14 વર્ષ બાદ દલિત મહિલાને ન્યાય મળ્યો, 21 ને આજીવન કેદ

આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ. દરેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો.

14 વર્ષ બાદ દલિત મહિલાને ન્યાય મળ્યો, 21 ને આજીવન કેદ
image credit - Google images

જાતિવાદથી ગ્રસ્ત ભારત દેશમાં એટ્રોસિટીના કેસોમાં એકબાજુ કલેક્ટર કક્ષાની મહિલા અધિકારીઓ ખોટા કેસોના આરોપ લગાવે છે. બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, બહુ ઓછા કેસોમાં પીડિત દલિત પરિવારોને ન્યાય મળે છે. ઘણીવાર તો ન્યાય મળવામાં પેઢીઓ બદલાઈ જાય છે. આવા જ એક કેસમાં એક દલિત મહિલાને 14 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

મામલો કર્ણાટકનો છે. અહીં 28 જૂન 2010ના રોજ દલિત મહિલા દબા હોનમ્માની હત્યાના કેસમાં 14 વર્ષ બાદ 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ છે અને પ્રત્યેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ન્યાય મળતા સુધીમાં 27 આરોપીઓમાંથી 6ના મોત થયા છે.

મામલો શું હતો?

28 જૂન, 2010ના રોજ કર્ણાટકના તુમકુર જિલ્લાના ગોપાલપુર ગામમાં દબા હોનમ્મા નામની દલિત મહિલાની પથ્થર મારીને કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યા જાતિવાદના કારણે થઈ હતી. કેસની તપાસ કરી રહેલા ડીએસપી શિવરુદ્રસ્વામીએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હવે 14 વર્ષ બાદ જિલ્લા સેશન્સ કોર્ટે 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 19 પુરૂષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કોર્ટે દરેક આરોપીને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
27માંથી 6 આરોપીઓ મૃત્યુ પામ્યા

આ કેસમાં કુલ 27 આરોપી હતા, જેમાંથી 6ના મોત થયા છે. કોર્ટે બાકીના 21 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને તેમને દંડ પણ ફટકાર્યો છે. આ નિર્ણય દલિત સમુદાય માટે મોટી રાહત અને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કોર્ટનો આ ચૂકાદો જાતિવાદ અને ભેદભાવ સામે મજબૂત સંદેશો આપે છે.

ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં

આ નિર્ણયને લઈને ગોપાલપુર ગામમાં લોકોના અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. દલિત સમાજે આને ન્યાય અને બંધારણની જીત ગણાવી છે. તેમના મતે આ ચૂકાદો સમાજમાં સમાનતા અને ન્યાયની દિશામાં એક મોટું પગલું છે. જોકે કેટલાક સામાજિક કાર્યકરોએ તેને મોડેથી મળેલો ન્યાય ગણાવી ટીકા કરી હતી. તેમના મતે જાતિવાદ સામે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને એટ્રોસિટીના કેસોમાં ફરિયાદો લેવામાં આવતી નથી, ફરિયાદ બાદ ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય છે, તેના કારણે અનેક દલિતોને ન્યાય મળતો નથી. જો સમયસર ન્યાય મળે અને જાતિવાદી તત્વોને સજા પડે તો આવા લોકો માથું ઉચકતા બંધ થઈ જાય.

આરોપીઓ ચૂકાદાને પડકારશે

આ કેસમાં કેટલાક આરોપીઓ ચુકાદા સામે હાઈકોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યા છે, જેના કારણે કેસ વધુ ખેંચાશે. તેમ છતાં આગામી સમયમાં જાતિવાદ અને અસમાનતાના મામલામાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સ્થાનિક દલિતો રાખી રહ્યાં છે.

આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.