'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?

Amazone Prime ઓટીટી પરની વેબ સિરીઝ પંચાયતની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે, તેમાં બહુમતી પાત્રો બ્રાહ્મણ કેમ છે?

'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?
all image credit - Google images

એમેઝોન પ્રાઈમ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ વેબ સિરીઝ 'પંચાયત'ની ત્રીજી સિઝનની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. ગાળાગાળી, હત્યા, સેક્સથી ભરપૂર વેબસિરીઝો વચ્ચે 'પંચાયત' તેની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ધરાવતી પારિવારી સ્ટોરીને કારણે પહેલી સિઝનથી જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી હતી. તેના દરેક પાત્રોનો અભિનય પણ લોકોને ગમ્યો છે. સિરીઝના તમામ પાત્રો પર મીમ્સ બની રહ્યાં છે. દૂધી, વાંસનો ભાંઠો, ટાંકી, ડંકી, કબૂતર, ઘોડો, જેવી વસ્તુઓને પણ લોકો હવે આ વેબ સિરીઝના કારણે અલગ રીતે જોતા થયા છે.

પણ આપણે અહીં આ વેબ સિરીઝના મનોરંજન સિવાયના એંન્ગલની વાત કરવી છે. અને એ છે તેનો જાતિવાદી દ્રષ્ટિકોણ. તમને આ વેબ સિરીઝ જોતી વખતે એકવાર પણ એ સવાલ થયો ખરો કે તેમાં તમામ મહત્વના પાત્રો બ્રાહ્મણ કેમ છે? સરપંચ(હકીકતે તે સરપંચ મંજૂ દેવીનો પતિ છે.) બ્રિજભૂષણ દૂબે છે, ઉપ સરપંચ પ્રહલાદ પાંડે છે, સચિવજી ઉર્ફે તલાટી અભિષેક ત્રિપાઠી છે, સહાયક વિકાસ શુક્લા છે. એ તો ઠીક, તેમનો વિરોધી ભૂષણ શર્મા છે. વેબ સિરીઝમાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓ મિશ્રા, તિવારી, પાંડે, શુક્લા, દૂબે કે ગુપ્તાજી છે. વેબ સિરીઝના નિર્માતાઓ સહિતનો બહુમતી સ્ટાફ બ્રાહ્મણ છે એટલે તેમણે પોતાની જાતિની સર્વોપરિતાને જ અહીં રજૂ કરી છે.
 

પંચાયત સિરીઝની ત્રણેય સિઝન તમે ધ્યાનથી જોઈ હશે તો તમારા ધ્યાનમાં એ બાબત ચોક્કસ આવી હશે કે, વેબ સિરીઝની શરૂઆતમાં બતાવાતી સ્થાનિક સરકારી કચેરીઓની બહાર એક બોર્ડ ટીંગાડેલું દેખાય છે, જેમાં અધિકારીઓના નામ લખ્યા હોય છે અને તેમની અટક દૂબે, ત્રિપાઠી, શુક્લા અને મિશ્રા છે - જે બધાં બ્રાહ્મણ છે. દરેક એપિસોડમાં તરત એક નવો અધિકારી આવે છે જેની અટક પાંડે છે અને તે પણ બ્રાહ્મણ છે. એટલે સૂક્ષ્મ રીતે નહીં પરંતુ દ્રઢતાથી આ બોર્ડ સમગ્ર વેબ સિરીઝના સારને પણ દર્શાવે છે જેની કહાની એક બ્રાહ્મણથી બીજા બ્રાહ્મણ સુધી દર્શકોને દોરી જાય છે. એ રીતે આ વેબ સિરીઝે બ્રાહ્મણોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે.

પહેલી સિઝનમાં એ સ્થાપિત કરવામાં આવ્યું કે, 'પંચાયત' જાતિવાદના પ્રજનન સ્થળ એવા ઉત્તરપ્રદેશમાં આવેલી છે. જ્યાં સ્થાનિક કાર્યાલયો પર બ્રાહ્મણ પુરુષોનું અસમાન રીતે પ્રભુત્વ છે. એ ત્યાં સુધી કે સરકાર ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે અનામત સીટ જાહેર કરે છે તો બ્રાહ્મણ પુરૂષો તેમની મહિલાઓને કઠપૂતળી બનાવીને સત્તા હાંસલ કરી લે છે.

એ પછી પંચાયત ઓફિસમાં એક બહારની વ્યક્તિ તલાટી તરીકે નોકરી કરવા આવે છે, જેનું નામ 'અભિષેક ત્રિપાઠી' છે. ત્રિપાઠી તલાટી ગ્રામ્ય વિસ્તાર માટે એક બહારની વ્યક્તિ છે, પરંતુ બ્રાહ્મણ સમાજની અંદરની છે. આ ઘટના આખા શોના અસ્તિત્વ માટે સર્વોપરી હતી. જે દિવસે આ બ્રાહ્મણ અધિકારી ત્રિપાઠી ગામમાં આવે છે તેને ગામમાં ફેરવવા માટે લઈ જવામાં આવે છે. તેને સરપંચના ઘરે જમવા માટે આમંત્રિત કરાય છે અને સરપંચ પોતાની દીકરી સાથે તેના લગ્નની યોજના બનાવવા લાગે છે. - આ બધું માત્ર એટલા માટે શક્ય છે કેમ કે તલાટી અભિષેક ત્રિપાઠી એક બ્રાહ્મણ છે. 

આ પણ વાંચો: ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

પહેલી સિઝનના પહેલા એપિસોડમાં બ્રાહ્મણ સરપંચ, વધુ સારી રીતે કહીએ તો સ્વઘોષિત સરપંચ પતિ ગ્રામ પંચાયતની ચાવી ખોઈ નાખે છે. તેને તેની બ્રાહ્મણ પત્ની મંજૂ દેવી કહે છે કે, તમારે ચાવી જનોઈ સાથે બાંધીને રાખવી જોઈએ. મંજૂ દેવીની આ સલાહ શારીરિક અને રૂપક બંને રીતે દર્શાવે છે કે, ગ્રામીણ ભારતની સરકારી કચેરીની ચાવી, પહોંચ અને તાકાત બધું આ જનોઈ સાથે બંધાયેલું છે, જેને આ કાર્યાલયમાં પ્રવેશ કરનારી દરેક વ્યક્તિ ધારણ કરે છે. આ મંજૂ દેવી પોતે સરપંચ છે પણ તેના વતી બધો વહીવટ તેનો પતિ કરે છે, જે આખો મામલો ઘોર મહિલા વિરોધી છે.

પહેલા દિવસથી જ બધાં બ્રાહ્મણ તલાટી અભિષેક ત્રિપાઠીને તેના કામમાં મદદ કરે છે અને જ્યારે પણ તેઓ નિરાશ થાય છે ત્યારે તેને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. સવાલ એ થાય કે બ્રાહ્મણ સિવાયની કોઈ જાતિની વ્યક્તિ જો તલાટી પદે હોત તો શું થાત? શું તો પણ સરપંચ સહિતના સૌ તેને આ રીતે પોતાના ઘરે લઈ જઈને સાચવત ખરાં?

સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખિકા યશિકા દત્તે પોતાના પુસ્તક 'કમિંગ આઉટ એઝ એ દલિત' માં સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે ઉચ્ચ જાતિના લોકો જાણીજોઈને દલિત, આદિવાસી અને ઓબીસી ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં ઓછાં માર્ક્સ આપે છે, તેમને દંડ કરે છે, તેમની ફરજનિષ્ઠા પર સવાલ ઉઠાવે છે અને તેમને યોગ્ય પ્રમોશન ન આપીને હેરાન કરે છે. તેનું વધુ એક ઉદાહરણ મંડલ કમિશનના રિપોર્ટમાં જોવા મળે છે, જેમાં કહેવાયું છે કે, સૌથી ઓછું પ્રતિનિધિત્વ ઓબીસી સમાજનું છે.

તલાટી અભિષેક ત્રિપાઠી પોતાની નોકરીને નફરત કરે છે અને રૂ. 20 હજાર પ્રતિ મહિનાના પગારને પોતાના દરજ્જા કરતા નીચો માને છે. જો કે, કોઈપણ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની વ્યક્તિ માટે, આ ઓછા પગારની નોકરી કદાચ વર્ષોના દમનમાંથી બહાર નીકળવાનો એક રસ્તો હોઈ શકે. 

'ભારતમાં ધન, અસમાનતા, વર્ગ અને જાતિ, 1961-2012' શીર્ષકના એક પેપરમાં કહેવાયું છે કે, એસસી, એસટી અને ઓબીસી સમાજ રાષ્ટ્રીય સરેરાશથી અનુક્રમે 21, 34 અને 08 ટકા ઓછું કમાય છે અને બ્રાહ્મણ રાષ્ટ્રીય સરેરાશથી 48 ટકા વધુ કમાય છે, જેની પાછળનું કારણ 'પંચાયત' વેબ સિરીઝમાં જે દર્શાવાયેલું બ્રાહ્મણોનું જાતિવાદનું ગઠબંધન છે.

કોરોનાએ તેને વધુ વકરાવી દીધું છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન ઈન્ડિયન ઈકોનોમીના કન્ઝ્યૂમર પિરામીડ્સ હાઉસહોલ્ડ સર્વેના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, ડિસેમ્બર 2019 અને એપ્રિલ 2020ની વચ્ચે નોકરી કરતા ઉચ્ચ જાતિઓના લોકોમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે, અને આ જ આંકડાઓ એસસી, એસટી અને ઓબીસી માટે અનુક્રમે 20, 14 અને 15 ટકા જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે. એટલે અભિષેક ત્રિપાઠીને રૂ. 20 હજારની નોકરી તેના દરજ્જા કરતા નીચી લાગે છે.

ત્રણેય સિઝનમાં બ્રાહ્મણોને નોટિસ કરી શકાય છે. તેઓ દરેક જગ્યાએ છે. ડિરેક્ટર, એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર, ક્રિયેટીવ ડિરેક્ટર, એસોસિએટ ક્રિયેટિવ પ્રોડ્યુસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર તો ઠીક, તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એપિસોડમાં તેમને મદદ કરનારા અનામી લોકોને પણ તેમની બ્રાહ્મણ અટક સાથે ક્રેડિટ આપવામાં આવી છે.

ધ્યાનથી જોશો તો સમજાશે કે વેબ સિરીઝમાં ટોઈલેટને લઈને હાંસિયામાં ધકેલાયેલો વિનોદ, એક ગુંડો રાજકારણી, એક ડાન્સ કરનારી છોકરી - આ પાત્રોની અટક બ્રાહ્મણની નથી. મતલબ જ્યારે પણ શોમાં કશુંક નકારાત્મક, હાંસિયામાં ધકેલાઈ ગયેલું દર્શાવવું પડે ત્યારે મોટાભાગના પાત્રો બિનબ્રાહ્મણ અટકના દર્શાવાયા છે. માથાભારે રાજકારણીને ઠાકુર અટક આપી દેવાઈ છે, એક નિઃસહાય ઓટોરિક્ષાચાલક, જેની પથારી પર સુવામાં અભિષેક ત્રિપાઠી અસહજતા અનુભવે છે, તેને જાણીજોઈને ઓબીસી અટક આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના સામાજિક, આર્થિક માહોલમાં નટ સમાજ, જે એક અનુસૂચિત જાતિમાં આવે છે, તેની મહિલાઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ઓછા પગારે મંચ પર પ્રદર્શન કરે છે અને ઘણીવાર ઉચ્ચ જાતિઓની હિંસા અને સતામણીનો ભોગ બને છે. અગાઉની સિઝનના એક એપિસોડમાં જ્યારે આવી જ એક નર્તકી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલી ધમાલનો ભોગ બને છે ત્યારે તેને અભિષેક ત્રિપાઠી દવાખાને લઈ જાય છે અને એ દવાખાનાનું તો નામ જ ત્રિપાઠી અટક ધરાવતા અન્ય એક બ્રાહ્મણના નામ પર રાખવામાં આવ્યું છે. આખી વેબ સિરીઝમાં કોઈ બ્રાહ્મણ પાત્ર લઘુમતી સમાજની વ્યક્તિને નથી મળતું.

વેબ સિરીઝની ત્રણેય સિઝન બ્રાહ્મણોની 'પોતે સર્વોપરી છે' પ્રકારની આભાસી દુનિયા પર આધારિત છે અને ગ્રામીણ ભારતના એક બાલીશ, ખોટી માહિતી આપનારા, લિંગવાદી, જાતિવાદી અને ઉચ્ચ જાતિના શહેરી દ્રષ્ટિકોણને જાળવી રાખે છે. ગ્રામીણ ભારત પ્રત્યે તલાટી અભિષેક ત્રિપાઠીની ઘોર ઉદાસીનતા અને જવાબદેહીની ઉણપ તેના જેવા વિશેષાધિકાર પ્રાપ્ત અટકધારીઓની એક ખાસ વિશેષતા છે.

વેબ સિરીઝમાં બ્રાહ્મણ અધિકારી ગામડાની શાળા અને સરકારી ઓફિસોને ખોટી રીતે સજાવે છે અને પોતાના વ્યક્તિગત કામો માટે તેનો ઉપયોગ કરે છે. શોમાં આખું સરકારી તંત્ર બ્રાહ્મણ પાત્રોની હૂકુમત તળે ચાલે છે. પંચાયત ઓફિસનો તેઓ પોતાના છોકરા-છોકરીઓના લગ્નમાં ઉપયોગ કરે છે, અંદર બંદૂક રાખે છે, દારૂ રાખે છે અને પીવે છે, ઓફિસોની ખુરશીઓ પોતાના ઘરમાં વાપરે છે. એનો અર્થ એ કે ડિરેક્ટર બતાવવા માંગે છે કે બ્રાહ્મણ સરકારી સંપત્તિને પોતાની ખાનગી સંપત્તિ સમજે છે. આવી પરિસ્થિતિમાં એટલું તો નક્કી થઈ જાય છે કે, આવી પંચાયતમાં કોઈના પર જાતિ આધારિત ગુનાઓ થાય તો કોઈ રિપોર્ટ નહીં નોંધાય, સજા થવી તો બહુ દૂરની વાત છે.

આ પણ વાંચો: દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે

બધાં પાત્રો વચ્ચે જે સહજ બોન્ડિંગ છે, તે તેમની જાતિની સમાનતાને કારણે વધારે છે અને સ્થાનિક સરકારી ઓફિસના બંધારણીય કામકાજ પ્રત્યેના વિવેકને કારણે ઓછું છે. વિશ્વનાથ ચેટરજીએ સબ ઈન્સપેક્ટરનું પાત્ર ભજવ્યું છે, જયશંકર ત્રિપાઠી હેડ કોન્સ્ટેબલ છે. દીપક કુમાર મિશ્રાએ ઈલેક્ટ્રીશિયનનું પાત્ર ભજવ્યું છે, એટલું જ નહીં જે પિતા પોતાના દીકરાનું રજિસ્ટેશન કરાવવા માંગે છે તેનું નામ દીનબંધુ પાઠક છે અને જ્યોતિ દૂબેએ માંનું પાત્ર ભજવ્યું છે. જે અભિનેતાના નામે સરપંચ પતિની મજાક ઉડાવવામાં આવે છે તે મિથુન ચક્રવર્તી છે.

જેમ જેમ શો આગળ વધે છે તેમ બ્રાહ્મણ જાતિને વધુને વધુ પ્રોજેક્ટ કરવામાં આવે છે. ટીડીઓ જ્યારે પણ કોઈને ફોન કરે તો તે 'તિવારીજી'ને જ બોલાવે છે. પંચાયતની ઓફિસમાં ઉપસરપંચ પ્રહલાદ પાંડે છે અને સહાયક વિકાસ શુક્લા છે. આ જ લોકો જ્યારે રામધૂન માટે રસ્તા પર ઉભા રહીને દાન ઉઘરાવવા માટે બસો ઉભી રખાવે છે ત્યારે કંડક્ટરને ફક્ત તેનું નામ પૂછવામાં આવે છે અને તે જવાબમાં 'પ્રજેશ મિશ્રા' કહે છે. આ રીતે એપિસોડના અંત સુધીમાં ચક્રવર્તીથી લઈને તિવારી, શર્મા, ઝા અને ચેટર્જી સુધીના નામો આવે છે.

ખોટી નિષ્પક્ષતા અને મનઘડંત સાર્વભૌમિકતા થકી પંચાયત લૈંગિક ભેદભાવ પર હસે છે અને જાતિવાદને પ્રોત્સાહિત કરે છે. પ્રધાન બ્રિજભૂષણ દૂબેના ઘરમાં અને તેની આજુબાજુમાં રહેલા ઘરોમાં સ્પષ્ટ અંતર જોઈ શકાય છે. પરંતુ આ સામાજિક સ્થિતિનો આખી વેબસિરીઝમાં ક્યાંય ઉલ્લેખ નથી અને ન તો તેની પાછળના કારણો પર કોઈ વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. બ્રાહ્મણ સરપંચ બ્રિજભૂષણ દુબેના ઘરમાં ગાય-ભેંસ, અનાજના કટ્ટા અને બીજું ઘણું બધું છે, જે તેના ત્રણ લોકોના પરિવારની જરૂરિયાત કરતા અનેકગણું વધારે છે. બીજી તરફ જગમોહન પાસે ઘરમાં ખાવાપીવાના પણ ફાંફા છે.

તલાટી અભિષેક ત્રિપાઠી ગ્રામીણ લહેકાની મજાક ઉડાવે છે અને ભ્રષ્ટ, જાતિવાદી વ્યવસ્થા સાથે વહે જાય છે અને પિતૃસત્તા વિશે બેધડક વાત કરે છે. કોઈપણ સંસ્કૃતિ કે વ્યક્તિની સામૂહિક ચેતના અને બુદ્ધિનો અંદાજ એ કળા પરથી લગાવી શકાય છે જેને તે મનોરંજક અને મનોરંજન માને છે. શહેરી ઉચ્ચ જાતિના દર્શકો આ વેબ સિરીઝને કોમેડી કહે છે, કેમ કે તેઓ તલાટી અભિષેક ત્રિપાઠીની જેમ જ બેદરકારી અને જાણીજોઈને કરવામાં આવેલી બેજવાબદારી સાથે સ્વયંને જોડે છે. પોતાના આખા જીવન દરમિયાન તેમણે ગામડાના લોકોના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના તેમનું શોષણ કર્યું છે. એ રીતે આખી સિઝનનો શ્રેય ફરી ચટ્ટોપાધ્યાયથી લઈને રાવ, અય્યર, દેસાઈ, દેશમુખ અને દ્વિવેદીને જાય છે.

બીજી સિઝનમાં જ્યારે એક બ્રાહ્મણ કોન્ટ્રાક્ટર ગામમાંથી કાઢવામાં આવતી માટીને ભ્રષ્ટ રીતે વેચે છે, તો માટીના ભાવ મામલે 'ત્રિપાઠી' સાથે વાતચીત થાય છે અને પછી ઈંટના ભઠ્ઠાના માલિક પાસે કોઈ 'પંડિતજી'નો ફોન આવે છે, જેને તે ઈંટો વેચવાનો છે.

આખી સિરીઝમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર ઉચ્ચ જાતિ અને ઉચ્ચ વર્ગની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે જે હાંસિયામાં પડેલા લોકોને કોઈ સન્માન નથી આપતી. સિરીઝ મહિલાઓનું ઘરકામ કરવું, રસોઈ બનાવવી અને પુરૂષોના આરામ કરવા જેવી બાબતોને આગળ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચે પુરૂષપ્રધાન ખ્યાલોનું સામાન્યીકરણ કરે છે. જ્યારે સરપંચ પતિ અને તેનો પરિવાર પોતાની દીકરી રિંકી માટે એક દયનિય અને ભાવી વરરાજાને મળવા માટે જાય છે ત્યારે વરરાજાના પિતાને 'પાઠકજી' કહેવામાં આવે છે, જે પૂર્ણપણે પોતાની જાતિમાં જ લગ્ન કરવાના આગ્રહને દર્શાવે છે.

બીજી અને ત્રીજી સિઝનમાં જ્યારે બ્રાહ્મણ સરપંચ પતિ બ્રિજભૂષણ દૂબેને તેના પ્રતિસ્પર્ધીઓ તરફથી વિરોધનો સામનો કરવો પડે છે ત્યારે એ વિરોધ પણ બીજો બ્રાહ્મણ 'ભૂષણ શર્મા' કરે છે. શું એક સેકન્ડ માટે પણ સિરીઝના નિર્માતાઓને એ વિચાર નહીં આવ્યો હોય કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પણ સિસ્ટમ પર સવાલ ઉઠાવી શકે છે? વિરોધ કરવો, કોઈને પડકાર ફેંકવો તે કંઈ બ્રાહ્મણોનો ઈજારો નથી.

આ પણ વાંચો: વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

જ્યારે અભિષેક ત્રિપાઠીનો મિત્ર સિદ્ધાર્થ ગામમાં આવે છે, ત્યારે બ્રાહ્મણ સરપંચ પતિ બ્રિજભૂષણ દૂબે તેને સવાલ કરે છે કે, તારું આખું નામ શું છે? સરપંચ પતિની હતાશાની કોઈ સીમા નથી રહેતી જ્યારે તેને ખ્યાલ આવે છે કે, સિદ્ધાર્થના પ્રમાણપત્ર પર તેનું ફક્ત પહેલું નામ જ છે. એ પછી તે સિદ્ધાર્થના પિતાનું નામ પૂછે છે. જેના જવાબમાં પણ સિદ્ધાર્થ તેમનું ફક્ત નામ જણાવે છે. ત્યારે જ અભિષેક ત્રિપાઠી વચ્ચે પડે છે અને સિદ્ધાર્થની અટક 'ગુપ્તા'નો ઉલ્લેખ કરે છે. એ પછી બ્રિજભૂષણ શાંત થઈ જાય છે અને તરત તેને 'ગુપ્તાજી' કહેવા લાગે છે. એ રીતે દૂબે, પાંડ, શુક્લા, ત્રિપાઠી પોતાની સાથે ગુપ્તાજીને પણ સામેલ કરી લે છે.

કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે, જો સિદ્ધાર્થ કથિત ઉચ્ચ જાતિનો ન હોત તો શું થાત? શું તેને બીજી વાર ચા આપવામાં આવત? શું તેને રાત્રે બ્રાહ્મણ સરપંચના ઘરે સૂવા માટે કહેવામાં આવત? પણ આ તમામ સવાલોને ટાળી દેવામાં આવે છે અને તેના પર કોઈ ચર્ચા નથી થતી. આ કથિત ઉચ્ચ જાતિનું પ્રતિનિધિત્વ કરતી વેબ સિરીઝ એ બાબતની પરવા નથી કરતી કે દેશની 80 ટકા વસ્તીને કેવી રીતે જોવામાં આવે છે અને વર્ણવ્યવસ્થા તેમને દરરોજ કેવી રીતે જીવન જીવવા માટે મજબૂર કરે છે? એ પછીના એપિસોડમાં જ્યારે બીજા બ્રાહ્મણ સરપંચ પતિને સિદ્ધાર્થ વિશે યાદ કરાવે છે, તો તે યાદ નથી કરી શકતા. પણ અંતે જ્યારે તેને સિદ્ધાર્થ યાદ આવી જાય છે ત્યારે તે તેને 'ગુપ્તાજી' કહે છે. ટૂંકમાં, તેની જાતિ જ તેની ઓળખ છે.

પંચાયત વેબ સિરીઝ વિશેષાધિકાર પ્રાપ્ત લોકો માટે હાસ્યની ક્રૂર આડમાં જાતિવાદને મજબૂત કરે છે. રિંકીની બહેનપણી રવિનાનો રોલ 'આંચલ તિવારી'એ નિભાવ્યો છે. રાજકુમાર ભૈયાનો રોલ 'અનૂપ શર્મા'એ ભજવ્યો છે. વોર્ડના સભ્યની અટક 'ચક્રવર્તી' છે. ઉચ્ચ વર્ગના ક્રિટીક્સ, જેમની ભારતને લઈને સમજ જાણીજોઈને કથિત ઉચ્ચ વર્ગ અને અહંકારી સમૂહોના પોતાના અનુભવો સુધી મર્યાદિત છે, તેઓ આ સિરીઝના વખાણ કરી રહ્યાં છે. ઉચ્ચ જાતિના ક્રિટીક્સ દ્વારા આ શોના વખાણ જ એ વાતની સાબિતી છે કે હાસ્યનું મહોરું પહેરીને આ શો દ્વારા જાતિવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

'પંચાયત'ની પહેલી સિઝનના પહેલા જ સીનમાં અભિષેક ત્રિપાઠી જેવો ગામમાં પ્રવેશ કરે છે, બ્રાહ્મણ 'સરપંચ પતિ' બ્રિજભૂષણ દૂબે તેનું દિલથી સ્વાગત કરે છે અને પોતાની પત્ની મંજૂ દેવીને કહે છે, 'સૌથી ખાસ વાત, તેઓ આપણી જાતિના છે.' સવાલ એ થાય કે શું આખી વેબ સિરીઝનું નિર્માણ પણ આ જ તર્જ પર કરવામાં આવ્યું છે કે શું? તમારું શું માનવું છે? લેખની નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.

આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vinod makvana
    Vinod makvana
    Khari sachi vat Kari jativad ne protsahit kare che
  • Jivan mayatra
    Jivan mayatra
    તમારું સંશોધન એકદમ સ્ટીક છે. અભિનંદન ????????????