કોણ છે આ રહસ્યમય નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા?

યુપીના હાથરસમાં 121 નિર્દોષ લોકોનો જીવ લેનાર નારાયણ સાકાર હરિ એક રહસ્યમય વ્યક્તિ છે. કોણ છે આ બાબા અને કેવી રીતે તેના દરબારો યોજાય છે તે સમજવા જેવું છે.

કોણ છે આ રહસ્યમય નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા?
image credit - Google images

ઉત્તરપ્રદેશના હાથરસમાં ભોલે બાબા તરીકે ઓળખાતા એક ઢોંગી બાબાના સત્સંગમાં ભાગદોડ થતા 121 લોકોના મોત થયા છે. આમાં 116 જેટલી તો મહિલાઓ છે. મૃતકોમાં મોટાભાગની દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની મહિલાઓ છે. જો કે, એવું નથી કે આ બાબાના દરબારમાં માત્ર એસસી, એસટી, ઓબીસી સમાજની મહિલાઓ જ આવે છે. અનેક મોટા નેતાઓ પણ આ ઢોંગી બાબાના દરબારમાં મતોની લાલચે દોડ્યાં આવે છે.

આ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ભારે રહસ્યમય વ્યક્તિ છે. તેના ખરેખર કોણ છે, સાચું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે, તેના વિશે કોઈ ચોક્કસ કશું છાતી ઠોકીને કહી શકે તેમ નથી. 

પોતાને વિશ્વ હરિના ચોકીદાર ગણાવતા સ્વઘોષિત આ બાબા પોતે પોલીસમાં નોકરી કરતા હોવાનું કહેવાય છે, તો કોઈ કહે છે તેઓ આઈબીમાં કામ કરતા હતા અને પછી વીઆરએસ લઈને સત્સંગ કરાવવા લાગ્યા. આ ઢોંગી બાબાએ ૨૬ વર્ષ પહેલા પટિયાલી તાલુકાના એક ગામમાં એક ઝૂંપડીમાંથી લોકોને ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી અને હવે તો મોટા નેતાઓ પણ તેમના દરબારમાં હાજરી આપે છે.

આ પણ વાંચો: વડતાલમાં લંપટ સાધુઓ સામે ગુજરાતભરના હરિભક્તોએ હોબાળો મચાવ્યો

નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા મીડિયાથી દૂર રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ઓછા જોવા મળે છે. તે પોતાને ભગવાનનો ચોકીદાર ગણાવે છે. જો કે તેમના અસંખ્ય ભક્તો માને છે કે ભોલે બાબા સ્વયં ભગવાનનો અવતાર છે. કાસગંજ જિલ્લાના પટિયાલીના એક નાનકડા ઘરમાંથી સત્સંગની શરૂઆત કરનારા ભોલે બાબાએ હવે પશ્ચિમ યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે.

કહેવાય છે કે, સ્વયંભૂ સંત નારાયણ સાકાર વિશ્વ હરિ ૨૬ વર્ષ પહેલા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. પછી અચાનક વીઆરએસ લઈ લીધું અને પટિયાલીના બહાદુરનગરી ગામમાં એક ઝૂંપડીમાંથી સત્સંગ શરૂ કર્યો હતો. એક વાતચીત દરમિયાન ભોલે બાબાએ દાવો કર્યો હતો કે તેમના કોઈ ગુરુ નથી અને તેમણે ૧૮ વર્ષ સુધી પોલીસમાં કામ કર્યા પછી ભગવાન સાથે તેમનો મેળાપ થયો અને આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ કેળવતા જ તેમણે સત્સંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ધીરે ધીરે લોકો તેની વાતોમાં આવવા લાગ્યા અને આ ઢોંગી બાબાનો પ્રભાવ વધતો ગયો. હવે નારાયણ સાકાર હરિના દરબારો અનેક વીઘા જમીનમાં ભરાય છે.

પટિયાલી તાલુકાના બહાદુરનગરી ગામમાંથી ઉભરીને ભોલે બાબાએ પોતાનું વર્ચસ્વ વધારવાનું શરૂ કર્યું છે. હવે સ્વયંભૂ સંત પોતે ઈટા, આગ્રા, મૈનપુરી, શાહજહાંપુર, હાથરસ સહિતના ઘણા જિલ્લાઓમાં પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત પશ્ચિમ યુપીને અડીને આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં તેમના મેળાવડા યોજાય છે.

સ્વયંભૂ બાબાના મોટા ભાગના ભક્તો ગરીબ વર્ગના છે, તેમાંથી મોટાભાગના જાટવ-વાલ્મિકી અને અન્ય પછાત જાતિઓમાંથી આવે છે અને તેમની સંખ્યા લાખોમાં છે.

જે પણ ભોલે બાબાના સત્સંગમાં જાય છે તેને પ્રસાદ તરીકે પીવા માટે પાણી આપવામાં આવે છે. બાબાના અનુયાયીઓનું માનવું છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થાય છે. ઘણાં લોકો તેને ભરીને લઈ જાય છે. બહાદુર નગરી ગામમાં સ્થિત તેમના આશ્રમમાં બાબાનો દરબાર પણ ભરાય છે. આશ્રમની બહાર એક હેન્ડપંપ પણ છે, દરબાર વખતે આ હેન્ડપંપ પરથી પાણી પીવા માટે કતારો લાગે છે.

જ્યાં પણ સ્વઘોષિત સંત નારાયણ સાકાર વિશ્વ હરિનો સત્સંગ યોજાય છે, ત્યાં ગુલાબી વસ્ત્રોમાં તેમના સેવકો તેની ૫૦૦ મીટરની અંદર રસ્તાઓ પર વ્યવસ્થા સંભાળે છે. આ ઉપરાંત તેમના સેવાદાર શહેરની અંદર સુધી પણ હાજર રહીને સત્સંગીઓને સ્થળ પર પહોચવા માર્ગદર્શન આપે છે.આ સેવાદારો ટ્રાફિક વ્યવસ્થાના સંચાલનમાં મદદ કરવા સાથે મેળાવડામાં આવતા અનુયાયીઓને કાર્યક્રમના સ્થળ વિશેની માહિતી પણ આપે છે. સમગ્ર રૂટમાં ડ્રમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

નારાયણ સાકાર હરિનો દરબાર ભરાય છે ત્યારે આ ઢોંગી બાબા સફેદ કપડાં પહેરે છે. તેમની પત્ની પણ તેમની સાથે સ્ટેજ પર બેસે છે, જેને દેવી લક્ષ્મી કહેવામાં આવે છે. તેઓ તેમના ઉપદેશોમાં કહે છે કે તેઓ સાકાર વિશ્વ હરિના ચોકીદાર તરીકે કામ કરે છે. બાબાનો દાવો છે કે, તેમના સેવકોમાં પણ ભગવાનનો અંશ છે અને તેમના આશ્રયમાં આવનારા દરેક વ્યક્તિનું કલ્યાણ થાય છે.

ઢોંગી બાબાએ પોતાની લીલા જે રીતે વિસ્તારી છે, તે જોતા નેતાઓની મતની લાલચ તરત જાગી જાય છે સ્વાભાવિક છે. એટલે જ નારાયણ સાકાર હરિના દરબારમાં મોટા નેતાઓ પણ પાય લાગતા આવવા લાગ્યા છે.

આ પણ વાંચો: હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.