જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની

ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવ લેવા જેવી એક ઘટના બની છે. જામનગરની વાલ્મિકી સમાજમાંથી આવતી એક દીકરી ઍર હોસ્ટેસ બની છે, આ પહેલી એવી ઘટના છે જેમાં વાલ્મિકી સમાજની દીકરીએ આ સિદ્ધી મેળવી હોય. કોણ છે આ દીકરી અને કેવી રીતે તેણે આ સિદ્ધી મેળવી, વાંચો આ રિપોર્ટમાં.

જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની
image credit - facebook.com

વાલ્મિકી સમાજ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે લાપસીના આંધણ મૂકવા જેવા સમાચાર આવ્યા છે. જામનગરની નેહા ચૌહાણ નામની દીકરીએ ઍર હોસ્ટેસ બનીને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. નેહા ગુજરાતમાંથી આ સિદ્ધી મેળવનાર વાલ્મિકી સમાજની પ્રથમ દીકરી છે. નેહાના પિતા હસમુખભાઈ ચૌહાણ જામનગરમાં ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા સુધાબહેન ડેન્ટલ વિભાગમાં નોકરી કરે છે. નેહાના પરિવારમાં તેના સિવાય બે બહેનો અને માતાપિતાનો સમાવેશ થાય છે. તેના પિતા હસમુખભાઈ માત્ર 9 ચોપડી ભણેલાં છે, પણ દીકરી નેહા ભણવામાં ખૂબ હોંશિયાર હોવાથી તેમણે દેવું કરીને પણ તેને ભણાવી છે, હવે તેમણે કરેલી મહેનત લેખે લાગી છે અને નેહાએ આજે માતાપિતાનું ઍર હોસ્ટેસ બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. નેહા હાલ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશલ ઍરપોર્ટ ખાતે ઍર ઈન્ડિયા

આ પણ વાંચો : દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી

કંપનીના વિમાનોમાં ઍર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે.

ખબરઅંતર.કોમ દ્વારા નેહાના પિતા હસમુખભાઈ ચૌહાણ સાથે દીકરીની આ સિદ્ધિને લઈને વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “નેહા નાનપણમાં જ્યારે વિમાનને આકાશમાં કે ઘર પરથી પસાર થતી જોતી ત્યારે રોમાંચિત થઈ ઉઠતી. તેનામાં સમજણ આવી ત્યારથી તે વિમાનમાં ફરવાની અને તેમાં કામ કરવાની કલ્પના કરતી હતી. તે ભણવામાં પહેલેથી હોંશિયાર હતી એટલે મને લાગ્યું કે તેનું સપનું સાકાર કરવા માટે જે પણ કરવું પડે તે કરવું. હું બહું ભણ્યો નથી, પણ દીકરીને તેના સપનાને સાકાર કરવા માટે જેટલી મોકળાશ આપી શકાય તેટલી આપવા મેં પ્રયત્ન કર્યો, તેના માટે દેવું કરીને પણ તેને ભણાવી છે. ઍર હોસ્ટેસનું એક પુસ્તક પાંચથી સાત હજાર રૂપિયાની કિંમતનું આવતું હતું. જે મેં પેટે પાટા બાંધીને તેને અપાવ્યા હતા. હવે લાગે છે મારી મહેનત એળે નથી ગઈ. નેહાએ અમારું નામ ઉજાળ્યું છે. ફક્ત અમારું જ નહીં, વાલ્મિકી સમાજની સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને તેણે નવી દિશા ચીંધી છે. આપણા સમાજમાં આજે પણ દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. તેમના સપનાઓ લગ્નના ચાર ફેરા સાથે જ ખતમ થઈ જાય છે. ત્યારે નેહા સમાજની અનેક દીકરીઓના સપનાને પાંખો આપવાનું કામ કરશે.”

ઉલ્લેખનીય છે કે, નેહાના પિતા હસમુખભાઈ ફક્ત નવમું ધોરણ ભણેલાં છે. તેમને દીકરીના ભણતર વિશે વધુ ખ્યાલ નથી, તેમ છતાં દીકરીની આંખોમાં રહેલા સપનાને તેમણે સાકાર કરવામાં થઈ શકે તેટલી મદદ કરી છે. હસમુખભાઈની એક પિતા તરીકેની ફરજમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજે ઘણું બધું શીખવા, સમજવા અને જીવનમાં ઉતારવા જેવું છે.

આ પણ વાંચો : વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.