‘Al Jazeera તરફથી હું વાએલ અલ-દાહદૌહ...’ Gazaમાં પત્રકાર રિપોર્ટિંગમાં વ્યસ્ત રહ્યાં, બીજી તરફ આખો પરિવાર ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યો!
પત્રકારત્વ શા માટે જોખમી વ્યવસાય માનવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ હાલમાં જ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ દરમિયાન સામે આવ્યું. જ્યાં પોતાના રિપોર્ટિંગ માટે વિખ્યાત ન્યૂઝ ચેનલ al Jazeeraના ગાઝાના બ્યૂરો ચીફ વાએલ અલ દાહદૌહ યુદ્ધમાં કેટલાં લોકો માર્યા ગયા છે તેનો રિપોર્ટ આપી રહ્યા હતા ત્યારે જ તેમનો પરિવાર ઈઝરાયલ દ્વારા ફેંકવામાં આવેલા રોકેટનો શિકાર બનીને મોતને ભેટી રહ્યો હતો. અત્યંત હૃદયદ્રાવક આ ઘટનામાં Gazaમાં al Jazeera Arabicના બ્યુરો ચીફ વાએલ અલ દાહદૌહની પત્ની, પુત્ર, પુત્રી અને પૌત્ર ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો
વાએલ દાહદોહ પોતે ઘટના સમયે યરમૌકથી આવી જ ઘટના અંગે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ઇઝરાયેલના હુમલા સમયે યરમૌક પર ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ દાહદોહને ખુદને ખબર ન હતી કે તેમનો પોતાનો પરિવાર નુસીરત રેફ્યુજી કેમ્પમાં માર્યો ગયો છે. અલ જઝીરા આ ઘટના માટે ઊંડો ખેદ અને નિંદા કરે છે અને પત્રકારત્વના ઉચ્ચ આદર્શો પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં એ યાદ રાખવું રહ્યું કે ગાઝામાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે લોકો આજે પણ al Jazeera પર સૌથી વધુ વિશ્વાસ રાખે છે.
Al Jazeera દ્વારા જારી કરવામાં આવેલા ફૂટેજમાં દાહદૌહ તેમની મૃત પત્ની, પુત્ર અને પુત્રીને શબગૃહમાં જોવા માટે અલ અક્સા હોસ્પિટલમાં જતા દેખાય છે. તે તેમના 15 વર્ષના પુત્ર મહમૂદના ચહેરાને સ્પર્શ કરવા માટે નીચે નમે છે, જે તેના પિતાની જેમ પત્રકાર બનવા માંગતો હતો. ફૂટેજમાં દાહદૌહ તેમની સાત વર્ષની પુત્રી શામના, જેનો મૃતદેહ કફનથી ઢંકાયેલો છે, તેના લોહીના ડાઘવાળા ચહેરાને જોતા તે તેની સાથે વાત કરી કરે છે ત્યારે જોનારની આંખો પણ ભીની થઈ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થયો હતો.
હોસ્પિટલથી બહાર નીકળતી વખતે દાહદૌહે al Jazeeraને કહ્યું – “જે થયું તે સ્પષ્ટ છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ દુ:ખદ સમાચાર આવ્યા ત્યારે હું આવા જ એક હુમલા વિશે યરમૌકથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો. અમને પહેલેથી જ શંકા હતી કે ઇઝરાયેલ આ લોકોને સજા કર્યા વિના જવા દેશે નહીં. અને દુર્ભાગ્યે, તેવું જ થયું.”
al Jazeera મીડિયા નેટવર્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઈઝરાયેલી સૈન્યના અંધાધૂંધ હુમલાના પરિણામે દાહદોહની પત્ની, પુત્ર અને પુત્રીનું દુઃખદ મૃત્યુ થયું છે, જ્યારે તેનો બાકીનો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો છે. નુસિરતમાં તેમનું ઘર બરબાદ થઈ ગયું છે. અલ જઝીરા ગાઝામાં તેના સાથીદારોની સલામતી વિશે ખૂબ ચિંતિત છે અને તેમની સલામતી માટે ઇઝરાયેલી અધિકારીઓને જવાબદાર ગણે છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવા અને નાગરિકો પરના આ હુમલાઓને રોકવા વિનંતી કરીએ છીએ. જેથી નિર્દોષ લોકોના જીવનનું રક્ષણ થાય."
ગાઝાથી અલ જઝીરાના રિપોર્ટર યુમના એલ્સાયદે કહ્યું: “વાએલના પરિવાર વિશે રિપોર્ટિંગ કરવું અને તેઓ કેટલા ભાંગી ચૂક્યા છે તે જોવું હૃદયદ્રાવક છે. આટલા દુ:ખ વચ્ચે પણ તે પરિવારના દરેકને શાંત રાખે છે. તે અમારી સાથે બ્યુરો ચીફની જેમ નહીં પણ મોટા ભાઈની જેમ વાત કરે છે. તેમણે ગાઝા શહેર છોડ્યું ન હતું. તમામ ધમકીઓ અને ચેતવણીઓ છતાં, તે રોકાયો અને સતત 19 દિવસ સુધી રિપોર્ટિંગ કરી રહ્યા હતા."
Al Jazeeraમાં કામ કરતા દહદૌહના સાથીઓએ તેમનો સંપૂર્ણ ટેકો અને સહકાર વ્યક્ત કર્યો છે. Al Jazeeraના અરેબિક એન્કર ટેમર અલ મિશાલે કહ્યું કે દાહદૌહના પરિવારના સભ્યોની હત્યા પેલેસ્ટિનિયન પત્રકારોને નિશાન બનાવવાનો એક ભાગ છે. દહદૌહ ગાઝા પટ્ટીના લોકોનો અવાજ છે તેથી તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેઓ પત્રકારત્વની દુનિયા અને ગાઝામાં એક આધારસ્તંભ છે. તેમણે ગાઝા પર ઇઝરાયેલના હુમલાઓ, યુદ્ધો, પત્રકારોને નિશાન બનાવવાની ઘટનાઓ અને વર્ષોથી મહિલાઓ અને બાળકોની હત્યાને કવર કર્યા છે.
યુદ્ધમાં 24 પત્રકારો માર્યા ગયા
Committee to Protect Journalist (CPJ)ના જણાવ્યા પ્રમાણે મરનાર 24 પત્રકારોમાં 20 પેલેસ્ટાઈનના, 3 ઈઝરાયલના અને 1 લેબનોનના હતા. આ સિવાય ઓછામાં ઓછા 8 પત્રકારો ઘાયલ થયા છે, જ્યારે 3 ગુમ છે. સીપીજેનું કહેવું છે કે, પત્રકારો સંકટ સમયે મહત્વપૂર્ણ કામ કરનારા નાગરિકો છે અને તેમને યુદ્ધમાં નિશાન ન બનાવવા જોઈએ. દુનિયાભરમાં લાખો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારો વિશે સટીક જાણકારી માટે તે વિસ્તારના પત્રકારો પર વિશ્વાસ કરતા હોય છે. ત્યારે અન્ય નાગરિકોની જેમ પત્રકારોનું પણ સમ્માન અને સુરક્ષા કરવી જોઈએ.