મર્યા પછી પણ જાતિ નડીઃ દલિત મહિલાની અંતિમવિધિ ન થવા દીધી
વરસાદ હોવાથી દલિતોના તેમના સ્મશાનમાં જઈ શકે તેમ નહોતા. તેમણે ગ્રામ પંચાયતની જમીન પર મૃતક મહિલની અંતિમક્રિયાની મંજૂરી માંગી પણ જાતિવાદીઓ આડે આવ્યા.
જાતિ હૈ કી જાતિ નહીં. - આવું આપણે સાંભળતા આવ્યા છીએ. દલિતોને જીવતે જીવ તો જાતિ નડે જ છે, મર્યા પછી પણ જાતિવાદ તેમનો પીછો નથી છોડતો. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જ્યાં એક ગામમાં દલિત મહિલાના અવસાન થયા બાદ જાતિવાદી તત્વોએ ગ્રામ પંચાયતના શેડમાં તેની અંતિમવિધિ નહોતી થવા દીધી.
ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર જ્યાં થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં રતલામ જિલ્લાના રિંગનોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત મહિલાનું મોત થઈ ગયા બાદ જાતિવાદી તત્વોએ સરકારી સ્મશાનમાં તેની અંતિમવિધિ થવા દીધી નહોતી. ગામના જાતિવાદી તત્વોએ દલિતોને ગ્રામ પંચાયતના સરકારી શેડમાં દલિત મહિલાની અંતિમવિધિ કરતા રોક્યા હતા. આ મામલે હવે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
જાતિવાદી તત્વોએ દાદાગીરી કરી
રતલામ જિલ્લાના જાવરા તાલુકાના રિંગનોદ પોલીસ સ્ટેશનના કુંભારી ગામની આ ઘટના છે. અહીં બદ્રીલાલ નામના દલિતે જણાવ્યું હતું કે, તેના ભાઈ શંભુલાલની પત્ની સુગનબાઈનું બિમારીને કારણે નિધન થઈ ગયું હતું. એ દિવસે ભારે વરસાદ પડતો હતો અને દલિતોના સ્મશાનમાં જવા માટેનો રસ્તો પણ બચ્યો નહોતો કે ન ત્યાં કોઈ પાકો શેડ હતો. પરંતુ ગ્રામ પંચાયતના સ્મશાનમાં શેડ હતો. આથી તેમણે ત્યાં અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેમણે ગામના ખુમાનસિંહ નામના માણસને આ મામલે પૂછ્યું હતું. આથી તેણે કહ્યું કે, તે નાગુસિંહ રાજપૂતને પૂછીને જણાવશે. એ પછી ખુમાનસિંહે જણાવ્યું કે નાગુસિંહ રાજપૂત ગ્રામ પંચાયતના શેડમાં એક દલિત મહિલાની અંતિમક્રિયા થાય તે માટે ના પાડી રહ્યો છે અને તમારા માટે એક નોખા કામચલાઉ શેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. મજબૂરીમાં દલિત પરિવારે કામચલાઉ શેડમાં અંતિમવિધિ કરવી પડી હતી. જો કે એ પછી તેણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સરકારીને બદલે ખાનગી જમીન પર સ્મશાનનો શેડ બન્યો
કુંભારી ગ્રામ પંચાયતે વર્ષ 2015-16માં સ્મશાનનો શેડ બનાવ્યો હતો, પરંતુ આ શેડ સરકારી જમીન પર નહીં પરંતુ ખાનગી જમીન પર બાંધવામાં આવ્યો છે. જ્યાં સ્મશાન માટે જમીન ફાળવવામાં આવી છે, ત્યાં ન તો શેડ છે, ન ત્યાં પહોંચવા માટે કોઈ રસ્તો છે.
આ પણ વાંચો: સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?
જેના કારણે દર વર્ષે વરસાદની સિઝનમાં અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી પડે છે. પંચાયત દ્વારા બાંધવામાં આવેલો શેડ ખાનગી જમીન પર હોવાને કારણે લોકો તે પ્રાઈવેટ હોવાનું કારણ આપીને અંતિમ સંસ્કાર કરવા સામે વાંધો ઉઠાવે છે, જે વિવાદનું વાસ્તવિક કારણ બની ગયું છે.
સરકારી જમીન પર શેડ બનાવવાની માંગ ઉઠી
આ મામલે ગ્રામ પંચાયત મરમ્યાના તલાટી બી.એસ. રાઠોડ અને તાલુકાના અધિકારી મનોજસિંહ મંડલોઈએ ગામમાં પહોંચી પંચનામું કર્યું હતું. તલાટી રાઠોડનું કહેવું છે કે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ શેડ તેમના કાર્યકાળમાં નથી બન્યો. પંચનામા મુજબ મુક્તિધામની જમીન જ્યાં અપાયેલી છે ત્યાં શેડ નથી. ગ્રામજનોનું કહેવું છે કે ફાળવાયેલી જમીન પર નવો શેડ બનાવવામાં આવે અને ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો મળે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
મામલો ગંભીર છે - સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
જાવરાના એસડીએમ ત્રિલોચન ગૌરે જણાવ્યું હતું કે ખાનગી જમીન પર શેડ બનાવવો અને સ્મશાનનું નિર્ધારિત જગ્યાએ ન હોવું એ ગંભીર બાબત છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પંચાયત પાસેથી રિપોર્ટ મેળવ્યા બાદ રસ્તો આપવા અને નક્કી કરેલી જગ્યાએ શેડ બનાવવાનો રસ્તો કાઢશે. સાથે જ સમગ્ર મામલાનું વહીવટી સ્તરે નિરાકરણ લાવવા માટે જરૂરી નક્કર પગલાં પણ ભરશે.
આ પણ વાંચો: વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી