હિંદુ દેવી-દેવતાઓ પરની પોસ્ટ બદલ પ્રો. વિક્રમ હરિજન સામે કાર્યવાહી થશે
પ્રો. જી.એન. સાંઈબાબા, પ્રો. લક્ષ્મણ યાદવ બાદ હવે અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા દ્રોણાચાર્યો સક્રિય થયા છે.
ગુજરાત સહિત ભારતભરની યુનિવર્સિટીઓમાં દ્રોણાચાર્યો બેઠેલા છે અને તેઓ હવે દલિત, આદિવાસી વિદ્યાર્થીઓની સાથે આ સમાજના પ્રોફેસરોની નોકરીઓ ખાઈ જવા માંગે છે. અગાઉ પ્રો. જી.એન. સાંઈબાબાને ખોટા કેસમાં ફસાવી દઈ જીવતેજીવ મૃતપ્રાય સ્થિતિમાં લાવી દીધા હતા. 90 ટકા અપંગ જી.એન.સાંઈબાબાને તદ્દન ખોટા કેસમાં વર્ષો સુધી જેલમાં ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. અંતે જ્યારે તેમને જામીન મળ્યાં તો તેઓ જેલની યાતનાઓના કારણે માંડ 6 મહિના જીવી શક્યા. આ જ રીતે અગાઉ આંબેડકરી વિચારધારાના વાહક પ્રો. લક્ષ્મણ યાદવને પણ યુનિ.એ એડહોક પ્રોફેસર તરીકે રિપીટ નહોતા કર્યા. તેઓ દોઢ દાયકાથી નોકરી પર હતા. છતાં તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહોતો કરાયો.
કંઈક આવો જ પેંતરો દ્રોણાચાર્યોએ અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા માટે કર્યો છે. મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજનને યુનિવર્સિટી તરફથી એક લેખિત ચેતવણી આપવામાં આવી છે જેમાં તેમને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
અગાઉ પ્રો. વિક્રમે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરી હતી, એ પછી સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. આરોપ હતો કે તેમની ટિપ્પણીથી હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જોકે બાદમાં પ્રોફેસરે માફી પણ માંગી હતી. આખું પ્રકરણ પુરું થઈ ગયા બાદ ફરીથી તેને ઉખેળવામાં આવી રહ્યું છે.
પ્રો.વિક્રમ હરિજન ફરીથી કોઈ ટિપ્પણી ન કરે તે માટે 3 ઓક્ટોબરના રોજ કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, જો યુનિવર્સિટીના કોઈ શિક્ષક કે કર્મચારી યુનિવર્સિટીની છબી ખરડવામાં સંડોવાયેલા જણાશે તો તેમને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઈટીનો લાભ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટીના કર્મચારીઓ વાઇસ ચાન્સેલરની મંજૂરી બાદ જ યુનિવર્સિટી વિશે સોશિયલ મીડિયા પર લખી શકશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મદદનીશ પ્રોફેસર ડો.વિક્રમ હરિજનને દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ ચેતવણી આપવામાં આવશે.
આ જ ક્રમમાં 14 નવેમ્બરે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. આશિષ ખરે દ્વારા જારી કરાયેલા પત્ર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા પ્રો. વિક્રમ હરિજનને ચેતવણી આપવામાં આવી છે કે, તમે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ટાળો અને ધર્મ અને સંસ્કૃતિ જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને કોઈપણ જાહેર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ભડકાઉ ટીપ્પણી ન કરો, કારણ કે તેનાથી યુનિ.ની છબિ ખરડાય છે. જો ભવિષ્યમાં તમે સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા પર આવી બદનક્ષીભરી ટિપ્પણીઓ લખવાનું ચાલુ રાખશો, તો યુનિવર્સિટી તમારી સામે કડક કાર્યવાહી કરશે.
આ મામલે પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજને કહ્યું કે, "એવું નથી કે નોટિસ મળ્યા પછી હું અટકી ગયો છું. જો ધર્મ, જાતિ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપશે તો હું ચોક્કસપણે તેના પર ચોક્કસ બોલીશ અને આજેય બોલી રહ્યો છું. માત્ર કોઈ એક ધર્મની વિરુદ્ધ જ નહીં, હું એવા તમામ ધર્મોની વિરુદ્ધ બોલું છું જે જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે. મેં એક એવો કોર્સ બનાવ્યો છે જેમાં એક સેગમેન્ટ છે - Religion in Marginal communities. હું શીખવું છું કે દરેક ધર્મ જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે તેમને કોઈ સ્થાન નથી મળ્યું. હિંદુ, ઈસ્લામ કે શીખ એકેય ધર્મમાં તેમના માટે સ્થાન નથી."
આ પણ વાંચો: કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?