'બુલડોઝર ન્યાય'નો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ૨ સપ્ટેમ્બરે સુનાવણી

ભાજપ સાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના ઘરો અને મિલકતો પર જેસીબી ફેરવી દઈને કથિત રીતે ત્વરિત ન્યાય તોળવાની ઘટનાઓ પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે.

'બુલડોઝર ન્યાય'નો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ૨ સપ્ટેમ્બરે સુનાવણી
image credit - Google images

Plea in Supreme Court against Bulldozer Justice: ભાજપ સાશિત રાજ્યોએ છેલ્લાં કેટલાક સમયથી યોગી આદિત્યનાથે શરૂ કરેલા 'Bulldozer Justice' ને અપનાવી લીધો છે. જેમાં ખાસ કરીને લઘુમતી સમાજ(Minority Community)ની વ્યક્તિના ઘરો પર કારણ વિના જેસીબી(JCB) ફેરવી દઈને તેમના ઘરો, પ્રોપર્ટી તોડી પાડવામાં આવે છે. કોઈ કેસમાં આરોપી મુસ્લિમ હોવાનું જણાય તો પણ કાયદેસરની તેની જમીન પર ઉભેલા ઘરોને પણ ગેરકાયદે ઠેરવી દઈને સ્થાનિક તંત્ર તેના પર જેસીબી ફેરવી દે છે. અયોધ્યા સહિત યુપીના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી છે. એ પછી ભાજપ સાશિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ તરકીબ અપનાવીને બહુમતી હિંદુઓને ખુશ કરી રાજકીય લાભ ખાટવા લઘુમતીઓ અને રાજકીય વિરોધીઓના ઘરો તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું. લાંબા સમયથી આ બુલડોઝર ન્યાય પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે, ત્યારે આખરે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 

જમિયત ઉલેમા-એ-હિંદે(Jamiat Ulema-e-Hind) સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરીને આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવતી સરકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. અરજીમાં યુપી(UP), મધ્યપ્રદેશ(MP) અને રાજસ્થાન(Rajasthan)માં બુલડોઝર દ્વારા ન્યાય તોળવાની તાજેતરની ઘટનાઓ ટાંકવામાં આવી છે. જેમાં લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. આ અરજી જહાંગીર પુરી કેસમાં જ વકીલ ફારુખ રાશિદે દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટ આ મામલે ૨ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. આ મામલો જસ્ટિસ બી.આર. ગવઈ(B.R. Gavai)ની બેંચ સુધી પહોંચ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, ખાસ કરીને લઘુમતીઓ સામે જુલમ અને આતંકનું ચક્ર ઉભું કરવા માટે રાજ્ય સરકારો તેમના ઘરો અને મિલકતો પર બુલડોઝરના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર અને વહીવટીતંત્ર પીડિતોને પોતાને બચાવવા માટે કાયદાકીય પગલાં લેવાની તક પણ આપતા નથી, તેના બદલે તેઓ તરત જ તેમને સજા આપવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે

તાજેતરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ(Amnesty International) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, એપ્રિલ ૨૦૨૨ થી જૂન વચ્ચે દિલ્હી, આસામ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને યુપીમાં કોમી હિંસાની ઘટનાઓ પછી બુલડોઝરનો ઉપયોગ કરીને ૧૨૮ મિલકતોને તોડી પાડવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે મે મહિનામાં મધ્યપ્રદેશમાં એક આરોપીના પિતાની સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, તે પણ ઘટનાના થોડા કલાકોમાં એટલે કે કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય તે પહેલા. એ રીતે સરકારે મામલો કોર્ટમાં ચડે તે પહેલા જ તેને પોતાની રીતે સજા પણ આપી દીધી હતી. એ જ રીતે મુરાદાબાદ અને બરેલીમાં ૨૨ અને ૨૬ જૂને બે એફઆઈઆરમાં જેમના નામ નોંધાયા હતા તેવા આરોપીઓની છ મિલકતો પર જેસીબી ફેરવી દેવાયું હતું.

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે જૂન ૨૦૨૪માં મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં પ્રાણીઓની તસ્કરીના આરોપીઓની ૧૨ મિલકતોને પણ બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં વહીવટીતંત્ર અને વન વિભાગની ટીમ દ્વારા રાશિદ ખાનનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. રાશિદના ૧૫ વર્ષના પુત્ર પર સ્કૂલમાં તેના ક્લાસમેટને છરી મારવાનો આરોપ હતો. પીડિતા અને આરોપી અલગ-અલગ ધર્મના અનુયાયીઓ હોવાથી કોમી તણાવ વધ્યો અને હિંસક અથડામણ થઈ. બીજા જ દિવસે એક બુલડોઝર રશીદના ઘરે ગયું અને તેને તોડી પાડ્યું. આવી અનેક ઘટનાઓએ લઘુમતી સમાજનું જીવવું હરામ કરી નાખ્યું હોવાથી બુલડોઝર ન્યાય પર પ્રતિબંધ મૂકવા માટે આ અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચો: બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.