આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે 

આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે 

બહુજન સમાજની વર્ષોની માંગ રહી છે કે ભારતના પ્રથમ શિક્ષક દંપતિ મહામાનવ જ્યોતિબા ફૂલે અને સાવિત્રી ફૂલે દ્વારા શરૂ કરવામાં આવેલી દેશની કન્યાશાળાને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવે. આખરે આ માંગ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે વર્ષ 1848માં પૂણેના ભીડેવાડા વિસ્તારમાં માતા સાવિત્રીબાઈ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવેલી દેશની પ્રથમ કન્યાશાળાને રક્ષિત સ્મારક ગણી તેને રાષ્ટ્રીય વારસો જાહેર કરાશે. આઝાદી પહેલાં ભારતમાં આ શાળામાં દેશની દીકરીઓને શિક્ષણ મેળવવાનો પ્રથમ અધિકાર મળ્યો હતો. અગાઉ તે ગુપ્ત રીતે શરૂ થઈ હતી. ધીમે ધીમે આ શાળામાં 9 વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવવા લાગી. પ્રથમ વિરોધ છોકરીઓના શિક્ષણને લઈને શરૂ થયો. પણ પાછળથી બધાને તેની કિંમત સમજાઈ હતી. એક વર્ષમાં આ શાળાની પાંચ શાખાઓ પણ ખોલવામાં આવી હતી. હવે આ શાળા રાષ્ટ્રીય વારસામાં ફેરવાશે ત્યારે જાણીએ એનો ઇતિહાસ.

 કોણે શરૂ કરી હતી શાળા?

સાવિત્રીબાઈ ફુલેએ તેમના પતિ મહાત્મા જ્યોતિબા ફુલે સાથે મળીને 1848માં મહારાષ્ટ્ર રાજ્યમાં પુણેના ભીડેવાડી વિસ્તારમાં વિવિધ જાતિની 9 વિદ્યાર્થીનીઓ માટે આ શાળાની સ્થાપના કરી હતી. આ પછી, માત્ર એક વર્ષમાં સાવિત્રીબાઈ અને મહાત્મા ફુલે 5 નવી શાળાઓ ખોલવામાં સફળ થયા. પુણેમાં પ્રથમ શાળા ખોલ્યા પછી, ફૂલે દંપતીએ 1851માં પુણેના રસ્તા પેઠમાં બીજી કન્યા શાળા અને 15 માર્ચ 1852ના રોજ બટાલ પેઠમાં ત્રીજી કન્યા શાળા ખોલી. તેમના દ્વારા રચાયેલી 'સત્યશોધન સમાજ' નામની સંસ્થાએ 1876 અને 1879ના દુષ્કાળ દરમિયાન અન્ન સત્રો યોજ્યા અને અનાજ એકઠું કર્યું અને આશ્રમમાં રહેતા 2000 બાળકોને ખવડાવવાની વ્યવસ્થા કરી હતી.

 માતા સાવિત્રીબાઈએ દેશની કન્યાઓ માટે ઘણું સહન કરવું પડ્યું હતું

 19મી સદીમાં સમાજમાં અસ્પૃશ્યતા, સતી પ્રથા, બાળલગ્ન અને વિધવા પુનઃવિવાહ જેવા દુષણો પ્રચલિત હતા. સાવિત્રીબાઈનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. દલિત મહિલાઓના ઉત્થાન માટે કામ કરવા અને અસ્પૃશ્યતા સામે અવાજ ઉઠાવવાને કારણે તેમને મોટા વર્ગના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેઓ શાળાએ જતા ત્યારે વિરોધીઓ તેમના પર પથ્થરમારો કરતા હતા. તેમના પર ઘણી વખત ધૂળ ફેંકવામાં આવતી હતી. સાવિત્રીબાઈ બેગમાં સાડી લઈને જતા અને શાળાએ પહોંચ્યા પછી ગંદી સાડી બદલી નાખતા. 160 વર્ષ પહેલાં જ્યારે કન્યા શિક્ષણને અભિશાપ માનવામાં આવતું હતું, ત્યારે તેમણે મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં પ્રથમ કન્યા શાળા ખોલીને સમગ્ર દેશમાં એક નવી પહેલ શરૂ કરી હતી. આ શાળા માતા સાવિત્રીબાઈ ફલે દ્વારા 1 જાન્યુઆરી 1848ના રોજ તેમના 17મા જન્મદિવસના બે દિવસ પહેલા ખોલવામાં આવી હતી.

કન્યાશિક્ષણના ઘોર વિરોધી મનુવાદીઓ પથ્થરો, છાણ ફેંકતા

માતા સાવિત્રીબાઈ ફૂલે અભણ હતા અને જ્યોતિબાએ તેમને શિક્ષણ આપવાની જવાબદારી પોતે લીધી હતી. 17 વર્ષની ઉંમર સુધીમાં તેમણે અન્ય લોકોને શીખવવા માટે પૂરતી સાક્ષરતા મેળવી લીધી હતી. જો કે, તેઓ જે કરવા જઈ રહ્યા હતા એ કાર્ય પડકારજનક હતું. 1 જાન્યુઆરી, 1848ના રોજ 17મા જન્મદિવસના માત્ર બે દિવસ પહેલા, તેમણે છોકરીઓ માટે પ્રથમ શાળા ખોલી. જો કે આજે આ એક સામાન્ય ઘટના ગણાય પણ એ સમયે એનો ભારે વિરોધ થયો હતો. સાવિત્રીબાઈ ફુલેને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો, પથ્થરો અને ગાયના છાણથી હુમલો કરવામાં આવ્યો. તેમ છતાં આ મક્કમ દંપતીને કોઈ તેમના મિશનથી રોકી શક્યું નહીં. તેમણે આવી વધુ શાળાઓની સ્થાપના કરી અને 1851 સુધીમાં તેઓ પુણેમાં 150થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા હતા.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.