મહુવાના અમૃતવેલ ગામે દલિત બાળકે ગરબીમાં મૂકેલા જગમાંથી પાણી પી લેતા જાતિવાદીઓએ માતા-પિતાને માર માર્યો, 4 સામે ફરિયાદ

મહુવાના અમૃતવેલ ગામે દલિત બાળકે ગરબીમાં મૂકેલા જગમાંથી પાણી પી લેતા જાતિવાદીઓએ માતા-પિતાને માર માર્યો, 4 સામે ફરિયાદ

નવરાત્રિ દરમ્યાન મમ્મી-પપ્પા સાથે રાસગરબા જોવા ગયેલા એક માસૂમ બાળકે જાહેરમાં મૂકેલા જગમાંથી પાણી શું પી લીધું કે જાતિવાદી શખ્સોના પેટમાં તેલ રેડાયું હતું. આ બનાવ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અમૃતવેલ ગામમાં બન્યો હતો. નવરાત્રી દરમ્યાન અનુસૂચિત જાતિ પરિવારના બાળકે પાણી પીવા મુદ્દે જાતિવાદ રાખીને ચાર શખ્સોએ પરિવારજનોને હડધૂત કર્યા હતા. આ મામલે બાળકના પિતાએ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

અમૃતવેલ ગામે વણકરવાસમાં રહેતા અને ખેતીકામનું છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા કમલેશભાઇ બીજલભાઇ વાઘ (ઉ.વ.૩૩)એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૨ના રોજ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ કમલેશભાઇ અને તેમનાં પત્ની મંજુલાબેન તથા બન્ને દિકરા વૈભવ(ઉ.વ.૬) તથા માનવ(ઉ.વ.૪) ગામમાં પ્લોટ વિસ્તારમાં માતાજીની ગરબી પાસે રાસ ગરબા જોવા ગયા હતા. 

આ પરિવારજનો કાળુભાઇ બચુભાઇ કોળીની ખડકી બાજુ બેઠા હતા. ત્યાં નજીકમાં પીવાના પાણીના જગ મુકેલા હતા. તેની બાજુમાં ગામના પિન્ટુભાઇ મહેશભાઇ જોષી ખુરશી ઉપર બેઠા હતા, ત્યારે કમલેશભાઈનો પુત્ર માનવ ઉભો થઇ તેની રીતે પાણીના જગ પાસે જઇ ગ્લાસમાં પાણી પીને પાછો પિતા પાસે આવ્યો. ત્યારે પેલા પિન્ટુભાઈ જોષીએ તેમને બોલાવી કહ્યું કે, હમણા પાણી પીવા આવેલો છોકરો કોનો છે? તો કમલેશભાઈએ કહ્યું કે, તે છોકરો મારો છે. એ સાંભળીને આ પિન્ટુભાઈ જેમફાવે તેમ બોલવા લાગ્યા, ‘તમને(જાતિવિષયક અપમાનજક શબ્દ) દૂર બેસવાનું કહ્યું હતું.’ તેમ કહી કમલેશભાઈને તેમની જ્ઞાતી વિશે હડધૂત કર્યા, દરમ્યાન ગામના ભગાભાઇ ભાણાભાઇ પરમાર તથા ધીરૂભાઇ ભાણાભાઇ પરમાર તથા વાલજીભાઇ દુદાભાઇ સરવૈયા ઉભા થઇ એમની પાસે ગયા અને કમલેશભાઈને લાફા મારવા લાગ્યા હતા. જેમફાવે તેમ ગાળો દેવા લાગ્યા અને તેમને જ્ઞાતી વિશે હડધુત કર્યા હતો. 

દરમ્યાન બીજા માણસોએ કમલેશભાઈને છોડાવતા તેઓ પત્ની તથા બાળકો સાથે પોતાના ઘરે જતા રહ્યા હતા. ઘરે જઇ તેમના ભાઇ રમેશભાઇ વાઘ તથા સમાજના આગેવાન દેવેન્દ્રભાઇ ચુડાસમા તથા ભુપતભાઇ ચીથરભાઇ વાઘ, પરેશભાઇ જીતીયા, અનીલ વાઘ વગેરેને વાત કરી હતી અને બીજા દિવસે સાંજે  પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.