ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે કે, ભારતમાં વર્ષ 2015 થી 2020ની વચ્ચે દલિત મહિલાઓ પર જાતિય હિંસાની ઘટનામાં 45 ટકાનો વધારો થયો છે.

ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે
image credit - Google images

દેશ આઝાદ થયાને આજકાલ કરતા 75 વર્ષના વાણાં વાઈ ગયા. મોદી સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને નવરી થઈ ગઈ છે, પણ દલિતો પર હિંસાની ઘટનાઓ પર કોઈ અંકુશ મૂકી શક્યું નથી. એમાં પણ દલિત મહિલાઓ પર જાતિય હિંસાના આંકડાઓ ચોંકાવનારા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ જણાવે છે કે વર્ષ 2015 થી 2020 ની વચ્ચે ભારતમાં દલિત મહિસાઓ પર જાતિય હિંસાની ઘટનાઓમાં 45 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે. આ તો માત્ર પોલીસના ચોપડે નોંધાયેલી ઘટનાઓ થઈ, એ સિવાયની તમામ ઘટનાઓ ગણવા બેસીએ તો આંકડો આનાથી ત્રણ ગણો થાય તેમ છે. ગામડાઓમાં ખાસ કરીને માથાભારે કોમના લોકો દલિત મહિલાઓની છેડતી કરવામાં જરાય શરમ અનુભવતા નથી. આવી અસંખ્ય ઘટનાઓ પોલીસ ચોપડે ચડ્યાં વિના જ દેશના સેંકડો ગામડાઓના છાના ખૂણાઓમાં કથિત સવર્ણ કોમના માથાભારે તત્વોની ધાક-ધમકીની આડમાં દબાઈ જાય છે.

હાલમાં ઉત્તરપ્રદેશના ભદોહીમાં એક સગીર દલિત બાળકી પર ગામના જ રાજુ ગુપ્તા નામના 26 વરસના શખ્સે વારંવાર બળાત્કાર ગુજાર્યો. બાળકીના પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેનામાં પ્રેગ્નેન્સીના લક્ષણો દેખાયા અને તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા. રાજુ ગુપ્તાના વારંવારના પાશવી બળાત્કારને કારણે બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી. હવે સુરિયાવા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર બળાત્કાર સહિતના ગુનાઓનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ

સુરિયાવા પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના પિતાએ ગયા અઠવાડિયે રાજુ ગુપ્તા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. રાજુ બાળકીના ઘરે કોઈ ન હોય ત્યારે ત્યાં જતો હતો અને સગીરાને ધમકી આપીને વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો. સગીરા બીકને કારણે કોઈને કશું કહી શકતી નહોતી. જેના કારણે રાજુના અત્યાચારો વધતા જતા હતા અને આખરે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.

પોલીસે દુડવા ધર્મપુરીના રહેવાસી રાજુ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે બળાત્કાર, ધાક ધમકી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે રાજુ ગુપ્તાની સુરિયાવા રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરી છે.

ભાજપ સત્તામાં આવ્યા બાદ દલિતો પર અત્યાચારો વધ્યાં

છેલ્લાં 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા પછી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો પર અત્યાચારની ઘટનાઓ વધી ગઈ હોવાનો ગણગણાટ સતત સંભળાતો રહે છે. ભાજપને ગરીબો પસંદ નથી અને તે ઉદ્યોગપતિઓની સરકાર છે તેવું વિપક્ષો પણ ગાઈ વગાડીને કહેતા રહે છે. આ ચર્ચા વચ્ચે દલિત અત્યાચારના આંકડાઓ પર નજર કરીએ તો સમજાય છે કે ભાજપના રાજમાં દલિતો પર ખરેખર અત્યાચારો વધ્યાં છે.

8 રાજ્યોમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ દલિતો પર જે 8 રાજ્યોમાં સૌથી વધુ અત્યાચારોના કેસ નોંધાયા છે તેમાં ઉત્તરપ્રદેશમાં 15368, રાજસ્થાનમાં 8952, મધ્યપ્રદેશમાં 7733, બિહારમાં 6509, ઓરિસ્સામાં 2902, મહારાષ્ટ્રમાં 2743, આંધ્રપ્રદેશ 2315 અને કર્ણાટક 1977 છે.

આ પણ વાંચો: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના - NCRB

આ આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે, દલિતો પર અત્યાચારોનો સિલસિલો હજુ પણ અટક્યો નથી, ભલેને કોઈપણ પાર્ટી સત્તામાં હોય. ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, ભાજપ જ્યાં સત્તામાં છે તે ઉત્તરપ્રદેશ લાંબા સમયથી દલિત અત્યાચારોના મામલે પહેલા ક્રમે છે. બીજા ક્રમે રહેલા રાજસ્થાનમાં અત્યાચારની 8952 ઘટનાઓ ઘટી હતી તેની સામે પહેલા નંબરે રહેલા યુપીમાં 15368 ઘટનાઓ ઘટી હતી. અર્થાત પહેલા અને બીજા નંબરના રાજ્યો વચ્ચે 6416 કેસોનું અંતર છે. જેના પરથી જ સાબિત થાય છે કે યુપી માત્ર ક્રાઈમ કેપિટલ જ નહીં, દલિત અત્યાચારોની પણ રાજધાની છે.

મધ્યપ્રદેશ આદિવાસી અત્યાચારમાં અવ્વલ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો વર્ષ 2022ના રિપોર્ટ મુજબ દેશભરમાં મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર સૌથી વધુ કેસ નોંધાયા હતા. એનસીઆરબીના આંકડાઓ મુજબ વર્ષ 2022માં આદિવાસીઓ પર થયેલા અત્યાચારો પૈકી 2979 મધ્યપ્રદેશમાં નોંધાયા હતા, જે ભારતભરમાં સૌથી વધુ હતા. એ પછી 2521 કેસો સાથે રાજસ્થાન બીજા ક્રમે હતું. અને 742 કેસો સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબર પર હતું. છેલ્લાં ત્રણ વર્ષથી આ ત્રણ રાજ્યોના ક્રમમાં કોઈ ફેરફાર નથી થયો. 

દેશભરમાં વર્ષ 2022માં આદિવાસી સમાજ પર અત્યાચારની 10064 ઘટનાઓ નોંધાઈ હતી. (આ તો ફક્ત નોંધાયેલી ઘટનાઓ છે, ન નોંધાઈ હોય તેવી ઘટનાઓનો આંકડો આનાથી અનેકગણો મોટો હોઈ શકે છે.) જે વાર્ષિક 14.3 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે રાજ્યમાં આ કેટેગરીમાં ક્રાઈમ રેશિયો વર્ષ 2021માં 8.4 ટકાથી વધીને વર્ષ 2022માં 9.6 થઈ ગયો છે. 

દલિત અત્યાચારની ઘટનાઓનો ઉપાય શું?

અનુસૂચિત જાતિ પરના અત્યાચારોની વાત કરીએ તો, સામાન્ય ઈજાના 1607 કેસ અને ગંભીર ઈજાના 52 કેસ છે, જ્યારે હત્યાના 61 કેસ નોંધાયા છે. દેશની કમનસીબી છે કે દલિતો સામેના ગુનાઓમાં તે સૌથી ઉપર છે. બંધારણીય રક્ષણ અને રાજકીય પ્રતિનિધિત્વ હોવા છતાં દલિતો સામે હિંસા વધી રહી છે. દલિતોનું રાજકીય નેતૃત્વ તેમના સમાજ પર થતા અત્યાચારને રોકવામાં મોટાભાગે બિનઅસરકારક સાબિત થતું હોય છે. તો સવાલ એ છે કે બંધારણીય જોગવાઈઓ છતાં દલિતો સામે હિંસા કેમ વધી રહી છે? આનો ઉકેલ શું છે?

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.