151 ધારાસભ્યો-સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસો ચાલે છે?

વાડ જ ચીભડાં ગળે તે આનું નામ. જે સાંસદો-ધારાસભ્યો મહિલાઓ પરના અત્યાચાર વિરુદ્ધ કાયદાઓ ઘડે છે તેઓ પોતે બળાત્કાર સહિતના આરોપોનો સામનો કરી રહ્યાં છે.

151 ધારાસભ્યો-સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસો ચાલે છે?
image credit - Google images

ADR Report: કોલકાતાની ટ્રેઈની ડોક્ટર યુવતી પર રેપ અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે. સૌ કોઈ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવું ઈચ્છી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ યુવતીના મોત પર પોતપોતાનાં રાજકીય રોટલાં શેકવામાં મેદાનમાં આવી ગયા છે. આ બધી ગતિવિધિઓ વચ્ચે દુઃખ એ વાતનું થાય છે રેપ જેવી જઘન્ય ઘટનાને પણ આ દેશના લોકો જાતિવાદી ચશ્માથી જોવા ટેવાયેલા છે.

આવું એટલા માટે લાગે કારણ કે, કોલકાતાની ઘટના બની તેના બીજા જ દિવસે બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત કિશોરીની રેપ કર્યા બાદ ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. એ બળાત્કાર અને હત્યા કેટલી ભયાનક હતી તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે કિશોરીના પ્રાઈવેટ પાર્ટ પર બળાત્કારી હત્યારાએ છરીના 50થી વધુ ઘા માર્યા હતા અને લાશને ફેંકી દીધી હતી. પણ તેની કોઈ ચર્ચા જ નથી કરી રહ્યું, એ ઘટના પછી પણ દલિત-આદિવાસી સમાજની મહિલાઓ પર બળાત્કારની એકથી વધુ ઘટનાઓ બની ચૂકી છે, પણ કોઈ તેના વિશે ચર્ચા નથી કરતું, નથી રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શન કરતું કે નથી સુપ્રીમ કોર્ટ તેમાં કોઈ સુઓમોટો લેતું.

આ પણ વાંચોઃ લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરી નાખવાની યુક્તિ છે

આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) સંસ્થાના રિપોર્ટ મુજબ દેશના 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો પર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધાયેલા છે. આ સાંસદો અને ધારાસભ્યોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં મહિલાઓ સામેના ગુનાઓ સાથે સંબંધિત મામલા નોંધાયા હોવાનું સ્વીકાર્યું છે. પશ્ચિમ બંગાળમાં આવા સાંસદોની સંખ્યા સૌથી વધુ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 2019 અને 2024 વચ્ચેની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરેલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના 4,809 એફિડેવિટ્સમાંથી 4,693ની તપાસ કરી હતી. એડીઆરે 16 સાંસદો અને 135 ધારાસભ્યોની ઓળખ કરી છે જેઓ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસોનો સામનો કરી રહ્યા છે. 

કોલકાતાની ટ્રેઈની ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે આવેલા એડીઆરના આ રિપોર્ટ મુજબ પશ્ચિમ બંગાળના 25 જેટલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યો મહિલાઓ સામેના ગુનાઓના આરોપોનો સામનો કરી રહ્યા છે. એ પછી આંધ્રપ્રદેશમાં 21 અને ઓડિશામાં 17 કેસો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને બાકાત કેમ રખાયા?

રિપોર્ટ મુજબ વર્તમાનમાં એવા 16 સાંસદો અને ધારાસભ્યો છે જેમણે પોતાની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ બળાત્કાર સંબંધિત કેસો થયેલા હોવાનું સ્વીકાર્યું છે, આ એા ગુનાઓ છે જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે અને તેને આજીવન કેદ સુધી લંબાવી શકાય છે. આ યાદીમાં બે સાંસદો અને 14 ધારાસભ્યો આવે છે.

આરોપોમાં એક જ પીડિતા સામે વારંવારના ગુનાઓ કરવાનું સામેલ છે, જે તેને વધુ ચિંતાજનક બનાવે છે. ભાજપના 54 સાંસદો અને ધારાસભ્યો ઉપર સૌથી વધુ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધાયેલા છે. એ પછી કોંગ્રેસના 23 અને ટીડીપીના 17 સાંસદો-ધારાસભ્યો આ યાદીમાં સામેલ છે. ભાજપ અને કોંગ્રેસના 5 વર્તમાન ધારાસભ્યો બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યાં છે. 

આ તારણોના જવાબમાં ADRએ મજબૂત ભલામણો જારી કરી છે. તેણે રાજકીય પક્ષોને આવી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો, ખાસ કરીને જેમના પર બળાત્કાર અને મહિલાઓ વિરુદ્ધના અન્ય ગુનાઓનો આરોપ છે તેમને ટિકિટ આપવાનું ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, 

રિપોર્ટમાં સાંસદો અને ધારાસભ્યો સામેના કોર્ટ કેસોની ઝડપી સુનાવણી અને પોલીસ દ્વારા પ્રોફેશનલ અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા કહેવાયું છે. ADR એ મતદારોને પણ વિનંતી કરી છે કે તેઓ આવા આક્ષેપોનો સામનો કરી રહેલા ઉમેદવારોને મત આપતા પહેલા વિચાર કરે.

આગળ વાંચોઃ ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી એસટી સર્ટિફિકેટર પર કોર્પોરેટર બની ગયા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.