ધંધુકામાં સંવિધાન દિવસે 53 ગામોમાં બંધારણ વહેંચવામાં આવ્યું
ધંધુકામાં ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે બંધારણની 200થી વધુ કોપીઓ આસપાસના 53 ગામોમાં વહેંચવામાં આવી હતી.

ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે ભારતભરમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આ ઉજવણી ખાસ બની રહી. કેમ કે અહીં એકસાથે 53 ગામોમાં બંધારણની 200થી વધુ કોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધંધુકાના ઓમ અલખગુરુ જ્ઞાન સેવા આશ્રમ પ્લોટ વિસ્તારમાં સંવિધાન અર્પણ દિવસ નિમિત્તે સંવિધાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સૌપ્રથમ બોધિસ્તવ ડૉ.બાબાસાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી વિવિધ ગૌરવશાળી સૂત્રોચ્ચાર સાથે વધાવી લેવાયા હતા. એ પછી ધંધુકા સહિત આસપાસના ૫૩ ગામોમાં ૨૦૦ જેટલા સંવિધાન પુસ્તકની વહેંચણી કરવામાં આવી હતી.
આ સિવાય આ કાર્યક્રમમાં હાજર સામાજિક સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓને પણ સંવિધાન પુસ્તક ભેટ આપી સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન ગીતાબેન પરમારે આપ્યું હતું.
જ્યારે મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી અનુપમભાઈ પડાયા, પૂજ્ય. રતાબાપા અને અમદાવાદથી સામાજિક કાર્યકર પ્રકાશ બેન્કરે ખાસ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ મહાનુભાવોએ ડૉ.બાબાસાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન થકી મળેલા હક્કો અને વિવિધ કાયદાકીય પીઠબળની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશ રાઠોડ (સમતા બુદ્ધ વિહાર, બોટાદ) દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિર્તિભાઈ ચાવડા, ગીતાબેન પરમાર તેમજ સમાજના આગેવાનો, મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી