લતા મંગેશકરે ડૉ.આંબેડકરનું એક પણ ગીત કેમ ન ગાયું?
બે દિવસ પછી લતા મંગેશકરનો જન્મદિવસ આવશે. આજે ભલે તેઓ જીવીત નથી, પરંતુ આ સવાલ કાયમ આ દેશના બહુજનોને ખટકે છે. જાણો શું છે તેની પાછળનું કારણ.
બે દિવસ પછી કોકિલકંઠી કહેવાતા લતા મંગેશકરનો જન્મદિવસ છે. તેમણે ગાયેલા ગીતોને કારણે આજે પણ લોકો તેમને યાદ કરે છે. પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં જે રીતે મહારાષ્ટ્રથી લઈને દેશભરમાં ડૉ. આંબેડકરના ગીતો લોકપ્રિયતાની નવી ઊંચાઈ હાંસિલ કરી રહ્યાં છે ત્યારે બહુજન સમાજને એક પ્રશ્ન લાંબા સમયથી સતાવી રહ્યો છે કે, લતાજીએ ડૉ. આંબેડકરનું એકપણ ગીત કેમ ન ગાયું? ચાલો આ સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ.
લતા મંગેશકર એક પાર્શ્વ ગાયિકા અને સંગીતકાર પણ હતા. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ભારતના સૌથી લોકપ્રિય અને આદરણીય ગાયિકા પૈકીના એક હતા, જેમની છ દાયકાની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી હતી. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં ફિલ્મો અને નોન ફિલ્મો ગીતો ગાયા છે. છ દાયકાની કારકિર્દીમાં તેમણે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ફિલ્મી ગીતો ગાયા છે. તેમના ગીતો અને અવાજ નેપાળના લોકોને એક કરનાર તત્વોમાંનું એક હતું. ભારતીય સંગીતમાં તેમના યોગદાનને કારણે તેમને ક્વિન ઓફ મેલોડી અને વોઈસ ઓફ ધ મિલેનિયમનું બિરુદ્દ આપવામાં આવ્યું હતું. લતા મંગેશકર ભારતના સૌથી લોકપ્રિય ગાયિકા હતા અને તેમણે પોતાની ગાયિકીથી કાયમ ગૌરવ અપાવ્યું છે. ભારતની આ કોકિલાએ 6 ફેબ્રુઆરી 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું.
લતાજીએ 6550 ગીતો ગાયા પણ બાબાસાહેબ પર એક ગીત નહીં
લતા મંગેશકર તેમના સમગ્ર જીવનમાં કુલ 6550 ગીતો ગાયા છે. 'લતા સમગ્ર' નામના એક પુસ્તકમાં તેમણે વર્ષ 2014 સુધી ગાયેલા ગીતોની યાદી છે. આ પુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે લતા મંગેશકરે જે ગીતો ગાયા તેમાં હિન્દી ફિલ્મી ગીતો 5328, નોન ફિલ્મી ગીતો 198, રિલીઝ ન થયેલા ગીતો 127, મરાઠી 405, બંગાળી 206, સંસ્કૃત 24, ગુજરાતી 48, પંજાબી 69 અન્યએ ગાયેલા ગીતોના 38 સંસ્કરણ અને 48 અન્ય ગીતો સામેલ છે.
લતા મંગેશકરે તેમની કારકિર્દીમાં લગભગ તમામ વિષયો પર ગીતો ગાયા હતા. ભાષાઓ પર મજબૂત પકડ હોવાને કારણે તેમણે અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા, પરંતુ શું તમે જાણો છો કે લતા મંગેશકરે પોતાની આખી કારકિર્દીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે એક પણ ગીત ગાયું નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે એક પણ ગીત કેમ ન ગાયું? તમારા મગજમાં આ વિચાર ભાગ્યે જ આવ્યો હશે. જો તમે આ વિશે ક્યારેય વિચાર્યું છે, તો ચાલો જાણીએ કે આખરે લતા મંગેશકરે ડો. આંબેડકરનું એક પણ ગીત કેમ ન ગાયું.
લતાજી ડો. આંબેડકરને રૂબરૂ મળી ચૂક્યા હતા
મિત્રો વર્ષ 2020માં ડો. બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મજયંતિ હતી ત્યારે લતા મંગેશકરે તેમને યાદ કર્યા હતા. તેમણે એ પળોને પણ યાદ કરી હતી જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે તેમને મળ્યા હતા. તેમના આ નિવેદન પરથી આપણને ખ્યાલ આવે છે કે, લતાજી બાબાસાહેબને રૂબરૂ મળી ચૂક્યા હતા. બાબાસાહેબની 129મી જન્મજયંતિ પર લતાજીએ મહાનાયક આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, "હું ભારતના મહામાનવ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને પ્રત્યક્ષ રૂપે મળી ચૂકી છું અને મારું એ સદભાગ્ય છે કે મેં એમને મારી સગી આંખે જોયા છે."
એવું પણ કહેવાય છે કે, લતાજી ડો. આંબેડકરનો ખૂબ જ આદર કરતા હતા. જો કે, એ પછી સવાલ એ ઉભો થાય છે કે, તેઓ બાબાસાહેબને મળી ચૂક્યા હતા અને તેમનું સન્માન પણ કરતા હતા, તો પછી એવું ક્યું કારણ હતું જેના કારણે તેમણે ડો. આંબેડકર પર એકપણ ગીત ન ગાયું?
વામન દાદા લતાજી પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા
જો આપણે ઈતિહાસમાં જઈને જોઈએ તો એક એવી વ્યક્તિ પણ મળી આવે છે, જે ઈચ્છતી હતી કે લતા મંગેશકર ડો. આંબેડકર પર એક ગીત ચોક્કસ ગાય. તે વ્યક્તિનું નામ હતું વામન દાદા. તેઓ એક મરાઠી કવિ અને ડો. આંબેડકરના આંદોલનના કાર્યકર હતા. વામન દાદાએ પોતાના સશક્ત અવાજ અને પ્રભાવશાળી લેખન થકી ડો. આંબેડકરના વિચારોને મહારાષ્ટ્રના ગામેગામ અને છેવાડાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. તેઓ એમ માનતા હતા કે લતાજીએ ડો. આંબેડકર પર એક ગીત તો ચોક્કસ ગાવું જોઈએ. આમ વિચારીને તેઓ લતાજીના ઘરે ગયા અને તેમની સમક્ષ આ પ્રસ્તાવ પણ મૂક્યો. પણ લતાજીએ તેમના પ્રસ્તાવને બહુ ગંભીરતાથી ન લીધો. વામન દાદાને તેમણે જમાડ્યા, બીજી આડીઅવળી વાતો કરી પણ તેમનું ધ્યાન ન તો વામન દાદાના ડો. આંબેડકર પરનું ગીત ગાવાના પ્રસ્તાવ પર ગયું, ન તેમણે એ ઓફર પર તેમણે કોઈ નિવેદન કર્યું.
તમે માત્ર મૂર્તિઓ માટે જ ગાવ, માણસ માટે નહીં...
વામન દાદા સિવાય બીજી પણ એક વ્યક્તિ હતી જે લતાજી પાસે ડો. આંબેડકરનું ગીત ગવડાવવા માંગતી હતી, પરંતુ એ વ્યક્તિને પણ છેલ્લે નિરાશા જ હાથ લાગી હતી. એ પછી લોકોના મનમાં ખાસ કરીને બહુજન સમાજમાં, લતાજી પ્રત્યે ભારે ગુસ્સો અને નારાજગી જોવા મળી હતી. એક જાણીતા કવિ રવિચંદ્રન હરિશંકરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, તમે માત્ર મૂર્તિઓ માટે ગીતો ગાવ, માણસ માટે નહીં. જો કે, એ પછી પણ સ્પષ્ટ રીતે એ સવાલનો જવાબ નહોતો મળતો કે આખરે લતાજીએ શા માટે ડો. આંબેડકર પર ગીત નહોતું ગાયું.
લતાજી અને ડો. આંબેડકર વચ્ચે વિચારધારાના પ્રશ્નો નડ્યાં?
અમુક લોકોનું કહેવું છે કે, લતા મંગેશકર બ્રાહ્મણવાદનો શિકાર થયેલા હતા અને ડો. આંબેડકર બ્રાહ્મણવાદના વિરોધી હતા. તેનું જ કારણ છે કે, તેમણે બાબાસાહેબ પર એકપણ ગીત નહોતું ગાયું.
આ પણ વાંચો: A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ
જો કે અમુક લોકોનું કહેવું છે કે, લતાજી ડો. આંબેડકર માટે ગીત ગાવા ઈચ્છતા હતા પણ તેમને એ તક આપવામાં નહોતી આવી. આ મામલે ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને કોઈએ સવાલ કર્યો કે લતાજી શા માટે બાબાસાહેબ પર એકપણ ગીત નથી ગાયું. તો તેમણે કહ્યું કે, "દરેકના પોતાના કામને લઈને ચોક્કસ સિદ્ધાંતો હોય છે. લતાજીના પણ અમુક સિદ્ધાંતો હશે. જે રીતે તેમણે બાબાસાહેબ વિશે નથી ગાયું, તેમ તેમણે ગાંધી, સરદાર કે નહેરૂના ગીતો પણ નથી ગાયા."
મહાનાયક આંબેડકરના ગીતો, ભજનો ભારે લોકપ્રિય છે
બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે, તેઓ સમાજ સુધારક, અર્થશાસ્ત્રના જિનિયસ, રાજનીતિજ્ઞ હતા. દલિતો, પછાતો માટે તેણે આજીવન સંઘર્ષ કર્યો હતો. ભારતીય સમાજમાં ન્યાય અને સમતા માટે તેમણે જીવન ખર્ચી દીધું હતું. તેમના કાર્યોને ન માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત છે. તેમના સંશોધનો, થિયરી અને લખાણોએ વૈશ્વિક સ્તરે આગવો પ્રભાવ પાડ્યો હતો. તેમના આદર્શો અને પાઠોને જનજન સુધી પહોંચાડવા માટે અનેક ગીતો, ભજનો બનાવવામાં આવ્યા છે. આ ગીતો ભારતીય સમાજના વિભિન્ન વર્ગોમાં ભારે લોકપ્રિય છે અને તેમનો સંદેશો ફેલાવવામાં ભારે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
બાબાસાહેબના ગીતો જાગૃતિ અને એકતાનો સંદેશ આપે છે
ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોનો સમાવેશ કર્યો હતો અને સમાજના તમામ વર્ગોના સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા હતા. તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે દલિતોને અનામતની વ્યવસ્થા કરાવી અને સામાજિક ન્યાયની સ્થાપના માટે અનેક મહત્વના પગલાં ઉઠાવ્યા. તેમના જીવન અને કાર્યોને સન્માનિત કરવા માટે ઘણાં ગીતો અને ભજનો બનાવવામાં આવ્યા છે. આ ગીતો ન માત્ર તેમના સંદેશા અને શિક્ષાઓનો પ્રસાર કરે છે. પરંતુ સમાજમાં જાગૃતિ અને એકતાનો સંદેશો પણ આપે છે.
બહુજન સમાજમાં ડો. આંબેડકરના ગીતો, ભજનો ભારે લોકપ્રિય
આ ગીતોમાં તેમની સંઘર્ષભરી યાત્રા, સમાજ સુધારણામાં તેમનું યોગદાન અને તેમના આદર્શોને ગીતો અને ભજનો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ડો. આંબેડકરના ભજનો અને ગીતો ભારતીય સમાજમાં ભારે લોકપ્રિય છે અને તેમના ઉપદેશો અને આદર્શોને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે તે કહેવું યોગ્ય નથી કે આ ગીતો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે, પરંતુ તેની લોકપ્રિયતા મુખ્યત્વે ભારતીય સમાજ અને ખાસ કરીને દલિત સમાજમાં વધુ છે. આ ગીતો દ્વારા સમાજમાં જાગૃતિ, એકતા અને સમાનતાનો સંદેશો પ્રસારિત કરવામાં આવે છે.
આ પણ વાંચો: એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Natubhai Parmarઆખો લેખ વાંચ્યો. કંઈ ખાસ ઉલ્લેખનીય કે વાંચવાલાયક નથી. લતાએ એકાદ ગીત ગાયુંય હોત તો એથી બાબાસાહેબની મહત્તા કે વિરાટતાને શું ફરક પડતો ?