BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર

"તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે?" કહી આરોપીઓએ દલિત યુવક પર ફાયરિંગ કર્યું. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા.

BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર
image credit - Google images

યુપીની પેટાચૂંટણી બહુજન સમાજ પાર્ટી માટે પ્રચાર કરવા નીકળેલા એક દલિત યુવક પર કેટલાક યુવકોએ હુમલો કરી દીધો. આરોપીઓએ યુવક પર ફાયરિંગ કર્યું. જો કે ટોળું ગોળીનો અવાજ સાંભળીને એકઠું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કરહાલ વિસ્તારમાં બની છે. અહીં એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના 18 નવેમ્બરની સાંજે બની હતી, જ્યારે રાજપુર ગામના રિશુ જાટવે BSP માટે પ્રચાર કર્યો હતો. એ પછી રિશુ કોઈ કામ અર્થે ઘરેથી બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જૈન ઈન્ટર કોલેજ પાસે કેટલાક યુવકોએ તેને રોક્યો હતો. આરોપીઓમાં મનોજ યાદવ, વેદ સિંહ, માધૌ સિંહ, વિમલ કુમાર યાદવ, અજય યાદવ અને સુરજીત સિંહના નામ સામે આવ્યા છે. બધાંએ રિશુને ઘેરી લીધો અને જાતિ આધારિત અપશબ્દો બોલી, “તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે? કાલે જ અમે તને પ્રચાર કરતો જોયો હતો." કહી હુમલો કરી દીધો હતો.

રિશુએ વિરોધ કર્યો તો ફાયરિંગ કર્યું
જ્યારે રિશુએ આરોપીઓનો સામનો કરીને વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોના ટોળાંને જોઈને આરોપી રિશુને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલાથી ફરી એકવાર દલિતોની સલામતી અને દલિત રાજકારણનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

પોલીસમાં કેસ નોંધાયો, આરોપીઓની શોધખોળ ચાલું
બીએસપીના કાર્યકર રિશુ જાટવે આ મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે આરોપી મનોજ યાદવ, વેદ સિંહ, વિમલ યાદવ, અજય યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીઓની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

દલિતો પર હુમલાની ઘટનાઓ વધી
આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઉભો કર્યો છે કે દલિત સમાજ પર થતા અત્યાચારો ક્યારે અટકશે? આ ઘટના એ સમયની છે જ્યારે દેશભરમાં બંધારણ અને સમાનતાની વાત થઈ રહી છે. દલિત યુવક પર ગોળીબાર અને જાતિસૂચક ગાળો ભાંડવાથી એ સાબિત થાય છે કે, સામાજિક ભેદભાવ અને રાજકીય હિંસા હજુ પણ સમાજમાં ઊંડે સુધી વ્યાપેલી છે અને તે આસાનીથી જાય તેમ નથી.

સામાજિક કાર્યકરો અને દલિત નેતાઓમાં આક્રોશ
આ ઘટના બાદ દલિત આગેવાનો અને સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સૂરજ કુમાર બૌદ્ધે ટ્વીટ કરીને લખ્યું, “હવે અમે કાયદાની મદદથી તમારી દરેક ગુંડાગીરીનો જવાબ આપીશું. બાબાસાહેબના અનુયાયીઓ અત્યાચાર નહીં સહે." બીજી તરફ આ ઘટનાને લઈને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને કથિત આગેવાનો મૌન જોવા મળ્યા છે. ખાસ કરીને બંધારણ બચાવવાની વાતો કરતા પક્ષો આ બાબતે તદ્દન મૂંગા થઈ ગયા છે.

દલિતો માટે રાજકીય પ્રચાર ખતરો બની રહ્યો છે
આ ઘટના બાદ દલિતો માટે રાજકીય પ્રચાર કરવો ખતરનાક બની ગયો છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે, જેમાં દલિત સમાજના લોકોને તેમના રાજકીય દ્રષ્ટિકોણને કારણે હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા સમાજવાદી પાર્ટીને મત ન આપવા બદલ એક દલિત યુવતીની હત્યા કરીને લાશને બોરીમાં ભરીને ફેંકી દેવાઈ હતી. એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં હવે બસપાના પ્રચાર માટે નીકળેલા દલિત યુવક પર ફાયરિંગ થયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રચાર દલિત સમુદાય માટે ખતરો બની રહ્યો છે.

દલિત સમાજની એકતાનો સંદેશ
આ ઘટનાએ ફરી એકવાર દલિત સમાજને એક થવાની પ્રેરણા આપી છે. બાબાસાહેબ આંબેડકરે આપેલા અધિકારો માટે હવે કાનૂની લડત ઉગ્ર બનાવાશે તેવું સામાજિક કાર્યકરોનું કહેવું છે. આવી ઘટનાઓ યાદ અપાવે છે કે જ્યાં સુધી સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી'એ ભાજપને પરસેવો છોડાવી દીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • નલીન્દ્ર પી વાઘ
    નલીન્દ્ર પી વાઘ
    જાતી અને કોઈ પણ ધર્મ ને રાજનિતી સાથે જોડવા કે હથીયાર બનાઉ ના જોઇએ
    4 months ago