ચડાસણામાં વરઘોડા પર હુમલો કરનારાઓને જામીન મળી ગયા, છીંડું ક્યાં રહી ગયું?

ગાંધીનગર જિલ્લાના ચડાસણા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો કરનાર જાતિવાદી તત્વોને જામીન મળી ગયા છે. આટલી ગંભીર અને છડેચોક બનેલી ઘટના છતાં કોર્ટે આરોપીઓને જામીન શા માટે આપ્યા, એફઆઈઆરમાં ક્યાં ચૂક થઈ, ક્યાં છીંડું રહી ગયું તેના વિશે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ વિસ્તારથી વાત કરે છે, જે દલિત સમાજ માટે કામ કરતા દરેક આગેવાનો, એક્ટિવિસ્ટો અને સામાજિક કાર્યકરોએ ગાંઠે બાંધી લેવા જેવી છે.

ચડાસણામાં વરઘોડા પર હુમલો કરનારાઓને જામીન મળી ગયા, છીંડું ક્યાં રહી ગયું?
image credit - Khabarantar.com

ગાંધીનગરની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે ચડાસણા ગામે ઘોડી પર બેઠેલા દલિત વરરાજા પર હુમલો કરવાની ઘટનામાં આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. ચડાસણાના આ બનાવ પછી સોશિયલ મીડિયામાં દલિત એક્ટિવિસ્ટો આગેવાનો અને જુદા-જુદા દલિત સંગઠનોનાં નેતાઓએ હોબાળો મચાવી દીધો હતો. કોઈએ એવી વાત લખેલ કે “હીજડાઓની જાનમાં ન જવાય પણ મરદની મૈયતમાં જવાય.” કોઈએ ખુલ્લી ધમકી આપેલી કે “અમુક તારીખે અમે તમારા ગામમાં વગર લગ્ને પચીસ ઘોડાનો પોલીસ પ્રોટેક્શન વગર વરઘોડો કાઢીશું થાય તે કરી લેજો.” અમુકે હેલીકૉપ્ટરમાં વરઘોડા કાઢવાની હાકલ કરી તો અમુકે વળી ગાંધીનગર એસપી કચેરીએ દલિત આગેવાનો સાથે ઘોડા પર બેસી વાજતે ગાજતે આવેદનપત્ર આપ્યું. કોર્ટે જામીન આપ્યા પછી તે હુકમ વિરુદ્ધ એસ.પી. એ હાઇકોર્ટમાં જામીન રદ કરવા અપીલ કરવી જોઈએ. પણ નહીં કરે. આ કોર્ટનાં હુકમ વિરુદ્ધ સરકાર તરફથી જે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર હાજર રહ્યા હોય તેણે કાયદા ખાતામાં કલેકટર અને એસ.પી. ના અભિપ્રાય સહિત અપીલ કરવાનો લેખિતમાં અભિપ્રાય આપવો જોઈએ. પણ નહીં આપે. માની લો કે સ્પેશ્યિલ પી.પી. એ અભિપ્રાય આપ્યો તો કાયદા ખાતું અપીલ કરવાનો નિર્ણય લેવાનું નથી.

આ પણ વાંચોઃ એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો

ગુજરાતભરમાં દલિતોના સંખ્યાબંધ વરઘોડાઓ પર હુમલા થયા. તમામ કેસોમાં આરોપીઓને જામીન મુક્ત કર્યાના દાખલા છે. આવા કોઈ કિસ્સામાં સરકારની આ મશીનરીઓએ જામીન રદ કરાવવા કોઈ પગલાં લીધાં નથી. હકીકતમાં આવા કિસ્સાઓમાં કમ સે કમ તપાસ ચાલુ હોય અને ચાર્જશીટ ન થાય ત્યાં સુધી તો જામીન ન જ મળવા જોઈએ.


સુપ્રીમ કોર્ટે જયાબેન વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં તા.10/01/2022 ના ચુકાદો જાહેર કરી નામદાર ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી આરોપીઓને ફરીથી જેલભેગા કરવાનો હુકમ કરી ગુજરાત સરકાર અને સરકાર ના હોય ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢેલ. સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્કનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમાં વ્યથિત પક્ષકાર તે સરકાર છે કે જે સમાજના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સરકારની ફરજ છે કે તે સમાજના હિતોની વિરૂદ્ધ કૃત્ય કરે તેને બૂક કરે.

આ પણ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન છે. આ કિસ્સામાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાઓના ન્યાયના વહિવટની બાબતમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો હોદો ખૂબ મહત્ત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો રોલ ક્રુશિયલ બની રહે છે. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/તેનું કાયદા ખાતુ અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન આવા કિસ્સાઓમાં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓમાં જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકારના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડીપાર્ટમેન્ટ અને કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ. ઈચ્છીએ કે સરકાર અને તેના આ સત્તાવાળાઓ આ કિસ્સામાં આરોપીઓના જામીન રદ કરવા તાત્કાલિક નિર્ણય લે.

આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?

સ્ટેટ ઓફ કર્ણાટક વિરુદ્ધ અપ્પા બાલુ ઈંગાલે અને બીજાઓના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જસ્ટિસ કે. રામાસ્વામીએ કાનૂની સિદ્ધાંત પ્રતિપાદિત કરેલ છે કે, “આ કાયદા નીચેના ગુનાઓ માટે ન્યાય કરતી વખતે ન્યાયધીશોએ બંધારણના આર્ટિકલ 17ના હેતુ અને ઉદેશને ધ્યાનમાં રાખવો જોઈએ. ન્યાયધીશો બંધારણના અને કાયદાના ગતિશીલ વિચારોનું અને તેનું અર્થઘટન કરવાની શક્તિથી સમયની જરૂરિયાતોને સમજીને સ્પષ્ટ કરી ઉદેશાત્મક અર્થઘટન કરશે.” આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દલિતો પરના આવા અત્યાચાર, અન્યાય કે આભડછેટના કેસોમાં ન્યાયધીશની ફરજો અંગે માર્ગદર્શન આપવા છતાં તેનું છડેચોક ઉલ્લંઘન થાય છે.

જામીન આપવા કે ન આપવા તે કોર્ટની વિવેકબુદ્ધિની સત્તાનો પ્રશ્ન છે. પરંતુ એટલીસ્ટ દલિત આગેવાનોએ જો ઘોડા પર બેસી આવેદનપત્ર આપવાની હિંમત કરી તો એસ.પી.એ ખરેખર આરોપીઓ વિરુદ્ધ હદપારીના અને PASAના કાગળિયા કરી જિલ્લા મેજિસ્ટ્રેટને અભિપ્રાય આપવા જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટે આવા આરોપીઓને હદપાર કરીને અથવા પાસા કરીને જેલમાં ધકેલી દાખલો બેસાડવો જોઈએ.

આ પણ વાંચોઃ બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે


એસસી. એસ.ટી. (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી) એક્ટની જોગવાઈઓ મુખ્યત્વે અત્યાચારો થતા અટકાવવાની છે. આ કાયદામાં અને તેની નીચેના નિયમોમાં સરકાર તેની જુદી જુદી મશીનરીઓ જેમકે ગૃહ ખાતા, કાયદા ખાતા, સમાજ કલ્યાણ ખાતાના સચિવો, નિયામકો, જિલ્લા સ્તરે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર, એસપી વગેરે દ્વારા નિવારક પગલાં લેવાની ફરજ અને જવાબદારી છે. અરુમુગમ સરવાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ તામિલનાડુના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કરેલ છે કે દલિતો વિરુદ્ધ આભડછેટ કે અત્યાચાર જેવા કિસ્સા નોંધાય તો તેવા કિસ્સામાં જે તે જિલ્લાના એસ.પી. અને જિલ્લા મેજિસ્ટ્રેટને સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની વિરુદ્ધ ફરજ અને જવાબદારી નિભાવવામાં નિષ્ફ્ળ ગયા છે તેમ માની ખાતાકીય પગલાં લઈ ખાતાકીય સજા કરવી જોઈએ.

(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)

આગળ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.