દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો, આઘાતમાં યુવકની આત્મહત્યા

ગામના જાહેર કાર્યક્રમમાં દલિત યુવકે ડાન્સ કર્યો તો જાતિવાદી તત્વોએ તેને નગ્ન કરીને માર્યો. આ ઘટનાથી લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો, આઘાતમાં યુવકની આત્મહત્યા

પોતાને બંધારણથી પણ ઉપર સમજતા અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર ન અનુભવતા જાતિવાદી તત્વોને જાણે દલિતો પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દેશના કોઈને કોઈ ખૂણે દલિત, આદિવાસી કે લઘુમતી સમાજની વ્યક્તિ પર મારામારી, અત્યાચાર કે ખૂનના બનાવો બનતા રહે છે. મનુવાદીઓ જાણે દલિતો, આદિવાસીઓને પોતાના પગની ધૂળ સમજતા હોય તેમ વર્તે છે. આવો જ વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને એટલા માટે નિર્વસ્ત્ર કરીને માર માર્યો કેમ કે તેણે ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં ડાન્સ કર્યો હતો, જે જાતિવાદી તત્વોને ગમ્યો નહોતો. આથી પહેલા તો તેમણે કાર્યક્રમમાં જ તે યુવકને બધાંની વચ્ચે માર માર્યો હતો. એ પછી યુવક તેના ઘેર પાછો ફરી રહ્યો ત્યારે ફરી ત્રણ લોકોએ તેને રોક્યો હતો અને ગામના સ્મશાનમાં લઈ જઈ તેને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો અને જતા રહ્યા હતા. યુવક આખી રાત સ્મશાનમાં કપડાં વિના બેસી રહ્યો હતો અને બીજા દિવસે સવારે ગામના એક પરિચિત વ્યક્તિ ત્યાંથી નીકળ્યાં તો તેમને પોતાના પરિવારને જાણ કરવા અને પોતાના માટે કપડાં મોકલવા માટેનો સંદેશો મોકલ્યો હતો. એ પછી માંડ માંડ કરીને તે ઘેર પહોંચી શક્યો હતો. જો કે આ ઘટનાની તેના માનસપટ પર એટલી ઊંડી અસર થઈ હતી કે તે તેના આઘાતમાંથી બહાર આવી શક્યો નહોતો અને બીજા જ દિવસે બપોરે ઘરમાં આત્મહત્યા કરીને પોતાનો જીવ કાઢી નાખ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે આખી ઘટનાને લઈને વિસ્તારથી સ્યુસાઈડ નોટ લખી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમાશામાં દલિત યુવક નાચ્યો તે જાતિવાદીઓને ન ગમ્યું

મામલો બાબાસાહેબ અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મભૂમિ મહારાષ્ટ્રનો છે. અહીંના કોપરડી(કર્જત) ગામમાં થોડા દિવસ પહેલા તમાશાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે ગામના દલિત પરિવારનો વિઠ્ઠલ ઉર્ફે નીતિન કાંતિલાલ શિંદે નામનો 37 વર્ષનો યુવક પણ ગયો હતો. દરમિયાન તમાશામાં તેને એટલી મજા આવી ગઈ હતી કે તેણે ઉઠીને તેમાં અન્ય લોકો ડાંસ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દલિત યુવકને ગામના જાહેર કાર્યક્રમમાં આ રીતે નાચતો જોઈને જાતિવાદી માથાભારે તત્વોએ તમાશામાં જ નીતિનને મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. જાતિવાદીઓએ તેને જાતિસૂચક ગાળો ભાંડી હતી. હોબાળો થતા તમાશાનો કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. એ પછી નીતિન તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફરી ત્રણ જાતિવાદી તત્વોએ તેનો રસ્તો રોક્યો હતો અને તેને ઉપાડીને ગામના સ્મશાનમાં લઈ ગયા હતા. જ્યાં તેના કપડાં ઉતરાવીને તેને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી

એટલું જ નહીં તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. કડકડતી ઠંડી વચ્ચે નીતિન આખી રાત સ્મશાનમાં નિર્વસ્ત્ર હાલતમાં બેસી રહ્યો હતો. બીજા દિવસે વહેલી સવારે ગામનો એક પરિચિત વ્યક્તિ ત્યાંથી પસાર થતા તેના ધ્યાનમાં આખો મામલો આવ્યો હતો અને તેણે જઈને નીતિના પરિવારને જાણ કરી હતી. એ પછી તેનો પરિવાર કપડાં લઈને નીતિન પાસે સ્મશાનમાં પહોંચ્યો હતો અને તેને જેમતેમ કરીને ઘરે લઈ આવ્યો હતો. જો કે આ ઘટનાની નીતિનના મન પર એટલી ગંભીર અસર થઈ હતી કે બીજા દિવસે બપોરે તેણે ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જીવ ટૂંકાવતા પહેલા નીતિને આખી ઘટનાનું વર્ણન કરતી અને પોતે શા માટે આત્મહત્યા કરી રહ્યો છે તેની વાત કરતી સ્યુસાઈડ નોટ લખી હતી. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આરોપીઓ કોણ છે?

આ મામલે નીતિના પિતા કાંતિલાલ શિંદેની ફરિયાદના આધારે દિનેશ ઉર્ફે બંટી સુદ્રિક, સ્વપ્નિલ બબન સુદ્રિક અને વૈભવ મધુકર સુદ્રિક (ત્રણેય કોપર્ડી, કર્જતના રહેવાસી) વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓી પહેલા જ ધરપકડ કરી લીધી હતી જેમને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો રવાના કરી દીધી છે. હાલ કોપર્ડી ગામમાં પોલીસ દળની સુરક્ષા ખડકી દેવામાં આવી છે. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર વિવેકાનંદ વખારે આ ગુનાની તપાસ કરી રહ્યાં છે. આ ઘટનાને કારણે કોપરડી ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અગાઉ વર્ષ 2016માં અહીં એક સગીરા પર બળાત્કાર અને હત્યાની ઘટના ઘટી હતી જેણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. હવે નીતિન શિંદેની આત્મહત્યાથી ફરી એકવાર આ ગામ ચર્ચામાં આવ્યું છે.

વિઠ્ઠલ ઉર્ફે નીતિનની આત્મહત્યા બાદ તેના પરિવાર સાથે દલિત સમાજના લોકોએ ગઈકાલે મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તમામ આરોપી ન પકડાય ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. વિઠ્ઠલના પરિવારમાં તેના માતાપિતા, પત્ની અને બે દીકરા છે.

આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.