ભારત મુક્તિ મોરચા દ્વારા અમદાવાદના મજૂરગામ ખાતે EVM ના વિરોધમાં બૌદ્ધિક ચર્ચા યોજાશે

ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામ ઈવીએમને લઈને આર યા પારની લડાઈ માટે નીકળી પડ્યા છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જે અંતર્ગત અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં મજૂર ગામ ખાતે આવેલા ભીમ ચોકમાં આવતીકાલે ઈવીએમ હટાવો, વિરાસત બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત મુક્તિ મોરચા દ્વારા અમદાવાદના મજૂરગામ ખાતે EVM ના વિરોધમાં બૌદ્ધિક ચર્ચા યોજાશે
image credit - Google images

જ્યારથી ઈવીએમ દ્વારા દેશમાં ચૂંટણી યોજાવાની શરૂ થઈ છે ત્યારથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી ગઈ છે. આ મામલે અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે, પણ સરકાર મચક આપી રહી નથી. એ સ્થિતિમાં ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામ ઈવીએમને લઈને આર યા પારની લડાઈ માટે નીકળી પડ્યા છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જે અંતર્ગત અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં મજૂર ગામ ખાતે આવેલા ભીમ ચોકમાં આવતીકાલે ઈવીએમ હટાવો, વિરાસત બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કર્મશીલો, બૌદ્ધિકો ઉમટી પડશે.


આવતીકાલે તા. 22 ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ સાંજે 6 વાગ્યથી શરૂ થતો આ કાર્યક્રમ રાતના 10 વાગ્યા સુધી ચાલશે. જેનો વિષય છે – ઈવીએમના માધ્યમથી ચૂંટાયેલી ભાજપ-આરએસએસની સરકાર સત્તાનો દુરૂપયોગ કરીને ભારતની બુદ્ધ અને સમ્રાટ અશોકની વિરાસતને ખતમ કરી રહી છે.


આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બુદ્ઘિસ્ટ ઈન્ટરનેશનલ નેટવર્કના અમદાવાદ શહેરના પ્રભારી દિવાકર ગજભીયે કરશે. ત્યારબાદ અમિતભાઈ સોલંકી કાર્યક્રમની પ્રસ્તાવના બાંધશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બુદ્ધિષ્ટ વિચારક રાકેશભાઈ પ્રિયદર્શી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે એલઆઈસીના નિવૃત્ત એડીએમ વિઠ્ઠલભાઈ મહેરિયા હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમણભાઈ પરમાર કરશે.


આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે, “8 ઓક્ટોબર 2013ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા જણાવ્યું હતું કે ફક્ત ઈવીએમથી મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી થઈ શકે નહીં. ઈવીએમ સાથે VVPAT મશીન લગાવવું જરૂરી છે અને VVPAT ની 100 ટકા કાપલીઓની ગણતરી થવી જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે મત આપવો એ વ્યક્તિની અભિવ્યક્તિ છે અને પારદર્શિતા સાથે મતદારનો પુનઃવિશ્વાસ સ્થાપિત કરવો એ લોકશાહી માટે અત્યંત જરૂરી છે. પણ ભારતનું ચૂંટણી પંચ, જે પોતે એક સ્વતંત્ર આયોગ છે, તેણે ભાજપ-સંઘ સાથે મળીને માત્ર દેખાડવા પુરતા 1 ટકા VVPATની ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. આ ગેરબંધાણીય નિર્ણયની જાણકારી ભારતના નાગરિકોને આપવા માટે આ વિષય પસંદ કરવામાં આવ્યો છે.”


આયોજકો વધુમાં જણાવે છે કે, “ઈવીએમના માધ્યમથી ચૂંટાયેલી આ સરકાર ભારતના મૂળનિવાસી બહુજન સમાજની અને વિશ્વભરમાં ભારતની ઓળખ એવી સમ્રાટ અશોકની બુદ્ધની વિરાસતને નષ્ટ કરવાનું પણ કામ કરી રહી છે. આપણા આ ઈતિહાસ, વારસા, લોકશાહી અને બંધારણને બચાવવા માટે નાગરિકો સંગઠિત થઈ શક્તિનું નિર્માણ કરી જન આંદોલન કરે તે જરૂરી છે. તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.”

આ પણ વાંચોઃ અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.