ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

ભીમા કોરેગાંવ કેસમાં છેલ્લાં 6 વર્ષથી જેલમાં બંધ દલિત એક્ટિવિસ્ટ શોમા સેનને આખરે શરતી જામીન મળ્યાં છે. આખો કેસ વિગતે સમજીએ.

ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ કેસમાં છેલ્લાં 6 વર્ષથી જેલમાં બંધ દલિત એક્ટિવિસ્ટ અને મહિલા અધિકાર કાર્યકર શોમા સેનને ગઈકાલે 5 એપ્રિલના રોજ જામીન આપ્યા છે. જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની પીઠે જામીનનો આદેશ આપ્યો હતો. અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને મહિલા અધિકાર કાર્યકર્તા શોમા સેનની 6 જૂન 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એલ્ગાર પરિષદના માઓવાદીઓ સાથેના સંબંધોના કથિત સંબંધો મામલામાં શોમા સેનની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

શોમા સેને બોમ્બે હાઈકોર્ટના એ ચૂકાદાને પડકાર્યો હતો, જેમાં તેમને ગયા વર્ષે જાન્યુઆરીમાં જામીન માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ખાસ કોર્ટનો સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે પહેલીવાર ડિસેમ્બર 2018માં પૂણે સેશન્સ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઈલ કરતા પહેલા જામીન માટે અરજી કરી હતી. અને ચાર્જશીટ ફાઈલ થયા બાદ બીજી અરજી કરી હતી. સેશન્સ કોર્ટે નવેમ્બર 2019માં એક સામાન્ય આદેશ દ્વારા બંને અરજીઓ ફગાવી દીધી હતી.

કોણ છે શોમા સેન?

શોમા સેન દલિત એક્ટિવિસ્ટ અને મહિલા અધિકાર કાર્યકર્તા છે. તેઓ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે અને નાગપુર યુનિવર્સિટીના અંગ્રેજી સાહિત્ય વિભાગના વડા રહી ચૂક્યા છે. શોમાનો જન્મ મુંબઈના બાંદ્રામાં એક ઉચ્ચ મધ્યમ વર્ગના બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે સેન્ટ જોસેફ કોન્વેન્ટમાંથી પૂર્ણ કર્યો હતો. એ પછી મુંબઈની એલફિંસ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. અને પીએચડી પૂર્ણ કર્યું હતું અને પછી ત્યાં જ પ્રોફેસર બન્યાં હતા.

ભીમા કોરેગાંવ હિંસામાં તેમની કથિત સંડોવણી બદલ સુધીર ધવલે, મહેશ રાઉત, સુરેન્દ્ર ગાડલિંગ અને રોના વિલ્સન સાથે 8 જૂન 2018ના રોજ પૂણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ તમામ એક્ટિવિસ્ટો પર UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમની ધરપકડનો મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેના શનિવારવાડામાં આયોજિત એલ્ગાર પરિષદ સંમેલનમાં આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે, ભાષણના બીજા દિવસે શહેરની બહાર ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા ફાટી નીકળી હતી. પૂણે પોલીસે દાવો કર્યો હતો કે કોન્ફરન્સને માઓવાદીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં પોલીસની કામગીરીએ અનેક શંકાઓ પેદા કરી છે, ખાસ કરીને તમામ દલિત એક્ટિવિસ્ટોને લાંબા સમય સુધી આરોપ સાબિત ન થાય તો પણ જેલમાં ધકેલી દેવાના એક મોટા ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે શું શરતો રાખી છે?

જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચે શુક્રવારે શોમા સેનને જામીન આપ્યા હતા. આ જામીન સાથે એવી શરત રાખવામાં આવી છે કે શોમા સેન NIAની વિશેષ અદાલતને જાણ કર્યા વિના મહારાષ્ટ્રની બહાર નહીં જાય. તેઓએ ફોનનું જીપીએસ હંમેશા ચાલુ રાખવું પડશે અને ફોનને તપાસ અધિકારીના ફોન સાથે જોડી દેવામાં આવશે જેથી તેમના લોકેશન વિશેની માહિતી હંમેશા તપાસ અધિકારી પાસે રહે. કાનૂની બાબતોની વેબસાઈટ લાઈવ લો અનુસાર, બેન્ચે શોધી કાઢ્યું કે UAPAની કલમ 43D(5) મુજબ જામીન આપવા પરનો પ્રતિબંધ શોમા સેનના કેસમાં લાગુ પડતો નથી. કોર્ટે તેમની છ વર્ષની લાંબી જેલને ધ્યાનમાં રાખીને અને આ કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી તેને ધ્યાનમાં રાખીને તેમને જામીન આપ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ શોમા સેનના જામીનનો વિરોધ કર્યો ન હતો. કોર્ટે NIAને પૂછ્યું હતું કે શોમા સેનની કસ્ટડી કેમ ચાલુ રાખવી જોઈએ? જવાબમાં, 15 માર્ચે, NIAએ કહ્યું હતું કે "શોમા સેનની ધરપકડ હવે જરૂરી નથી."

એલ્ગાર પરિષદ કેસ શું છે?

પુણે પોલીસે વર્ષ 2018માં એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસ નોંધ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે, 1 જાન્યુઆરી, 2018ના રોજ ભીમા કોરેગાંવમાં ફાટી નીકળેલી હિંસા માટે એલ્ગાર પરિષદ જવાબદાર છે. પોલીસે કહ્યું હતું કે, આ સંગઠને હિંસાનાં એક દિવસ પહેલા પૂણેના શનિવારવાડામાં એક મીટિંગ બોલાવી હતી. જેના બીજા દિવસે હિંસા થઈ હતી અને તેનું કનેક્શન આ બેઠક સાથે જોડાયેલા છે.

1 જાન્યુઆરી, 2018ના રોજ મરાઠાઓ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ભીમા કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાંઠની યાદમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ હિંસા ફાટી નીકળી હતી. થોડા મહિનાઓ પછી પુણે પોલીસે આ ઘટના સાથે સંબંધિત મામલાની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ડાબેરી કે તે વિચારધારાની નજીક રહેનારા લેખકો, પત્રકારો અને પ્રોફેસરોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. 17 મેના રોજ, પુણે પોલીસે ચાર્જશીટમાં UAPA એક્ટની કલમ 13, 16, 18, 18-B, 20, 39 અને 40 હેઠળ નવા આરોપો ઉમેર્યા હતા. બે વર્ષ પછી 2020માં આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં NIAએ 24 જાન્યુઆરી 2020ના રોજ FIR પણ નોંધી હતી. જેમાં UAPAની કલમ 13, 16, 18, 18B, 20 અને 39 સાથે IPCની કલમ 153-A, 505 (1)B, 117 અને 34 હેઠળ આરોપો ઉમેરવામાં આવ્યા હતા. NIAએ સ્પેશિયલ કોર્ટમાં આ મામલામાં 10,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી

હજુ કોણ કોણ આ કેસમાં જેલમાં છે?

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી કેટલાકને જામીન મળી ગયા છે પરંતુ મોટાભાગના હજુ પણ જેલમાં છે. એક આરોપી - સ્ટેન સ્વામીનું મૃત્યુ થયું. આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને UAPA જેવા કડક કાયદા હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.આ કેસમાં સુધીર ધવલે, રોના વિલ્સન, હૈની બાબુ, સુરેન્દ્ર ગાડલિંગ, રમેશ ગાઈચોર, સાગર ગોરખે અને જ્યોતિ જગતાપ હજુ પણ જેલમાં છે. સુધીર ધવલે મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર, લેખક અને કવિ છે. તેઓ મરાઠીમાં 'વિદ્રોહી' નામનું મેગેઝિન પણ ચલાવે છે. તેઓ દલિતોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. 2011 માં તેમની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર 'આતંકવાદી સંગઠન'ના સભ્ય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. 

તે સમયે તેમના વકીલ સુરેન્દ્ર ગાડલિંગ હતા, જેઓ હવે ભીમા કોરેગાંવ કેસમાં પણ આરોપી છે. સુરેન્દ્ર ગાડલિંગ નાગપુરમાં રહે છે, વ્યવસાયે વકીલ છે અને માનવ અધિકાર સાથે જોડાયેલા કેસ લડે છે. તેઓ 'ઇન્ડિયન એસોસિએશન ઑફ પીપલ્સ લોયર્સ'ના જનરલ સેક્રેટરી પણ છે. તેઓ દલિત કાર્યકર્તા પણ છે અને ઘણા અભિયાનોમાં સામેલ રહ્યા છે. વકીલ તરીકે તેમણે UAPA અને તે પહેલા જૂના આતંકવાદ વિરોધી કાયદા TADA અને POTA હેઠળ આરોપીઓના કેસ લડ્યા છે.

સુધીર ધવલે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જીએન સાઈબાબાના વકીલ પણ રહી ચૂક્યા છે, જેમની માઓવાદીઓ સાથે સંબંધ હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સાંઈબાબાને હાલમાં જ જામીન મળ્યા છે. રોના વિલ્સન હજુ પણ જેલમાં છે. જેએનયુનો વિદ્યાર્થી વિલ્સન રાજકીય કેદીઓની મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં સૌથી વધુ સક્રિય કાર્યકરોમાંના એક છે. તેઓ 'કમિટી ફોર રીલીઝ ઓફ પોલિટિકલ પ્રિઝનર્સ' (CRPP)ના સભ્ય પણ છે. તેઓ જી.એન. સાઈબાબાના બચાવ અને મુક્તિ માટેના અભિયાનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ રાજકીય કાર્યકરોની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.

કોને જામીન મળ્યાં?

ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં ગૌતમ નવલખાને જામીન આપ્યા હતા. તેમની બગડતી તબિયતને જોતા સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં તેમને મુંબઈમાં નજરકેદ રાખવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે જૂનમાં NIAને નોટિસ પાઠવી હતી. બોમ્બે હાઈકોર્ટે નવલખા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસેથી જવાબ માંગ્યો હતો. વિશેષ કોર્ટે નવલખાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી તેણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. ત્યાં તેને જામીન મળી ગયા.

આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ

(પ્રો. આનંદ તેલતુંબડે)

અરુણ ફરેરા અને વર્નોન ગોન્સાલ્વિસને જુલાઈ 2023માં જામીન મળ્યા હતા. લગભગ પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ બંનેને જામીન મળ્યા હતા. આ માટે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. આ પહેલા હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા.

આ કેસમાં, લેખક, પ્રોફેસર આનંદ તેલતુમ્બડેને 18 નવેમ્બર, 2022 ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. તેઓ બે વર્ષ જેલમાં રહ્યા હતા.

ઝારખંડના ફાધર સ્ટેન સ્વામીનું જામીન મળે તે પહેલા જ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાધર સ્ટેન સ્વામી રાંચીના પાદરી હતા.

આ પણ વાંચો:દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!

(ફાધર સ્ટેન સ્વામી. જેમનું મૃત્યુ થયું છે.)

NIA એ ભીમા કોરેગાંવ-એલ્ગાર પરિષદ કેસમાં માઓવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના આરોપમાં NSA (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) હેઠળ ધરપકડ કરી હતી. 83 વર્ષના સ્ટેન સ્વામીને પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ હતી. જેલમાં રહીને તેણે અનેક વખત પ્રાથમિક સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરી હતી. NIAએ પાણી પીવા માટે સિપરની તેમની માંગનો વિરોધ કર્યો હતો. ફાધર સ્ટેન સ્વામીની તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે મે 2021માં તેમને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 5 જુલાઈ 2021ના રોજ હોલી ફેમિલી હોસ્પિટલમાં જ તેમનું અવસાન થયું હતું.

આ કેસમાં અત્યાર સુધી જે આરોપીઓને જામીન મળ્યા છે તેમાં સુધા ભારદ્વાજનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ 

(સુધા ભારદ્વાજ)

ડિસેમ્બર 2021માં તેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. NIAએ તેનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોર્ટે NIAની અરજી ફગાવી દીધી હતી અને જામીન યથાવત રાખ્યા હતા.

આ કેસમાં હૈદરાબાદના કવિ અને લેખક વરવરા રાવની પણ પુણે પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટે તેમને જુલાઇ 2022માં ઉંમર અને ખરાબ તબિયતના કારણે નિયમિત જામીન આપ્યા હતા. હવે શોસા સેનને પણ જામીન મળ્યાં છે.

આ પણ વાંચો: DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.