તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી

તામિલનાડુના એક ગામમાં સવર્ણોએ દલિતોએ ગામની શેરીમાં ચપ્પલ પહેરીને નીકળવું નહીં તેવો નિયમ બનાવ્યો હતો. આખરે તે તૂટ્યો છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ

તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી

એકવીસમી સદીમાં અને એ પણ આઝાદીના અમૃતકાળમાં પણ આજે કથિત સવર્ણો દ્વારા દલિતો પર અઢારમી સદી જૂના નિયમો ધરાર લાદવામાં આવે છે અને તેનું કડકાઈથી પાલન પણ કરાવવામાં આવે છે. આવું જ કંઈક તમિલનાડુના રાજાવુર ગામમાં બન્યું હતું જ્યાં કથિત ઉચ્ચ જાતિના લોકોએ દલિતો પર ગામની શેરીઓમાં ચપ્પલ પહેરીને નીકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ વણલખ્યા નિયમનું અહીંના દલિતોએ ફરજિયાત પાલન કરવાનું રહેતું હતું અને તેમણે ગામની શેરીઓમાં ચપ્પલ પહેર્યા વિના જ નીકળવું પડતું હતું. જો કે આખરે આ જાતિવાદી નિયમને દલિતોએ તોડી પાડ્યો છે અને એ શેરીમાં ચપ્પલ પહેરીને નીકળી સ્ટ્રીટ વોક કરી હતી.

તમિલનાડુમાં 60થી વધુ દલિતોએ અહીંના રાજાવુર ગામમાં ઉચ્ચ જાતિઓ દ્વારા લાદવામાં આવેલા અલિખિત પ્રતિબંધને અવગણ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે દલિતોએ અહીં તિરુપુર જિલ્લાના મદથુકુલમ તાલુકાના રાજાવુર ગામમાં વર્ષો જૂની પરંપરા તોડી હતી અને સવર્ણોએ બનાવેલા વણલખ્યા નિયમને તોડી નાખ્યો હતો. અત્યાર સુધી આ ગામમાં દલિતો શેરીઓમાં ચપ્પલ પહેરીને નીકળી શકતા નહોતા. જેની સામે ગામના દલિતોએ આંદોલન કરીને આખરે એ જ શેરીમાં ચપ્પલ પહેરીને રેલી કાઢી સવર્ણોએ બનાવેલા નિયમને તોડી નાખ્યો હતો.

અહીં કથિત ઉચ્ચ જાતિઓ દ્વારા લાગુ કરાયેલા એક અસ્પષ્ટ નિયમ મુજબ દલિતો ગામની શેરીઓમાં ચપ્પલ પહેરીને ચાલી શકતા નહોતા. એટલું જ નહીં અનુસૂચિત જાતિના લોકો માટે ગામમાં સાઈકલ ચલાવવા પર પણ પ્રતિબંધ હતો. ગામમાં વસતા 900 જેટલા પરિવારોમાં પૈકી 800 જેટલા ગૌંડર અને નાઈકર જેવી કથિત ઉચ્ચ જાતિના છે.

ગામના એક રહેવાસી મુરૂગાનંદમે મીડિયાને જણાવ્યું હતું કે, દલિતોના અરૂન્થાથિયાર સમાજના લોકોને ગામની શેરીમાં ચંપલ પહેરીને ચાલવા પર પ્રતિબંધ હતો. આ મામલે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને અગાઉ તેમના પર હુમલાઓ પણ થયા છે. સવર્ણ મહિલાઓ તો એવું કહેતી હતી કે, જો દલિતો શેરીઓમાં ચંપલ પહેરીને ચાલશે તો તેમના દેવ કોપાયમાન થશે અને દલિતોને મારી નાખશે. દાયકાઓથી સવર્ણોના અત્યાચારનો આ મામલો અમે થોડા સમય પહેલા સ્થાનિક દલિત સંગઠનોના ધ્યાને લાવવાનું નક્કી કર્યું હતું.

અન્ય એક દલિત સમાજની વ્યક્તિએ કહ્યું કે, "જ્યારે આઝાદી પછી અસ્પૃશ્યતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ માથાભારે જાતિના લોકોએ આ પ્રથાને કાયમ રાખવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી. જેમાં કહેવાયું હતું કે શેરીમાં એક ઢીંગલીને દાટવામાં આવી છે અને જો દલિતો ગામની શેરીઓમાં ચંપલ પહેરીને ચાલશે તો ત્રણ મહિનામાં તેમનું મોત થઈ જશે. કેટલાક દલિતોએ આ વાર્તાને સાચી માની લીધી અને ચંપલ પહેર્યા વિના શેરીઓમાં ચાલવાનું શરૂ કર્યું, પરિણામે આજ સુધી આ પ્રથા ચાલુ હતી.”

આખો મામલો તમિલનાડુ અસ્પૃશ્તા નિવારણ મોરચા(તિરુપુર) સુધી પહોંચ્યો અને સંસ્થાના સચિવ કનાગરાજે આ ગામની મુલાકાત લીધી. તેમણે આ અમાનવીય પ્રથા બંધ કરાવવાનું નક્કી કર્યું અને તેના માટે સ્ટ્રીટ વોકનો કાર્યક્રમ ગોઠવ્યો. કેટલીક દલિત મહિલાઓએ તેમને દેવતા કોપાયમાન થશે તેમ કહીને શેરીમાંથી પસાર ન થવા કહ્યું, પણ તેઓ મક્કમ રહ્યાં. પોલીસ પાસે વિરોધ પ્રદર્શન કરવાની પરમીશન માંગી પણ મળી નહીં, તેમ છતાં મોરચાના સભ્યો, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી અને દલિત અધિકાર સંગઠન આથી થમીઝર પેરાવાઈ, CPM, VCK અને ATP ના જેવા રાજકીય પક્ષો અને કાર્યકર્તાઓએ સાથે મળીને શેરીમાંથી ચંપલ પહેરીને પસાર થવાનું નક્કી કર્યું. એટલું જ નહીં ગામમાં આવેલા રાજાકલિયમ્માન મંદિરમાં પ્રવેશવાનું નક્કી કર્યું જે દલિતો માટે ગજા બહારની બાબત હતી. પણ આ સંગઠનોની તાકાતે તે કરી બતાવ્યું હતું.

આખરે ગત રવિવારે સાંજે 60થી વધુ દલિતો પગમાં ચપ્પલ પહેરીને શેરીઓમાં ચાલ્યા હતા અને કોઈએ તેમને રોક્યા નહોતા. સમગ્ર ઘટના પર સ્થાનિક પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. સ્ટ્રીટ વૉકનું આયોજન કર્યા પછી પણ કેટલાક દલિતો હજુ ડરમાં છે. જો કે સંગઠનોનું માનવું છે કે તેમનો આ ડર ધીરેધીરે દૂર થઈ જશે અને સ્ટ્રીટ વોકના કાર્યક્રમથી તેમનો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે.

આ પણ વાંચો : ગુજરાતના અનેક ગામો-શહેરોમાં મનુસ્મૃતિ દહનના કાર્યક્રમો યોજાયા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.