કર્ણાટકમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામત અપાશે

કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં અમુક નોકરીઓ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે સો ટકા અનામતની જાહેરાત કરી છે.

કર્ણાટકમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામત અપાશે
image credit - Google images

કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે પણ મહારાષ્ટ્રની જેમ સ્થાનિક તુષ્ટિકરણનું રાજકારણ શરૂ કર્યું હોય તેવું એક બિલ પાસ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે કર્ણાટકની કેબિનેટે રાજ્યની ખાનગી કંપનીઓમાં ગ્રુપ સી અને ડી પોસ્ટ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે ૧૦૦ ટકા અનામત આપતા બિલને મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ જાણકારી આપતા કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં 'સી' અને 'ડી' શ્રેણીની નોકરીઓમાં કન્નડીગા (કન્નડ ભાષી) લોકોની ૧૦૦ ટકા ભરતીને ફરજિયાત બનાવવામાં આવશે તેવી જોગવાઈના બિલને મંજૂરી આપવામાં આવી છે. કાયદા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ બિલની એક કોપી ફરતી થઈ છે, જે મુજબ કોઈપણ ઉદ્યોગ, ફેક્ટરીમાં ૫૦ ટકા સ્થાનિક ઉમેદવારોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને ૭૦ ટકા નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, જો ઉમેદવારો પાસે કન્નડ ભાષા સાથે માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર નથી, તો તેમણે નોડલ એજન્સી દ્વારા નિયત કરવામાં આવેલી પરીક્ષા પાસ કરવી પડશે.

આ પણ વાંચો: જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો

આ બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો તાલીમ આપવાનું કામ સંસ્થાઓએ સરકાર અથવા સંલગ્ન એજન્સીઓની મદદથી ત્રણ વર્ષમાં કરવું પડશે.

બિલમાં એમ પણ કહેવાયું છે કે, જો સ્થાનિક ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હોય, તો સંસ્થાઓએ આ કાયદામાંથી મુક્તિ માટે અરજી કરવી પડશે. તમામ ઉદ્યોગો, કારખાનાઓ અથવા અન્ય સંસ્થાઓએ આ કાયદાનું પાલન કરવાનું રહેશે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, ગયા વર્ષે જ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી હતી. એ પછી તેણે અનેક મોરચે સ્થાનિકોને મહત્વ આપવાનું શરૂ કરીને મહારાષ્ટ્રના મરાઠી ફર્સ્ટની તર્જ પર કન્નડીગાનું રાજકારણ શરૂ કર્યું છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે નોકરીમાં અનામતને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો હોય.

આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.