ગામમાં બાળ લગ્ન થશે તો સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર ગણાશે
બાળ લગ્નનું દૂષણ દેશમાં આટલા વર્ષો પછી પણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાયું નથી ત્યારે હાઈકોર્ટે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવાનું નક્કી કર્યું છે.
કથિત ભગવાન મનુની પ્રતિમા જેના કેમ્પસમાં ઉભી છે અને તેને હટાવવા માટે આંદોલન થઈ ચૂક્યું છે તેવી રાજસ્થાન હાઈકોર્ટે બાળ લગ્ન રોકવા માટે કડક આદેશ આપ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે કોઇપણ ગામ કે નગરમાં બાળલગ્ન થશે તો તેના માટે ગામના સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર રહેશે. કોર્ટે કહ્યું કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ના અમલ છતાં રાજ્યમાં બાળ લગ્નો થઈ રહ્યા છે તે ગંભીર બાબત છે.
જયપુર સ્થિત રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને એ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈ બાળ લગ્ન ન થાય. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે જો આવું થશે તો ગામના વડા અને પંચાયત સભ્યોને જવાબદાર ગણવામાં આવશે. ૧૦ મેના રોજ અખા ત્રીજના તહેવાર પહેલા બુધવારે કોર્ટનો આદેશ આવ્યો હતો. રાજસ્થાનમાં અક્ષય તૃતીયા પર ઘણાં બાળ લગ્નો થાય છે.
બાળ લગ્ન રોકવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી પીઆઈએલની સુનાવણી કરતા કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ના અમલીકરણ છતાં, રાજ્યમાં બાળ લગ્નો હજુ પણ થઈ રહ્યા છે.
કોર્ટે કહ્યું કે સત્તાવાળાઓના પ્રયાસોને કારણે બાળ લગ્નોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, હજુ પણ ઘણી જગ્યાએ બાળ લગ્નો ગુપ્ત રીતે થઈ રહ્યા છે જેને રોકવા ખૂબ જ જરૂરી છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજસ્થાન પંચાયતી રાજ નિયમો ૧૯૯૬ મુજબ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવો સરપંચની ફરજ છે. કોર્ટે રાજ્યમાં જ્યાં બાળ લગ્નો થાય છે અને પીઆઈએલ સાથે જોડાયેલ યાદી પર નજર રાખવા જણાવ્યું છે. આમ, વચગાળાના પગલા તરીકે તેણે બાળ લગ્નને રોકવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ અંગેનો અહેવાલ માંગવા માટે પણ રાજ્યને નિર્દેશ આપીશું તેવું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે અરજદારોના વકીલ આરપી સિંહે કહ્યું હતું કે, કોર્ટને એક યાદી પણ આપવામાં આવી હતી, જેમાં અખા ત્રીજ આસપાસ રાજ્યમાં થતા બાળ લગ્નોની વિગતો આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે ઉત્તરદાતાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાજ્યમાં બાળ લગ્નો ન થાય. સરપંચ અને પંચને જાણ કરવી જોઈએ કે જો તેઓ બાળલગ્ન અટકાવવામાં બેદરકારીપૂર્વક નિષ્ફળ જશે, તો તેઓ બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ની કલમ ૧૧ હેઠળ જવાબદાર રહેશે.
આ પણ વાંચો: તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે