મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજશે, દેશભરમાંથી ભંતે અને લામા આવશે

મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી બૌદ્ધ ભંતે અને લામાઓ આવશે. જાણો શું છે ભાજપ અને RSSની રણનીતિ?

મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજશે, દેશભરમાંથી ભંતે અને લામા આવશે
image credit - Google images

પ્રયાગરાજ (Prayagraj) માં ચાલી રહેલા મહાકુંભ (Maha Kumbh) દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા પણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ તેમાં હિંદુઓના પ્રશ્નોને લઈને વિવિધ પ્રસ્તાવોની ચર્ચા કરવામાં આવે છે. કહેવા માટે આ કાર્યક્રમ ભલે Hindu ઓ નો હોય પરંતુ તેની પાછળનો અસલી ચહેરો RSS અને BJP ને માનવામાં આવે છે.

મહાકુંભમાં પહેલીવાર બૌદ્ધ સંમેલન યોજાશે

જો કે આ વખતનો મહાકુંભ (Maha Kumbh) ખાસ છે કારણ કે પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે (VHP) અહીં બૌદ્ધ સંમેલન (Buddhist conference) યોજવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી VHP ફક્ત હિન્દુ પરિષદોનું આયોજન કરતું હતું, પરંતુ પહેલીવાર બૌદ્ધ પરિષદ (Buddhist conference) યોજાવા જઈ રહી છે. ૧૦ ફેબ્રુઆરીથી મહાકુંભમાં ત્રણ દિવસીય પરિષદનું આયોજન થવાનું છે, જેમાં બૌદ્ધ ભંતેઓ (Buddhist monks) અને લામાઓ (lamas) ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત રશિયા, અમેરિકા, કંબોડિયા, મ્યાનમાર સહિત ઘણા દેશોમાંથી બૌદ્ધ ભંતેઓ આ પરિષદમાં આવશે તેમ VHP દ્વારા જણાવવામાં આવ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદ શું કહે છે?

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન મહાસચિવ મિલિંદ પરાંડે (Milind Parande) એ જણાવ્યું હતું કે કુંભ એ આધ્યાત્મિક મેળાવડાનું સ્થળ છે. શૈવ, જૈન, શીખ, બૌદ્ધ સહિત ઘણી પરંપરાઓનો જન્મ ભારતમાં જ થયો છે. અલગ અલગ વિચારધારાના સંતોનું એકબીજાને મળવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આને આગળ વધારીને અમે બૌદ્ધ સંત સંમેલનનું આયોજન કર્યું છે. સ્થાપના થઈ ત્યારથી VHP સતત હિન્દુ પરિષદોનું આયોજન કરી રહ્યું છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે બૌદ્ધોને એકસાથે લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?

VHP RSSનું એક સહયોગી સંગઠન છે અને ભાજપ પણ સંઘ પરિવારનો એક રાજકીય ભાગ છે. એ સ્થિતિમાં VHP ના આ સંમેલનને RSS અને BJP ના પ્રયાસો સાથે જોડવામાં આવી રહ્યું છે.

બૌદ્ધ સંમેલન યોજીને RSS શું કરવા માંગે છે?

હકીકતે, દેશમાં દલિત સમાજનો એક મોટો વર્ગ છે, જેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. આ ઉપરાંત, જે લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કર્યો, તેઓ પણ બૌદ્ધ ધર્મ પ્રત્યે ભારે આદર અને સન્માન ધરાવે છે. પછાત સમાજના ઘણા લોકો પણ બૌદ્ધ ધર્મની પરંપરાઓ સ્વીકારે છે અને મહાત્મા બુદ્ધમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્થિતિમાં, ભાજપ અને આરએસએસની રણનીતિ એવી છે કે જો આ વર્ગને ખુશ કરી શકાય તો ચૂંટણીમાં લાભ મેળવી શકાય. આ ઉપરાંત, તે બૌદ્ધોને હિન્દુઓ સાથે સામાજિક રીતે જોડવામાં પણ મદદ કરશે. તાજેતરમાં, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાજપે ખાસ કરીને આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બૌદ્ધ સમાજમાંથી આવતા કિરેન રિજિજુને પણ ત્યાં બૌદ્ધોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

૧૯૬૬માં કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી

૧૯૬૬માં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારે તેણે કુંભમાં તેના પ્રથમ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ RSS ના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે VHP સંમેલનના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે કુંભમાં હિન્દુ પરિષદો અને ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે બૌદ્ધ સંમેલન થઈ રહ્યું છે અને આ સંગઠનની નીતિમાં પરિવર્તનનો સંકેત છે.

બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો હેતુ શું છે?

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંભમેળામાં બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો અસલી ઈરાદો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને હિંદુત્વની રાજનીતિમાં ખેંચી જઈ ભાજપની મતબેંકને મજબૂત કરવાનો છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ 400થી વધુ સીટો આવે તો દેશનું બંધારણ બદલી નાખવાની અને અનામતને ખતમ કરી દેવાની જાહેરમાં વાત કરતા હતા. જેના કારણે દેશના એસસી, એસટી અને ઓબીસી મતદારોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને તેના કારણે ભાજપ 240 સીટો પર આવીને અટકી ગયો હતો. એટલું જ નહીં પોતાના દમ પર બહુમતિ પણ મેળવી શક્યો નહોતો. એ પછી પણ ભાજપના નેતાઓનો ડો.આંબેડકર અને બંધારણ અને અનામત સહિતના દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લુઘુમતીઓ પરના હુમલાઓ ચાલું રહ્યાં હતા. તાજેતરમાં અમિત શાહે સંસદમાં ડો.આંબેડકરને ફેશન ગણાવી તેને લઈને પણ દેશભરમાં ભારે વિરોધ થયો હતો અને ભાજપની દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છાપ વધુ મજબૂત બની હતી.

હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને ત્યાં દલિત મતદારો 20 ટકા આસપાસ છે. દલિતો ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાથી બુદ્ધના સમાનતાના સિદ્ધાંત તરફ વધુને વધુ વળી રહ્યાં છે. જેના કારણે સંઘ અને ભાજપની ચૂંટણીમાં ફટકો પડવાની ચિંતા સતાવી રહી છે. એટલે પાણી પહેલા પાળ બાંધવા માટે તેઓ હવે બૌદ્ધ ધર્મ અને તેના સંતોને મહોરું બનાવી દલિત મતોને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરવા માંગે છે. જો કે, દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો ભાજપ અને આરએસએસ ડો.આંબેડકર, બંધારણ અને અનામતના ઘોર વિરોધી હોવાની વાત સારી રીતે સમજી ચૂક્યાં હોવાથી આ પ્રકારના બૌદ્ધ સંમેલનોથી તેઓ ભાજપને મત આપે તે વાતમાં બહુ દમ હોય તેમ લાગતું નથી.

આ પણ વાંચો: RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.