બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે
આજે બંધારણ દિવસ છે ત્યારે ચાલો જાણીએ ભારતીય બંધારણની એ વિશેષ કલમો વિશે જે એક નાગરિક તરીકે આપણને ચોક્કસ મૂળભૂત અધિકારો આપે છે.
શરીરનું બંધારણ જેટલું મજબુત હોય તેટલું શરીર સ્વસ્થ અને આરોગ્યવાળું હોય. આજ બાબત સમાજ, કુટુંબ તથા દેશને લાગુ પડે છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારત અંગ્રેજોની 200 કરતા વધુ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે આ પ્રશ્ન આપણી સામે આવીને ઉભો હતો. શું ખરેખર ભારત દેશ આઝાદ થયો છે? જે દેશમાં ૫૦ ટકા વસ્તી ભૂખે મરતી હોય, જે દેશમાં પૈસા માટે મોટા પ્રમાણમાં સ્ત્રીઓને સળગાવવામાં આવતી હોય, જે દેશમાં આદિવાસીઓને માણસ જ ગણવામાં ન આવતા હોય, જે દેશમાં બેકારી અને ભૂખમરાને કારણે લાખો બાળકોણે ભણવાને બદલે મજૂરી કરવી પડતી હોય તે દેશ ખરેખર આઝાદ કહેવાય?
આઝાદી બાદ દેશને ચલાવવા માટે બંધારણની રચના કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. જેમાં કુલ ૩૮૯ સભ્યો અને જુદી જુદી સાત સમિતિઓ હતી. બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે ડો. બાબા સાહેબ આંબેડકર, જેઓ બંધારણ ઘડવાની મુસદ્દા સમિતિના પ્રમુખ હતા, તેમની સામે આ મોટો પડકાર હતો. બંધારણ એક મોટું સાધન તેમને લાગ્યું જેનાથી સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગના તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાગરિકોને સામાજિક ન્યાય આપી શકાય, કારણ દેશ કઈ નીતિથી ચાલશે, નાગરિકોને શું અધિકાર હશે તે બાબતો, અસમાનતાઓને નજર સામે રાખી બંધારણ ઘડવાનું શરૂ કર્યું. અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોના બંધારણની સારી બાબતો તેમણે સ્વીકારી. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારથી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મુસદ્દા સમિતિ (ડ્રાફટીંગ કમિટી)
૧. ચેરમેન: ડો. ભીમરાવ આંબેડકર
સભ્યો: ૧. શ્રી એન. ગોપાલ સ્વામી આયંગર, ૨. શ્રી કે. એમ. મુનશી, ૩. શ્રી સૈયદ મોહંમદ સાદુલ્લાહ, ૪. શ્રી ડી.પી.ખેતાન(૧૯૪૮ માં મૃત્યુ બાદ ટી.ટી. ક્રિશ્નનામાંચારી નિમાયા), ૫. શ્રી બી.એલ.મિતર (તેમના સ્થાને એન. માધવરાયની નિમણુંક કરવામાં આવી હતી). બંધારણ ઘડતા કુલ બે વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ લાગ્યા હતા જેમાં અંદાજીત ખર્ચ ૬૪ લાખ રૂપિયા થયો હતો.
તા.૨૬-૧-૧૯૫૦થી બંધારણનો અમલ શરૂ થયો. બાબા સાહેબે કહ્યું હતું કે, ખરેખર દેશમાં જો સામાજિક, આર્થિક સમાનતા ન આવે તો બંધારણના કાગળો ઉપર લખેલી સમાનતાનો કોઈ અર્થ નથી. આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે જો આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો સામાજિક ન્યાય અપાવવા માટે બંધારણ એક મજબૂત સાધન છે.
બંધારણમાં સૌથી અગત્યની બાબતો મૂળભૂત અધિકારો છે. રાજ્યની તે જવાબદારી છે કે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું તે રક્ષણ કરે. સામાજિક અન્યાયનો ભોગ બનનાર શાના આધારે ન્યાય માંગી શકે? બંધારણમાં લખેલ મૂળભૂત (જન્મે ત્યારથી જ) અધિકારના આધારે જ.
બંધારણમાં કુલ પાંચ પ્રકારના મૂળભૂત અધિકારો સમાવવામાં આવેલા છે.
૧. સમાનતાનો અધિકાર
૨. સ્વતંત્રતાનો અધિકાર
૩. વ્યક્તિનાં જીવનનો અધિકાર
૪. શોષણ વિરુદ્ધનો અધિકાર
૫. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
આ અધિકારોની સરળ સમજૂતી મેળવીએ. કલમ ૧૪ થી ૧૮ માં સમાનતાને લગતા અધિકારો આપવામાં આવ્યા છે.
કલમ 14 ભારતની સરહદની અંદર રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા આગળ સમાનતા અથવા કાયદાનું સરખું રક્ષણ આપવાની ના પાડી શકશે નહિ. આ કલમથી નીચે બાબતો સ્પષ્ટ થાય છે.
૧. ભારતમાં દરેક વ્યક્તિને કાયદાનું સરખું રક્ષણ મેળવવાનો અધિકાર છે.
૨. કાયદા આગળ બધા સમાન છે.
૩. આ અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે. કાયદા આગળ બધા સરખા છે. પરંતુ સમાજમાં જો બધા સરખા ન હોય તો કાયદાનું સરખું રક્ષણ કેવી રીતે શક્ય છે? આથી રાજ્ય સરકાર કોઈ ખાસ પ્રદેશો માટે ખાસ કાયદો બનાવે અથવા અમુક માર્યાદિત વર્ગ માટે ખાસ કાયદો બનાવે તો તેનાથી આ કલમનો ભંગ થયો છે તેવું ગણાય નહિ. માત્ર એટલું જ જોવાનું કે સરકારનો નિર્ણય નીચે પ્રમાણે હોવો જોઈએ.
તેણે કરેલ કાયદાનું વર્ગીકરણ વ્યાજબી હોવું જોઈએ.
તે મનસ્વી ના હોવું જોઈએ.
તે ગેરવ્યાજબી ના હોવું જોઈએ.
કલમ 15ઃ ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ, કે જન્મસ્થળને આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ:
૧. રાજ્ય કોઈ નાગરિક સામે માત્ર તેના ધર્મ, વંશ, જ્ઞાતિ કે જન્મ સ્થળના આધારે ભેદભાવ રાખી શકશે નહી.
૨.(અ) દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળે.
(બ) કૂવા, તળાવ, નાહવાના ઘાટ, રસ્તા, જાહેર સ્થળો, જે રાજ્યના નાણામાંથી સંપૂર્ણ અથવા ઓછા અંશે ચાલે છે અને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલ છે. આ તમામના વપરાશ કરવા જતા માત્ર તે નાગરિક તેના ધર્મ, વંશ, જાતિ કે જન્મસ્થળને કારણે અડચણ, મુશ્કેલી શરતનો ભોગ નહી બને. આ કલમમાં સ્પષ્ટ છે કે, ભારત દેશનો કોઈ પણ નાગરિક જાહેર સ્થળોના ભોગવટાનો હક્ક ધરાવે છે. તેમાં ઉપર જણાવેલ કારણોથી પ્રતિબંધ કે ભેદભાવ લાદી શકાય નહી.
૧. રાજ્ય સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરે તેને રોકી શકાય નહી.
૨. રાજ્ય સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા અનુસુચિત જાતિ તથા જનજાતિના નાગરિકોના ઉત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરે, તો આ કલમ નીચે ભેદભાવનું કારણ ધરી અટકાવી શકાશે નહી. અહિયાં ધ્યાનમાં રાખવાનું કે ખાસ જોગવાઈઓથી નબળા વર્ગો પ્રત્યે રાજ્ય ભેદભાવ નથી કરતું પરંતુ નબળા વર્ગો અન્ય સમાજોની સરખામણીમાં આવી શકે તે જ હેતુથી ખાસ જોગવાઈઓ કરે છે.
કલમ 16 જાહેર નોકરીઓમાં સમાન તકો:
૧. રાજ્યની જાહેર નોકરીઓમાં દરેક નાગરિકને સરખી તક રહેશે.
૨. નાગરિકને માત્ર તેના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, કે રહેઠાણ માત્રને આધારે કોઈપણ નાગરિકને રાજ્યની જાહેર નોકરીઓમાં સરખી તક મેળવવામાં અયોગ્ય ઠેરવવામાં કે ભેદભાવ રાખવામાં નહી આવે. ઉપરોક્ત કલમમાં ઠેરવવામાં આવે છે કે આ કલમ રાજ્યની જાહેર નોકરીઓમાં લાગુ પડે છે. આ કલમમાં બે અપવાદ નીચે મુજબ છે.
૧. લોકસભા અમુક જાતની નોકરીઓમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક અધિકારની હોય, તેમાં નોકરી ઈચ્છતી વ્યક્તિને જે તે ચોક્કસ જગ્યાએ રહેવું પડે તેવા કાયદા ઘડવાની સતા ધરાવે છે.
૨. રાજ્ય સરકારને જો લાગે કે અમુક વર્ગોનું રાજ્યની નોકરીઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી તો આવા નબળા વર્ગો માટે નોકરીમાં અનામત રાખી શકશે.આ બે વસ્તુ હોવી જરૂરી છે.
૧. આવો વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ.
૨. આ વર્ગોનું પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી, તેવો રાજ્યનો અભિપ્રાય હોવો જોઈએ.
કલમ - 17 અસ્પૃશ્યતાની નાબુદી
અસ્પૃશ્યતાની નાબુદ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ છે. અસ્પૃશ્યતા પાળવી તે કાયદેસર સજાપાત્ર ગુન્હો બને છે. આ જ એક અધિકાર છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના આચરણ અને અનુસુચિત જાતિ અને જનજાતિ પર કરાતા અત્યાચાર અત્યાચારો માટે અલગ ધારા ઘડી તેમને સજા પાત્ર બનાવાયા છે.
કલમ-18 ખિતાબોની નાબુદી
લશ્કરી અને શૈક્ષણિક કારકિર્દી સિવાયનો કોઈપણ ખિતાબ રાજ્ય આપી શકશે નહી. આવા કોઈ ખિતાબ વિદેશી સંસ્થાઓ પાસેથી સ્વીકારવા માટે જો વ્યક્તિ રાજ્યની નોકરીમાં હોય તો રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે.
કલમ-19 સ્વતંત્રતાના અધિકારો
કલમ-19માં 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલ છે.
૧. વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાઃ
દરેક નાગરીકને વાણી એટલે કે બોલવાનો અને પોતાના વિચારો જાહેરમાં રજૂ કરવાનો અધિકાર છે. આ અધિકારમાં સમાચાર પત્રોની સ્વતંત્રતાનો અધિકાર પણ આવી જાય છે.
આ અધિકારમાં એક અપવાદ એ છે કે, રાજ્ય અન્ય વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર હિત, નીતિમત્તા, કોર્ટનો અનાદર, બદનક્ષી કે ગુનાને ઉત્તેજન વગેરે બાબતો ધ્યાનમાં રાખી નાગરિકના આ અધિકાર પર વ્યાજબી નિયંત્રણ લાદી શકે છે.
૨. શાંતિપૂર્વક અને હથિયાર વગર ભેગા થવાનો અધિકાર:
દરેક નાગરીકને જાહેરમાં કે ખાનગીમાં ભેગા થવાનો અધિકાર છે. સભા સરઘસો, રેલી, મોર્ચા, ધરણા, વગેરે કરવાનો અધિકાર આમાં આવી જાય છે. આ કલમમાં અપવાદ એ છે કે દેશની અખંડીતતા, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ અધિકાર પર યોગ્ય નિયંત્રણ લાદી શકે છે.
૩. સંગઠનો તથા યુનિયનો બનાવવાનો અધિકાર:
આ કલમ હેઠળ સંગઠન બનાવવાનો અગત્યનો અધિકાર આપવામાં આવેલ છે. આ કલમમાં એક અપવાદ એ છે કે, દેશની અખંડીતતા, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈ યોગ્ય નિયંત્રણ લાદી શકે છે.
૪. ભારતમાં કોઇપણ જગ્યાએ છૂટથી હરવા-ફરવાનો અધિકાર: કોઈપણ નાગરિક દેશમાં છૂટથી હરી-ફરી શકે છે. આ કલમ માટે અપવાદ એવો છે કે, જાહેર જનતા અનુસુચિત જનજાતિઓના હિતોના રક્ષણને ધ્યાનમાં લઇ રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકે છે.
૫. દેશમાં ગમે ત્યાં રહેવાનો તથા વસવાટ કરવાનો અધિકાર:કોઈપણ નાગરિક ગમે ત્યાં રહી શકી તથા વસવાટ બનાવી શકે છે. ઉપરના અપવાદો આ કલમને પણ લાગુ પડે છે.
૬. કોઈ પણ ધંધો, ઉદ્યોગ કરવાનો તથા ચલાવવાનો અધિકાર: આ અધિકાર ભોગવવા બે બાબત જરૂરી છે.
૧. ધંધા, નોકરી સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક કે તાંત્રિક આવડત હોવી જોઈએ, દા.ત. ઓપરેશન ડોક્ટર જ કરી શકે.
૨. જે ધંધા, ઉદ્યોગ રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય અને રાજ્ય અન્ય નાગરિકોને આ ધંધા, ઉદ્યોગ કરવા નિયંત્રણમાં મૂક્યા હોય, તે ધંધા, ઉદ્યોગ કરી શકાય નહી.
કલમ-20 વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારો:
કલમ-20 થી 22 વચ્ચેના અધિકારો માત્ર નાગરિકોને નહીં પણ વ્યક્તિઓને મળે છે.
૧. કોઈ પણ વ્યક્તિને તેના ગુના માટે જે સમયે ગુનો બન્યો હોય તે સમયે જે સમયે જે કાયદો અમલમાં હોય તેની નીચે જ સજા થઇ શકે.
૨. ગુનામાં તે સમયે કાયદામાં જેટલી જોગવાઈઓ હોય તેટલીજ સજા થઇ શકે.
૩. એક ગુના માટે એકથી વધારે વખત સજા ન થઇ શકે.
૪. વ્યક્તિને પોતની સામે સાક્ષી આપવા ફરજ ના પાડી શકાય.પોલીસ દ્વારા વ્યક્તિની જુબાની અથવા પોલીસ તપાસ વગેરેથી એવું કહી શકાય કે પોતાની સામે જુબાની આપવાની ફરજ પડી છે.
કલમ-21 જીવન જીવવાનો અધિકાર:
કોઇપણ વ્યક્તિને કાયદા માન્ય રસ્તા સિવાય જીવવાનો અધિકાર નહી લઇ શકાય આ કલમ વ્યક્તિની સ્વતંત્રતામાં તે વ્યક્તિની મિલ્કત પણ આવી જાય છે. કાયદા માન્ય રસ્તાથી વ્યક્તિનો અધિકાર છિનવાયો હોય તો નીચે મુજબની બાબતો આપવી જોઈએ.
૧. યોગ્ય કાયદો હોવો જોઈએ.
૨. કાયદામાં કાર્યવાહીઓ ઉલ્લેખ હોવો જોઈએ.
૩. કાર્યવાહી યોગ્ય, સાચી તથા ન્યાયપૂર્ણ હોવી જોઈએ.
૪. કલમ-૧૪ અને કલમ -૧૯ની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
આ અધિકાર નાગરિક તેમન બિનનાગરિક વ્યક્તિઓને બંનેને અપાયો છે. તેમાં કારોબારી તંત્રીય તેમજ વિધાનતંત્રીય આપખુદ વર્તન/કૃત્ય સામે સક્ષણ મળે છે.
‘જીવન’ જીવવાનો અધિકાર એટલે માત્ર શારીરિક અસ્તિત્વ એવો સંકુચિત અર્થ નથી. તેમાં માત્ર પ્રાણી જેવું જીવન નહિ પણ એક માણસના ગૌરવ સાથેનું જીવન એવો વ્યાપક અર્થ કરાયો છે.
ન્યાયતંત્રે વખતોવખત અહીં વાપરેલા ‘જીવન’ શબ્દનું અતિ વ્યાપક અર્થઘટન કરી તેમાંથી સંખ્યાબંધ નવા અધિકારો ફલિત કર્યા છે. જેમ કે: આજીવિકા રળવી; શુદ્ધ હવા, પાણી, ખોરાક મેળવવો, પર્યાવરણ રક્ષણ; આરામ; આરોગ્ય; પ્રાથમિક સારવાર; જેલતંત્ર કે પોલીસતંત્ર કે અન્ય જાપ્તો ધરાવતાં તંત્રોના ક્રૂર અમાનવીય વ્યવહાર/વર્તન સામે રક્ષણ; શિક્ષણ; વેઠ/અસ્પૃશ્યતા સામે રક્ષણ; બાળમજૂરી સામે રક્ષણ; કૂપોષણ સામે રક્ષણ; એકાંત કારાવાસમાં ત્રાસ/યાતના સામે રક્ષણ; અધીઅક્ર ભંગ માટે નુકસાન વળતર મેળવવું વગેરે.
કલમ-21(એ) - મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ:
રાજ્ય દરેક ૬ થી ૧૪ વર્ષની ઉમરના તમામ બાળકોને ની;શુલ્ક અને ફરજિયાત શિક્ષણ પરું પાડશે. સંસદે બાળકોનો ની;શુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૨૦૦૯ નામનો કાયદો પસાર કરેલ છે અને તેનો અમલ તા. ૧ અપ્રિલ ૨૦૧૦ થી શરૂ થયેલ છે.
કલમ -22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ:
૧. વ્યક્તિની ધરપકડ પછી તરત જ તેને ધરપકડના કારણો જાણવા તથા વકીલ(તેની પસંદગીનો)ની સલાહ લેવાનો અધિકાર આપ્યા સિવાય અટકાયતમાં રાખી શકાશે નહી.
૨. જે પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ થઇ હોય તેને ૨૪ કલાકની અંદર મેજીસ્ટ્રેટ રજૂ કરવો પડશે.
૩. અપવાદ રૂપે દેશનો કોઈ દુશ્મન હોય અને પ્રીતીબંધક અટકાયત નીચે ધરપકડ થઇ હોય તેને ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી.
૪. પ્રતિબંધક અટકાયતમાં વ્યક્તિને ૩ મહિનાથી વધારે અટકાયતમાં રાખી શકાય નહી સિવાય કેઃ
૧. હાઇકોર્ટના ન્યાયમૂર્તિની હાજરીવાળું સલાહકાર બોર્ડ વધારે અટકાયત માટે કારણો જણાવે.
૨. જે તે કાયદામાં વધારેમાં વધારે જોગવાઈ હોય તેટલીજ અટકાયત થઇ શકે.
૩. પ્રતિબંધક અટકાયત હેઠળ, અટકાયત વખતે વ્યક્તિને અટકાયતના કારણો જણાવવા પડે તથા કાયદાનું રક્ષણ મેળવવા તક આપવી પડે. પરંતુ લોકહીતણે ધ્યાનમાં લઇ રાજ્ય કારણો ના જણાવે તો પણ યોગ્ય ગણાશે.
૪. પ્રતિબંધક અટકાયત નીચેના કાયદા હેઠળ થઇ શકે.
૧. વિદેશી મુદ્રા નિયંત્રણ ધારો (કોફેપાસા)
૨. જીવન જરૂરીયાતની ચીજોનો સંગ્રહનો કાયદો
૩. રાષ્ટ્રીય સુરક્ષા ધારો (નાસા)
૪. નશીલી દવાઓને લગતો કાયદો
કલમ -23 અને કલમ-24 માં શોષણ વિરોધી અધિકારો આપેલા છે.
કલમ-23
૧. જીવતા વ્યક્તિઓના વેપાર, વેઠ તથા આવી જાતના બળજબરીના કામો કરાવવા ઉપર પ્રતિબંધ છે અને તેના ભંગ બદલ સજા પાત્ર ગુન્હો બનશે.
૨. પરંતુ જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજીયાત સેવાઓ લઇ શકશે. પરંતુ તેમાં રાજ્ય, ધર્મ, જ્ઞાતિ, વંશ, જાતિ, વર્ગના કારણે ભેદભાવ રાખી શકશે નહી.
કલમ-24
૧૪ વર્ષથી નીચેના વયના બાળકોને કારખાના, ખાણ, અને જીવના જોખમ પેદા થાય તેવા કામોમાં રાખી શકાય નહી.
કલમ-25 ધર્મ સ્વાતંત્ર્ય અંગેના અધિકાર:
૧. જાહેર વ્યવસ્થા, નૈતિકતા તથા આરોગ્યને ધ્યાનમાં લઇ બધી વ્યક્તિઓને પોતાના અંત:કરણ મુજબ ધર્મો પાળવાનો કે પ્રચાર કરવાનો અને અપનાવવાનો અધિકાર રહેશે.
૨. કોઇપણ ધર્મ સાથે આર્થીક, નાણાકીય, રાજકીય કે સાંપ્રદાયિક પ્રવૃત્તિ જોડાયેલ હોય તો રાજ્ય તેના ઉપર નિયંત્રણ કે કાબુ રાખી શકે. આ ઉપરાંત હિંદુ ધર્મની સંસ્થાઓ બધા હિંદુ સંપ્રદાયો માટે સરકાર ખુલ્લા મૂકી શકશે.
કલમ-26
જાહેર વ્યવસ્થા, નૈતિકતા તથા આરોગ્યને ધ્યાનમાં લઇ દરેક ધર્મની સંસ્થા તથા સંપ્રદાયોને નીચે મુજબના અધિકાર રહેશે.
૧. ધાર્મિક તથા સાર્વજનિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવી તથા ચલાવવી.
૨. ધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું.
૩. સ્થાથી તથા અસ્થાયી મિલ્કતોનો વહીવટ કરવો.
કલમ-27
કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરાતાં નાનામાં કોઈને દાન આપવાની ફરજ પાડી શકશે નહી.
કલમ-28
રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણાં મેળવતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહિ. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન જરૂરી હોય અને રાજ્યના વહીવટથી ચાલતી હોય તો ઉપરની જોગવાઈઓ લાગુ ન પડે.
કલમ- 29 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લઘુમતીના અધિકારો:
૧. દેશના કોઈ ભાગમાં નાગરિકોનું જૂથ રહેતું હોય તેઓને તેમની પોતાની ભાષા,લીપી, અથવા સંસ્કૃતિ અલગ હોય તો તેની જાળવણી કરવાનો તેમને અધિકાર છે.
૨. રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થામાં કોઇપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, જ્ઞાતિ, ભાષાને આધારે પ્રવેશ આપવાની ના પાડી શકાશે નહી.
કલમ-30
બધી જ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય પસંદગીથી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો તથા ચલાવવાનો અધિકાર રહેશે.
જે તે કાયદા નીચે આવી સંસ્થાઓની મિલ્કતો સંપાદિત કરવી પડે તેમ હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબનો અધિકાર છીનવાય ના જાય તેની દેખરેખ રાજ્યે રાખવી પડશે. રાજ્યના નાણા શૈક્ષણિક સંસ્થાઓને વહેંચતી વખતે, સંસ્થાઓ માત્ર ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓ છે, તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહી.
- કાતિલાલ પરમાર, (લેખક નવસર્જન ટ્રસ્ટના કાર્યકર અને એટ્રોસિટી એક્ટ, ભારતીય બંધારણના અભ્યાસુ છે)
આગળ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો