અમદાવાદમાં 14 વર્ષ પહેલાં થયેલી દલિત કિશોરીની હત્યાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી

અમદાવાદમાં 14 વર્ષ પહેલાં થયેલી દલિત કિશોરીની હત્યાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી

અમદાવાદ શહેરના બાપુનગર ખાતે 14 વર્ષ પહેલાં ધો.1માં ભણતી અનુસૂચિત જાતિની 7 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ હજી પણ પોલીસ ઉકેલી શકી નથી. કેસને ફાઈલ કરીને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે. જેને લઈને આ મામલે ફરીથી તપાસ કરવા અને આરોપીની ધરપકડ કરીને સજા અપાવવા માગણી ઉઠાવવામાં આવી છે.

 શું બનાવ બન્યો હતો?

અનુસુચિત જાતિના રાજસ્થાનના વતની ને ગુજરાતમાં અમદાવાદ ખાતે છેલ્લા 25 વર્ષથી રહેતા ભોમાજી દેવજી મારવાડી હીરા ઘસવાનું કામ કરે છે. તા. 1/2/2009ના દિવસે બપોરે એ અને એમનાં પત્ની બંને ઘેરે હતા. ઘરની લાઈટ રીપેરીંગ કરતા હતા. એ સમય દરમ્યાન દીકરો અને દીકરી સંગીતા બહાર રમતા રમતા બરફનો ગોળો ખાવા માટે ખોડીયાર માતાજીના મંદિરના આગળના ભાગમાં આવેલા ચોકમાં ગયા હતા. ત્યાર બાદ દીકરો એકલો જ ઘેરે પરત ફર્યો અને દીકરી સંગીતા સાથે નહોતી. જેથી પિતાએ તેની પુછપરછ કરતા તેણે કહ્યું કે તે બરફ ખાવા માટે સાથે ગઈ હતી પણ પરત એની સાથે આવી નહિ. જેથી તાત્કાલિક ભોમાજી દીકરીની શોધ માટે દોડીને બરફગોળાની લારીવાળા પાસે ગયા. પોતાની લાડકી દીકરી વિશે પૂછતાછ કરી. તે લારીવાળાને કંઈ જ ખબર નહોતી. 

પોલીસે હડધૂત કરીને કાઢી મૂકેલા 

પિતા આમતેમ દીકરીને શોધવા લાગ્યા. ઘરના સભ્યોને જાણ કરતા તેઓ પણ દીકરીની શોધખોળ કરવામાં જોડાયા પણ મળી નહિ. એઓ બાપુનગર પોલીસ સ્ટેશને ગયા અને દીકરીની ફરિયાદ લેવા જણાવ્યું પણ પોલીસે હાલ દીકરીને જાતે શોધવાનું કહીને ફરિયાદ નોંધી નહિ. એમને ધુત્કારીને કાઢી મુકવામાં આવ્યા હતા. એઓ ફરીવાર પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ લેવા કહ્યું ત્યારે પોલીસ દ્વારા એમની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. છેવટે ગુમ થયાના બે દિવસ પછી સંગીતાની લાશ નિશાળના શૌચાલયમાંથી મળી ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં તા. 4/2/2009ના રોજ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

 તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ પણ પરિણામ શૂન્ય

બાપુનગર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.ની ધીમી તપાસના કારણે આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી. રાજ્ય માનવ અધિકાર આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ડીજીપી, સમાજ કલ્યાણમંત્રી, સેક્રેટરી, ડાયરેક્ટર સમાજ કલ્યાણ અને ગૃહમંત્રી, વગેરેને આ કેસમાં આરોપીઓને ઓળખીને અને ઘરપકડ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પણ આજ દિન સુધી 14 વર્ષમાં કોઈ જ પરિણામ આવ્યું નથી. 

 અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ આ કેસ અંગે કોર્ટમાં A સમરી ભરી દીધી છે. પોતાની વ્હાલસોયી દીકરીને મારનાર હજી સુધી પકડાયા નથી, સમાજમાં ઘૂમી રહ્યા છે અને પોતાનાને ન્યાય મળ્યો નથી તે બાબતનો વસવસો આજે પણ તેમના માતાપિતાને છે. આજે પણ ભોગ બનનાર પીડિત પરિવાર પોતાની વ્હાલસોયી દીકરીની હત્યા અંગે ન્યાય માટે ઝુરી રહ્યો છે. 

 આ અંગે રાજ્યના ડીજીપીને સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે પત્ર લખ્યો છે. જેમાં આ કેસની ફરીથી તપાસ આરંભવા અને આરોપીઓને પકડીને એમને સજા અપાવવાની માંગણી કરી છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.