‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?

સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકોએ બંધારણમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને સામેલ કરવાના વિરોધમાં આ અરજી દાખલ કરી છે. ચૂકાદો 25મી નવેમ્બરે છે.

‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?
image credit - Google images

બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોના સમાવેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ અરજદારોએ આ બે શબ્દોને બંધારણમાં સામેલ કરવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં ૪૨મો સુધારો પસાર થયા બાદ આ બંને શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સીજેઆઇએ કહ્યું કે. બંધારણમાં ૪૨મો સુધારો આ અદાલત દ્વારા ઘણી ન્યાયિક સમીક્ષાઓને આધિન છે. તે સમયે (ઇમરજન્સી) સંસદે જે પણ કર્યું તે અમાન્ય હતું એવું આપણે કહી શકીએ નહીં. ચુકાદો અનામત રાખતી વખતે બેન્ચે અરજદારોની આ કેસને બંધારણીય બેન્ચને મોકલવાની માંગને ફગાવી દીધી હતી. બેન્ચે એ પણ કહ્યું કે ભારતીય અર્થમાં "સમાજવાદી બનવું" એ "કલ્યાણકારી રાજ્ય" ગણાય છે. સીજેઆઈની બેન્ચે આ મુદ્દે ચુકાદો આપવા માટે ૨૫ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે ૪૨મો બંધારણીય સુધારો કરીને બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “સેક્યુલર” અને “અખંડિતતા” શબ્દોનો સમાવેશ કર્યો હતો. આ સુધારા પછી પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ "સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક" થી "સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક" માં ફેરવાયું હતું.

આ પણ વાંચો: અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.