જશવંતગઢના દલિતે અર્ધનગ્ન હાલતમાં ઢસડાતા જઈ કલેક્ટર પાસે ન્યાય માંગ્યો

અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામના જાતિવાદી સરપંચ દલિતને વીજળી-પાણી આપતા નહોતા. કંટાળીને દલિત વ્યક્તિએ ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગ્યો.

જશવંતગઢના દલિતે અર્ધનગ્ન હાલતમાં ઢસડાતા જઈ કલેક્ટર પાસે ન્યાય માંગ્યો
image credit - Google images

ગુજરાતમાં જાતિવાદી તત્વો કઈ હદે બેફામ થઈ ગયા છે તે સૌ જાણે છે. પણ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ગમે તેવા કઠોર હૃદયના વ્યક્તિને પણ રડાવી મૂકે તેવો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત વ્યક્તિ એક સરકારી કચેરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં જમીન પર ઢસડાતા જઈને ન્યાય માંગી રહ્યાં છે. એ દલિત વ્યક્તિની પાછળ અરજીઓની યાદી લબડી રહી છે અને તેઓ ઢસડાઈને પોતાને ન્યાય આપવા માટે વિનંતી કરી રહ્યાં છે.

ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગવો પડ્યો

આ ઘટના અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીની છે અને કચેરીમાં ઢસડાઈને રજૂઆત કરવા જઈ રહેલી વ્યક્તિ અહીંના જશવંતગઢ ગામના દલિત સમાજના વ્યક્તિ છે. પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર ગામના જાતિવાદી સરપંચ દ્વારા તેમની સાથે કરવામાં આવતા અન્યાયને લઈને જિલ્લા કલેક્ટર સામે ન્યાયની ગુહાર લગાવી છે.

ઘટનાનો વીડિયો વાયરલ થયો

પ્રવીણભાઈ વાયરલ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે, તેમના ગામના સરપંચ તેમને પીવાનું પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની જરૂરિયાતો આપવામાં અન્યાય દાખવી રહ્યાં છે. તેઓ સમાજમાંથી આવતા હોવાથી જાતિવાદી સરપંચ તેમને ગાંઠતા નથી અને પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખીને હેરાન પરેશાન કરી રહ્યાં છે. આ મામલે તેમણે અનેકવાર ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ તેમનું સાંભળતું નહોતું. આથી તેમણે અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. અને તેથી તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ અર્ધનગ્ન હાલતમાં અત્યાર સુધી તેમણે જેટલી પણ અરજીઓ કરી છે, તેની યાદીનું પૂંછડું બનાવીને ઢસડાતા ઢસડાતા કલેક્ટરને મળવા માટે પહોંચી ગયા હતા. જો કે, કલેક્ટર કચેરીના સ્ટાફે તેમને ન્યાય અપાવવાને બદલે પોલીસને બોલાવીને તેમની અટકાયત કરાવી હતી.

સરપંચ અમને મારવા માણસો મોકલે છે...

વાયરલ વીડિયોમાં પીડિત પ્રવીણભાઈ પરમાર કહે છે, "દલિતની માથે કેટલો અત્યાચાર છે. આ કોઈ મારું સાંભળતું નથી. આટલી બધી પીડા છતાં કોઈને મારા પર દયા નથી આવતી. કેટલી અરજીઓ કરી, પણ આ કાગળિયાનું કશું આવતું નથી. સરપંચ મને મરવા મજબૂર કરે છે. અમે અનુસૂચિત જાતિ સમાજના હોઈ સરપંચ અમારું સાંભળતા નથી. અમારી સાથે અન્યાય થાય છે. સરપંચ અમને પાણી, લાઈટ આપતા નથી અને માણસોને અમારા ઘરે મારવા માટે મોકલે છે. આમાં અમારે કઈ રીતે જીવવું?"

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગામોગામ આ સ્થિતિ છે જ્યાં દલિતો સાથે અનેક મોરચે અત્યાચાર થાય છે. ગામના માથાભારે સરપંચો દલિતોની પ્રાથમિક જરૂરિયાતો અટકાવી દે છે. આ મામલે તંત્ર સરપંચ અને તેમની રાજકીય રીતે મજબૂત જાતિની તરફેણમાં હોવાથી દલિતોને ન્યાય મળતો નથી. આવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ તેમાં આગળ ન્યાય મળ્યો કે નહીં તેની કોઈ વિગતો સામે આવતી નથી.

ગૌચરની જમીન પર પંચાયતે પીએમ આવાસ ફાળવી દીધું

પ્રવિણભાઈને થઈ રહેલા અન્યાયમાં ગ્રામ પંચાયતની લાલિયાવાડી મુખ્ય કારણ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પંચાયતમાં અરજી કરી હતી. જેમાં તેમને મકાન બનાવી દેવાનું નક્કી થયું હતું અને વર્ષ 2020-21માં તેમણે ઘર બનાવ્યું દીધું છે. અશોક માંગરોળિયા, જેઓ બીજી ટર્મ માટે સરપંચ તરીકે ચૂંટાયા છે અને ભાજપના સમર્થક છે, તેમણે પુરતી તપાસ કર્યા વિના પ્રવિણભાઈ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘર બનાવવા આ જમીન ફાળવી દીધી હતી, જે ગૌચરમાં છે. હવે જ્યારે પ્રવિણભાઈનું ઘર તૈયાર થઈ ગયું છે અને તેમણે વીજળી, પાણીની માંગ કરી છે ત્યારે સરપંચે અસલ રંગ બતાવવો શરૂ કર્યો છે અને તમારું ઘર ગૌચરમાં છે એટલે સુવિધા નહીં મળે તેમ દાદાગીરી શરૂ કરી દીધી છે. આ અન્યાય છે.

શું ગ્રામ પંચાયતમાં અભણ લોકો બેઠાં છે?

અહીં સવાલ એ થાય કે, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા આ જમીન ફાળવવામાં આવી હતી ત્યારે પંચાયત કે સરપંચને આ બાબતનું ભાન કેમ નહોતું? વાંક તેમનો છે અને છતાં દલિત પ્રવિણભાઈને હેરાન કરવામાં કેમ આવે છે? શું સરપંચમાં એટલી બુદ્ધિ નહોતી કે આ ગૌચરની જમીન છે? પંચાયતના ચોપડે નોંધાયેલી જમીનની વિગતો તેમને દેખાઈ નહોતી? હવે જ્યારે આખું ઘર બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે તેના રહેવાસી પર દોષનો ટોપલો કેમ ઢોળી દેવાયો છે? શું આ સો ટકા અન્યાય નથી? આ તમામ સવાલો હાલ ઉભા છે અને સરપંચ મૌન છે.

જશવંતગઢનું સામાજિક માળખું કેવું છે?

ઉલ્લેખનીય છે કે, જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોળિયા બીજી વખત સરપંચપદે ચૂંટાયેલા છે અને ભાજપના ચુસ્ત ટેકેદાર છે. ગામમાં તેમના પટેલ સમાજની વસ્તી 70 ટકા આસપાસ હોવાથી તેઓ આર્થિક અને રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે. ગામમાં અનુસૂચિત જાતિના 88 જેટલા ઘરો છે. આ સિવાય ભરવાડ, મુસ્લિમ, કાંગસિયા સમાજના પણ કેટલાક ઘરો છે, આ સિવાય ગઢવી સમાજના પણ બે ઘર છે. પીડિત પ્રવિણભાઈ પરમારનું ઘર દલિતવાસથી 300 મીટર દૂર બનાવવામાં આવ્યું છે અને તેના માટે જમીન ગ્રામ પંચાયતે જ ફાળવી હતી. હવે આ જ પંચાયત કહે છે કે, આ ઘર ગૌચરની જમીન પર છે. 

આ પણ વાંચો: મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.