ગુજરાતના 1000થી વધુ ગામોમાં મનુસ્મૃતિનું દહન કરી સમાનતાનું તોરણ બંધાયું

25મી ડિસેમ્બરના રોજ દેશભરમાં મનુસ્મૃતિનું દહન કરાયું હતું. જો કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ દિવસની કંઈક અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના 1000થી વધુ ગામોમાં મનુસ્મૃતિનું દહન કરી સમાનતાનું તોરણ બંધાયું

25મી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત દેશભરમાં યોજાયેલા મનુસ્મૃતિ દહન દિવસ નિમિત્તે ગુજરાતભરમાં બહુજન સમાજે આક્રમકતાથી ભાગ લીધો હતો. છુટાછવાયા ઘર્ષણના બનાવોને બાદ કરતા મોટાભાગે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહુજન સમાજે રાજ્યના એક હજારથી વધુ ગામોમાં દીપ પ્રગટાવી, ઘરે સમાનતાનું તોરણ બાંધીને જાહેરમાં જાતિવાદી ગ્રંથ મનુસ્મૃતિનું દહન કર્યું હતું.

અમદાવાદમાં જીવરાજપાર્ક, મલાવ તળાવ, ગુપ્તાનગર, નરોડા, ચાંદખેડા, બહેરામપુરા, વેજલપુર, ઓઢવ, દુધેશ્વર સહિતના વિસ્તારોમાં સમાનતાનું તોરણ બાંધી રાત્રે દીપ પ્રકટાવી મનુ સ્મૃતિ દહન દિવસની ઉજવણી કરાઈ હતી.

જીવરાજ પાર્ક, ગુપ્તાનગર, મલાવ તળાવ-વાસણા સહિતના વિસ્તારોમાં ભીમ સૈનિકોએ ડો બાબા સાહેબ આંબેડકર અને ભારતીય બંધારણને ફૂલહાર કરી, દીપ પ્રગટાવ્યા બાદ અહીં જાહેરમાં મનુસ્મૃતિનું દહન કરાયું હતું. જેમાં જીવરાજ પાર્ક ખાતે રાઘવભાઈ સોંધરવા, ભાનુભાઇ, દાનાભાઇ સોલંકી તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

જ્યારે મલાવ તળાવ વાસણા ખાતે રણજિતભાઈ કણબી, માણસુરભાઈ, બાબુભાઇ મિયાત્રા, પ્રકાશભાઈ પરમાર, અરજણ વાળા, નરેશભાઈ વાળા સહિત ઓબીસી સમાજના આગેવાનોની હાજરીમાં મનુસ્મૃતિનું દહન કરાયું હતું.

બીજી તરફ ગુપ્તાનગર ખાતે રામજીભાઈ રાઠોડ, અશોકભાઈ દાફડા, ભરતભાઈ પરમાર, વિનુ મહારાજ જેસીંગભાઇ બગડા અને યુવા આગેવાનોએ કાર્યક્રમમાં ભાગ લઈ મનુસ્મૃતિનું દહન કર્યું હતું.

આ ત્રણેય કાર્યક્રમમાં સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે ઉપસ્થિત રહીને હાજર લોકોને મનુસ્મૃતિમાં મૂકવામાં આવેલા જાતિવાદી વિચારોની પોલ ખોલી હતી અને બંધારણ તથા મનુસ્મૃતિ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ જય ભીમ, જય ભારત અને જય સંવિધાનના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો.

ઉલ્લેખીય છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરે 25મી ડિસેમ્બર 1927ના રોજ મહાડ તળાવ સત્યાગ્રહ દરમિયાન જાતિવાદી ગ્રંથ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. ત્યારથી દેશનો બહુજન સમાજ આ દિવસની ઉજવણી કરે છે અને મનુસ્મૃતિનું દહન કરે છે. આ વર્ષે 97 મનુસ્મૃતિ દહન દિવસ ઉજવાયો હતો.

આ પણ વાંચો :  આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.