરખેય સે. તમે ઘોડો નહીં દો ઈમને.
તમાંને અમારો સોકરો ઘોડા ઉપર બેહે ઈનો જ વાંધો છે ને...બીજો નઈ ને...?
વળતો જવાબ સાંભળ્યા વિના બધા ઊભા થયા ને ચાલતા થયા. પાછળ બાપુનો ગણગણાટ સંભળાતો હતો.
રઘો આખો દિવસ ધૂંધવાયેલો રહ્યો. ચેન ન પડ્યું. સાંજ પડી. જમવાની ઈચ્છા ન થઈ. ખાટલા પર આડા પડી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ આવતી ન હતી. પડખાં પર પડખાં ફેરવ્યા કર્યાં. કોઈકે હળવેકથી પડખામાં આંકડો ભરાવી ગલીપચી કરી. હોઠ મલકાતાં મલકાતાં ઉદાસી ફરી વળી. તે ઊભો થવા ગયો અને જાણે કોઈએ હાથ પકડી ખેંચ્યો, 'બેહો હવે ઘડીક મારી હામે.' કમલીનો જ હાથ હતો. તે તેને અમિનેષ જોઈ રહ્યો. 'આમ શું બાઘાની જેમ જોઈ રહ્યા છો? કાંઈ પહેલીવાર જોઈ છે. આવી રીતે તો પરણવા આવ્યા ત્યારેય…!' તે ઝબક્યો. પોપચાં પરનો ભાર હળવો થતો જણાયો. 'હાંભળો, આપણા ધવલિયાને રંગેચંગે પરણાવવાનો છે.'
'હા કમુ હા…' તે પથારીમાંથી બેઠો થઈ ગયો. આંખો ચોળી. આજુબાજુ નજર કરી. અફસોસ કોઈ ન હતું. વહેલી પરોઢનું સપનું હતું કે હકીકત, કલ્પી ન શકાયું.
જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવતી ત્યારે ત્યારે કમુ જ તેનો ઉકેલ શોધી કાઢતી. આજે તે નથી પણ મનની મૂંઝવણ દૂર કરતી ગઈ. તે હસ્યો. તેણે ગાંઠ વાળી. ગમે તે થાય પણ જાનમાં ઉણપ તો નહીં આવવા દઉ.
આ પણ વાંચોઃ ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું
વહેલી સવારે ધવલની જાન જવાની તૈયારી ચાલે છે. જાનૈયા સજીધજીને તૈયાર છે. ફટાકડાના અવાજો, બેન્ડવાજા અને ઢોલના ધ્રુબાંગ ધ્રુબાંગ વચ્ચે સૂટબૂટમાં સજ્જ ધવલ મિત્રોની સાથે હાથમાં તલવાર લઈ ઘર બહાર નીકળ્યો છે. તેની પાછળ પાછળ જાનડીઓ લગ્ન ગીતો ગાઈ રહી છે. પાદરમાં લક્ઝરી બસ અને બીજી ગાડીઓ શણગારેલી છે. આવનાર પૂત્રવધૂ માટે પણ ગાડી પર બગી સાથેની પાલખી સજાવેલી છે.
વર મહોલ્લાના ઝાંપે પહોંચ્યો. એક મદોન્મત હાથી આવી રહ્યો છે. માથે શણગારેલી અંબાડી છે. સૌ અચરજથી જોઈ રહ્યા છે. તેવામાં મહાવતે કહ્યું: 'વરને બોલાવો. હાથી પર બેસાડો.'
બધાના હોશ ઊડી ગયા. જાનૈયા સ્તબ્ધ થઈ ગયા.
ધનાભાઈથી રહેવાયું નહીં, 'આ તે શી આદરી છે રઘલા...?'
'રામ રામ કરો કાકા, હૌ હારા વાનાં થશે.'
'ભૈલા બાપુએ ના કીધી હતી તોયે...? તે તો ભારે કરી.'
'બાપુએ ઘોડાની ના પાડી સે, હાથીની ક્યાં ના પાડી સે?
ધીમે ધીમે ડોલતો 'વરહાથી' ગામમાંથી પસાર થઈ રહ્યો છે. ધવલ હાથી પર બેઠો છે. ચક્રવર્તી રાજાની જેમ માથે છત્ર શોભી રહ્યું છે. બે બાજુ લૂણો ઉતારનારી નાની દીકરીઓ ગોઠવાઈ છે. યુવાન-યુવતિઓ નાચી રહ્યાં છે. છતાં દરેકના હૃદયમાં ફડક તો છે જ. રઘાએ લાયસન્સ ધરાવતી બેનાળી બંદૂક ખભે લટકાવી છે. વરના બાપ તરીકેનો રૂઆબ અને હરખ હૈયામાં છલકાઈ રહ્યો છે.
ગામે હાથી પર બેઠેલો મુરતિયો પહેલી વખત જોયો. ગામ આખામાં હવા ફેલાઈ કે રઘાનો ધવલ હાથીની સવારી પર પરણવા જાય છે. કૂતુહલવશ ગામના અબાલવૃદ્ધ વરહાથીને જોઈ રહ્યા.
બાપુની ડેલી આગળના ચોક પરથી પસાર થતાં બેન્ડવાજા બંધ થઈ ગયાં. ગીતો અને નાચગાન થંભી ગયું. ફટાકડા ફૂસ થઈ ગયા.
'વગાડો...વગાડો...ફોડો…ફોડો…’ કહી રઘાએ ફાયરિંગ કર્યું. ફટાકડાની સેરો ફટાફટ ફૂટવા લાગી. ‘હમણાં બાપુ આવશે...’ નો ભય કેટલાકને ડરાવી રહ્યો હતો. આવે તો કઈ તરફ ભાગવું તે પણ વિચારી રાખ્યું હતું. એકાદ બે તો પહેલેથી છૂ થઈ ગયા હતા.
ડેલીમાં બેઠા બાપુ ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમનું આવું અપમાન? સમસમી ગયા. મારી નાખું કે મરી જાઉ. તેઓ ઢોલિયા પરથી ઊભા થયા. આમતેમ આંટા મારવા લાગ્યા. આંખો કરડી કરી. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. એક જ ઝાટકે રઘલાની ગરદન કાપી નાખવાનુ મન થયું. ભીંતે લટકતી બેનાળી સામે જોયું. તેને ઉપાડવા હાથ લાંબા કર્યા. તેવામાં પાછળથી ચેતનબાનો અવાજ આવ્યો. 'બેહો હવે છાનામાના. તમારાં દરબારપણાં ગયાં. હવે તો પગથી માથા સુધી આખાય ઢીલા થઈ ગયા છો, સમજો.' હાથ પકડીને ચેતનાબા બનાબાપુને ઘરમાં ઢસડી ગયાં. થોડીવાર થઈ. બાપુનો ક્રોધ બરફની જેમ થીજી ગયો.
ચેતનાબાના આગ્રહથી બાપુએ ઘોડો તૈયાર કર્યો. તેના પર પલાણ નાખી સવાર થયા. ચેતનાબાએ તલવાર આપી. તે કમરે લટકાવી. કારતુસનો પટ્ટો ખભે ભેરવ્યો. કોઈ યોદ્ધા યુદ્ધમાં જતા હોય તેમ બંદુક લીધી.
થોડીવાર પછી ડેલી ખૂલી. દરબારી પહેરવેશના ઠાઠ સાથે ઘોડા ઉપર બેસીને બાપુ બહાર આવ્યા. ચેતનાબાએ લગામ પકડી હતી. સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કશુંક અમંગળ થવાનાં એંધાણ વર્તાયા. દરેકના ચહેરા પર ડર છે. શું થશે? હવે નક્કી આવી જ બન્યું છે. બાપુએ રઘા સામે બંદૂક તાગી. ટ્રિગર પર આંગળી મૂકી. રઘાએ છાતી ટટ્ટાર કરી. આંખો બંધ કરી.
ધાય... ધાય... કરી બાપુએ હવામાં ફાયરિંગ કર્યું, 'રઘલા આજે તારા નહીં આપણા ગામના દીકરાનાં લગ્ન છે. હું જાનમાં ના આવું તો મારી અને આખા ગામની લાજ જાય.'
રઘાનો આનંદ ભરતી બની ઊછળી રહ્યો. બાપુએ ઘોડો આગળ કર્યો. હાથી પર બેઠેલા ધવલનાં ચેતનાબાએ ઓવારણાં લીધાં. પાલખી સાથે લશ્કર વાજતે ગાજતે આગળ વધ્યું.
.............................................
(ધરમસિંહ પરમાર, ૩૬/૨, વલ્લભનગર સોસાયટી, ગાયત્રી શક્તિપીઠ સામે, રાધનપુર, જિ. પાટણ. ૩૮૫૩૪૦, મો. ૯૮૭૯૨ ૪૬૪૯૪)
આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.