42 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા હવે 118 કરોડ ખર્ચાશે
આ છે એએમસી અને ભાજપના ભ્રષ્ટ નેતાઓનું અસલી ચરિત્ર. બે મહિના પહેલા બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ 55 કરોડ હતો, હવે ડબલ થઈ ગયો.

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા થશે. હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત AMC પર સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, 'બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને 118 કરોડ પહોંચી ગયો છે.'
વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી.2 મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.
.વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, "2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવા કર્યા હતા અને હાલમાં બ્રિજની કોસ્ટ 118 કરોડએ પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડનો ખર્ચ થશે. બીજી તરફ અમદાવાદની જનતા ટ્રાફિકથી પરેશાન થઈ રહી છે અને તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપના નેતા અમદાવાદ શહેરની જનતાને વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ ખર્ચ માટે જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં વર્ષ 2015-16ના જુના S0R મુજબ ગણતરી કરી અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં તોડી અને નવો બનાવવા પાછળ 54 કરોડ રૂપિયા જેટલો ખર્ચનો અંદાજ હતો. જે તે સમયે સ્ટીલ, સિમેન્ટ, રેતી સહિતનો ભાવ હતો તે ભાવ ગણતરી કરી અને મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે અત્યારના સ્ટીલ સહિતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જે મુજબ ખર્ચ વધી ગયો છે.
રાજસ્થાનની કંપની આ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ક્વોલિફાઇ થઈ છે. કોન્ટ્રાકટર સાથે આ ખર્ચ મામલે હાલ નેગોશીએશન ચાલી રહ્યું છે. જુના ભાવ અને નવા ભાવમાં વચ્ચે તફાવત છે, જેથી ખર્ચમાં વધારો થયો છે. આ તમામ ખર્ચ જૂના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી જ વસૂલ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે, જો કોન્ટ્રાક્ટર તરફથી નેગોએએશન નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવી પડશે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા