એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં

ભારતીય ફિલ્મ સંગીતના મુગલ-એ-આઝમની જેમને ઉપમા મળી છે મહાન સંગીતકાર નૌશાદની આજે પુણ્યતિથિ છે ત્યારે અહીં તેમના સંગીત જીવનનો એક પ્રસંગ યાદ કરીએ.

એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં

હિન્દી ફિલ્મોને શાસ્ત્રીય સંગીતનો પરિચય આપનાર સંગીતકાર નૌશાદ અલીની આજે પુણ્યતિથિ છે. ભારતીય સિનેમાને સમૃદ્ધ કરનાર સંગીતકારોની કમી નથી પરંતુ નૌશાદ અલીનું સંગીત અલગ હતું. તેમણે ફિલ્મોની સંખ્યા કરતાં સંગીતને વધુ પસંદ કર્યું. કદાચ એટલે જ તેમનું સંગીત આજે પણ લોકોના હોઠો પર છે.

નૌશાદનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૧૯ના રોજ લખનૌમાં મુનશી વાહિદ અલીના ઘરે થયો હતો. તેમણે લખનૌમાં જ અભ્યાસ કર્યો. નગરની સંસ્કૃતિ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલી હોવાથી તેઓ સંગીતના પણ શોખીન બન્યા હતા. આ પછી નૌશાદે ઉસ્તાદ ગુરબત અલી, ઉસ્તાદ યુસુફ અલી, ઉસ્તાદ બબ્બન સાહેબ પાસેથી ભારતીય સંગીતની તાલીમ મેળવી.

આ પણ વાંચો: મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...

નૌશાદ સાહેબને બાળપણથી જ ફિલ્મો જોવાનો અને સંગીત સાંભળવાનો શોખ હતો. એવું કહેવાય છે કે નૌશાદ સાહેબનો ફિલ્મો તરફનો ઝુકાવ જોઈને તેમના પિતાએ એક વખત તેમને ઠપકો આપ્યો અને તેમને ઘર કે સંગીતમાંથી એક પસંદ કરવાનું કહ્યું હતું.

થોડા સમય પછી એક નાટક કંપની લખનૌ આવી અને નૌશાદે તેમના પિતાશ્રીને કહ્યું કે તમારું ઘર તમને મુબારક, મને મારું સંગીત જોઈએ છે. અને આમ તે નાટક મંડળીનો ભાગ બનીને નૌશાદે એક નગરથી બીજા નગરમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. નૌશાદ લખનૌમાં સંગીતનાં સાધનોની દુકાનમાં કામ કરતા હતા, જ્યાં એકવાર તેમના માલિકે તેને હાર્મોનિયમ વગાડતા જોયા તો તેમને સખત ઠપકો આપ્યો. પાછળથી માલિકને ખબર પડી કે નૌશાદે ખૂબ જ સુંદર ધૂન રચી છે. એ પછી તેમણે નૌશાદને સંગીતનાં સાધનો ભેટમાં આપ્યાં.

આ પણ વાંચો: તેમણે મુઘલે આઝમમાં એક ગીત ગાવાના 25 હજાર માંગેલા અને મળ્યાં હતા!

નૌશાદ સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મુંબઈ જવા માગતા હતા. એક મિત્ર પાસેથી ઉધાર લઈને નૌશાદ ૧૯૩૭માં ૧૯ વર્ષની ઉંમરે મુંબઈ પહોંચી ગયા, પરંતુ શરૂઆતમાં તેમને ત્યાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલા સુધી કે તેમણે ઘણી રાતો ફૂટપાથ પર સૂઈને વિતાવવી પડી. નૌશાદે સૌપ્રથમ તે સમયના પ્રખ્યાત સંગીત નિર્દેશક ઉસ્તાદ ઝંડેખાનનો સંપર્ક કર્યો અને સહાયક બન્યા. તે સમયે નૌશાદને મહિને ૪૦ રૂપિયા મળતા હતા. ત્યાર પછી ૧૯૪૦ માં નૌશાદ અલીએ ફિલ્મ 'પ્રેમ નગર' થી સંગીત નિર્દેશનની શરૂઆત કરી અને ૧૯૪૪માં આવેલી ફિલ્મ ‘રતન’ ના ગીતોમાં ઉત્તમ સંગીત આપીને સફળતાના પ્રથમ પગથિયાં પર પગ મૂક્યો. એવું કહેવાય છે કે 'રતન'માં તેમના રચિત ગીત 'અંખિયાં મિલા કે જિયા ભરમા કે ચલે નહીં જાના'ની સફળતા પછી, નૌશાદે ૨૫,૦૦૦ રૂપિયાનો પગાર લેવાનું શરૂ કર્યું.

જે જમાનામાં નૌશાદ અલીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી એ જમાનામાં ટેક્નોલોજી વિના સંગીત આપવામાં આવતું હતું. તે સમયે પણ નૌશાદે એક એકથી ચડિયાતા સાઉન્ડ ઈફેક્ટનો ઉપયોગ કર્યો હતો અને તે પણ ટેક્નોલોજી વગર. 'મુગલ-એ-આઝમ'માં 'પ્યાર કિયા તો ડરના ક્યા' ગીતમાં ઇકો ઇફેક્ટ લાવવા માટે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રહીને ગાવાનું કહ્યું. એટલું જ નહીં, ફિલ્મ સંગીતમાં એકોર્ડિયનનો ઉપયોગ કરનાર પણ નૌશાદ પ્રથમ હતા.

આ પણ વાંચો: મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...

સંગીત સમ્રાટ નૌશાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સંગીતકાર બન્યા, જેમને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નૌશાદને ૧૯૫૩ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જો કે તેના પછી તેમને ફરીથી ક્યારેય ફિલ્મફેર એવોર્ડ મળ્યો ન હતો. નૌશાદ અલીને ૧૯૮૧માં ભારતીય સિનેમામાં સંગીતના સુર પરોવવા બદલ 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૨માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નૌશાદ એક કવિ પણ હતા અને તેમણે 'આઠવાં સુર' નામની ઉર્દૂ કવિતાઓનું પુસ્તક લખ્યું હતું. ૫ મે ૨૦૦૬ના રોજ તેમનું અવસાન થયું.

અનુવાદ - હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો: A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.