થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પ્રસિદ્ધ તરણેતરના મેળામાં 11 વર્ષ પહેલા પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોનાં મોત થયાં હતાં. જેમાં પીએસઆઈ કે. પી. જાડેજા સહિત ચાર પોલીસ કર્મચારી અને અન્ય જવાબદાર પોલીસ ઓફિસરો સામે ફરિયાદ દાખલ થઈ હતી. આ સંપૂર્ણ હત્યાકાંડ અંગે સંજય પ્રસાદ કમિટીએ રિપોર્ટ સરકારને સોંપી દીધો હોવા છતાં તપાસ અહેવાલ જાહેર કરવાનો રાજ્ય સરકાર દ્વારા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સરકારની દાનત સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે. હવે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, ત્યારે હાઈકોર્ટે પણ સરકારને બરાબરની ખખડાવી છે.
ગત તા.19 ઓક્ટોબરે મીડિયામાં પ્રગટ થયેલા અહેવાલો અનુસાર કોર્ટે રાજ્ય સરકારને 'જવાબ આપવાની હિંમત રાખવા' પણ કહ્યું હતું, કારણ કે સરકારે તપાસ અહેવાલની નકલ માંગતી અરજીનો વિરોધ કર્યો હતો.
આ કેસ સપ્ટેમ્બર 2012નો છે, જ્યારે થાનગઢમાં પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ઝઘડા દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે 16 વર્ષીય પંકજ સુમરા,17 વર્ષીય મેહુલ રાઠોડ, અને 26 વર્ષીય પ્રકાશ પરમારનું મૃત્યુ થયું હતું. પોલીસે પાછળથી ગુનો દાખલ કર્યો હતો. જનઆક્રોશ બાદ રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સમાજ કલ્યાણ વિભાગના તત્કાલીન સચિવ સંજય પ્રસાદની નિમણૂક કરી હતી. તેમણે મુખ્ય સચિવને રિપોર્ટ સોંપ્યો. જો કે આ તપાસના તારણો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
પીડિતો પૈકીના એકના પિતા વાલજીભાઈ રાઠોડે પહેલા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તપાસના તારણો જાણવા અરજી કરી હતી અને પછી જોગવાઈઓ હેઠળ અહેવાલને નકારવામાં આવતાં હાઈકોર્ટનો સંપર્ક કરીને, તપાસ રિપોર્ટ મેળવવા સતત માગણી કરી રહ્યા છે. વાલજીભાઈ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી હાલની પિટિશન 2017માં દાખલ કરાયેલા કેસનો પાંચમો રાઉન્ડ છે.
તાજેતરની સુનાવણી દરમિયાન અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિાકે દલીલ કરી હતી કે રાજ્ય સરકારે આરટીઆઈ હેઠળ અહેવાલ આપવાનો સતત ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તે વિચારણા હેઠળ છે. તેણે એવી અરજીનો પણ વિરોધ કર્યો હતો કે અહેવાલ રાજ્યની વિધાનસભા સમક્ષ મૂકવામાં આવશે, કેમ કે તે એક વિશેષાધિકૃત દસ્તાવેજ છે. જો કે, આ અહેવાલ ક્યારેય રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી અથવા ગુપ્ત દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી. એક પિતા તેના યુવાન પુત્રને ગુમાવ્યા પછી 11 વર્ષથી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.' આ સાંભળ્યા બાદ જસ્ટિસ વી.ડી. નાણાવટીએ કોર્ટમાં હાજર સરકારી વકીલને સવાલ કર્યો. 'જ્યારે સરકારે કહ્યું કે રિપોર્ટ વિચારણા હેઠળ છે, ત્યારે તેનું શું થયું? રિપોર્ટનું પરિણામ શું આવ્યું? કોર્ટને જાણ કરો જેથી હું વિચારીશ કે મિસ્ટર યાજ્ઞિકને શું જવાબ આપવો. કોર્ટને જણાવવા દો, કોર્ટનો અંતરાત્મા સ્પષ્ટ છે. તે અહેવાલમાં એવું શું છે કે તમે કંઈ પણ જવાબ આપી શકતા નથી? બાળકના માતાપિતા અથવા વાલી તરીકે, શું કોઈ વ્યક્તિ આ બાબત જાણવાનો હકદાર નથી?' કોર્ટે આ વિષય પર આગામી સપ્તાહે સુનાવણી રાખી છે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Akpષડયંત્ર છે આરોપીને બચાવવા માટેનુ
-
નટવરભાઈઆ સરકાર ની ઘોર બેદરકારી છે અને જાણીજોઈને કેસ લંબાવે છે