હિંદુ થઈને સાન્તાક્લોઝ બનો છો? કહી ડિલિવરી બોયનો ડ્રેસ ઉતરાવ્યો
યુવકે ઝોમેટાના ડિલિવરી બોયને રોકીને તેનો સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતરાવવા કહ્યું, મારની બીકે ડિલિવરી બોયે ડ્રેસ ઉતારી દીધો અને કટ્ટરવાદી યુવક જયશ્રી રામ કહીને ચાલ્યો ગયો.

ક્રિસમસ પર બાળકો અને ગ્રાહકોને ખુશ કરવા માટે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા જતા એક ડિલિવરી બોયને એક કટ્ટરવાદી યુવકે ડ્રેસ ઉતરાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો ઈન્દોરનો છે અને તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલ એક વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવા વિશે સવાલ પૂછે છે. એ પછી તે તેને કહે છે કે તમારા મોટાભાગના ગ્રાહકો હિંદુ છે છતાં તમે લોકો ક્યારેય કોઈ હિંદુ તહેવારો પર કંઈ ખાસ નથી કરતા.
તે એમ પણ કહે છે કે Zomato જેવી કંપનીઓ માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ તહેવારો પર જ અમુક ખાસ સંદેશ આપે છે, પરંતુ હિન્દુ ધાર્મિક તહેવારો પર ક્યારેય કંઈ કરતી નથી. હિંદુત્વવાદી યુવક ડિલિવરી બોયને સલાહ આપે છે અને કહે છે કે જો તમારે બનવું હોય તો ભગતસિંહ બનો, ચંદ્રશેખર આઝાદ બનીને ડિલિવરી કરો.
એ પછી તે વ્યક્તિ ડિલિવરી બોયને તેનું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કનાત હોવાનું જણાવે છે, ત્યારે હિંદુ કટ્ટરવાદી વ્યક્તિ કહે છે, 'અર્જુન ભાઈ, હિંદુ હોવા છતાં તમે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને શું સંદેશ આપવા માંગો છો?' એ પછી તે ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતારાવી દે છે અને પછી ‘જય શ્રી રામ’ કહીને નીકળી જાય છે.
ડિલિવરી બોય અને હિંદુવાદી વ્યક્તિ વચ્ચેની વાતચીતના વીડિયોમાં હિંદુવાદી યુવક ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવાનું કારણ પૂછે છે. જેના જવાબમાં ડિલિવરી બોય કહે છે કે ઝોમેટોએ કેટલાક ડિલિવરી બોયને સાન્તાનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા કહ્યું છે.
એ પછી, હિન્દુ યુવક તેને કહે છે કે આ ઓર્ડર તો મોટાભાગે હિન્દુ સમાજના લોકો દ્વારા આપવામાં આવે છે, અન્ય ધર્મના લોકોની વસ્તી એટલી નથી. તો જ્યારે તમે આ લોકોના તહેવારો પર આ રીતે ખાસ ગેટઅપ ધારણ કરીને જાવ છો તો હિંદુઓના તહેવારો દિવાળી વગેરે પર પણ આ રીતે ભગવા પહેરીને જાવ. આ રીતે સાન્તાક્લોઝ બનીને તમે પરિવારોને શું સંદેશ આપો છો?
એ પછી, હિંદુવાદી યુવક ડિલિવરી બોયને તેનું આખું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કણાટ જણાવે છે, ત્યારે હિંદુવાદી યુવક કહે છે કે, અર્જુન ભાઈ આપણે હિંદુ છીએ, આ રીતે સાન્તાક્લોઝ બનીને આપણે શું સંદેશ આપવાના છીએ. આને તમે જાતે ઉતારી લો. આ હિન્દુ બાળકોને સાંતાક્લોઝ વિશે શું સંદેશ આપવા જઈ રહ્યા છે? શું એ જરૂરી છે કે જ્યારે આપણે સાન્તાક્લોઝ બનીને જઈશું ત્યારે જ લોકોમાં સંદેશો જશે. ભગતસિંહને જુઓ, ચંદ્રશેખર આઝાદને જુઓ. હટાવો આને, ઉતારો આ સાન્તાક્લોઝનો ડ્રેસ.
એપછી હિન્દુ યુવક કહે છે, 'જો તમે તમારી પર્સનલ લાઈફમાં આ બધું કરો છો તો કોઈ વાંધો નથી. પરંતુ તમારા સાન્તાક્લોઝ બનીને તમે લોકોના ઘરે જઈને તેમને ડિલિવરી આપી રહ્યા છો. આજ સુધી મેં તમને ક્યારેય હિન્દુ તહેવારો પર કંઈ બનતા જોયા નથી.
આ પછી યુવકે ફરી એકવાર ડિલિવરી બોયને તેનો ડ્રેસ ઉતારવાનું કહ્યું, ત્યારે ડિલિવરી બોય ફોન પર વાત કરતાં કહે છે કે, સાહેબ, હું મારા સરને પૂછી લઉં. એ દરમિયાનથોડો સમય લાગતા હિન્દુ યુવક ગુસ્સે થઈ જાય છે અને ધમકી આપતા કહે છે કે, આ રીતે ડ્રેસ નહીં ઉતારો કે શું? તમારા સાહેબ કોણ છે, તેમણે આવી ગાઈડલાઈન નક્કી રાખી છે?
એપછી, હિન્દુ યુવક વીડિયોમાં કહે છે, 'આ એવા લોકો છે, તેમની હિન્દુ તહેવારો પર બુદ્ધિ લગભગ ખતમ થઈ જાય છે, પરંતુ ખ્રિસ્તી અને ઇસ્લામિક તહેવારોમાં તેમને સારો મેસેજ આપવો હોય છે. તો જુઓ, આ Zomato વાળા લોકો આ રીતે આજે સાન્તાક્લોઝ બન્યાછે. આ લોકો ક્યારેય હિંદુ ધર્મ કે હિંદુ તહેવારો માટે આ પ્રકારનો પોશાક પહેરતા નથી. આખરે, તે હિંદુ યુવક ડિલિવરી બોયનો સાન્તાક્લોઝનો ડ્રેસ અને તેણે પહેરેલ લાલ લોઅર કઢાવી નાખે છે અને અંતે આભાર અને જય શ્રી રામ કહીને ચાલ્યો જાય છે.
આ પણ વાંચો: ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?