ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું

રાજકારણીઓને શરમાવે તેવા સાધુઓના કરતૂતો. મંદિરના મહંત બનવા સાધુએ ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું. કલેક્ટર અને બીજા સાધુઓને પણ લાખો રૂપિયા ખવડાવ્યા?

ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું
image credit - Google images

કહેવાતા સાધુ સંતો હવે રાજકારણીઓને પણ શરમાવે તેવા કાંડ કરવા લાગ્યા છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ હાલ જૂનાગઢમાંથી સામે આવી રહ્યું છે. અહીં અંબાજી મંદિરના મહંત બનવા માટે કહેવાતા સાધુસંતો એકબીજાને તોડી પાડવા તમામ તાકાત કામે લગાડીને મચી પડ્યાં છે. આ બધાં વચ્ચે એક સાધુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે, અન્ય સાધુએ મંદિરના બનવા માટે થઈને ભાજપ પક્ષને રાષ્ટ્રીય ફંડમાં રૂ. 5 કરોડ દાન કર્યું છે. આ સિવાય બે કલેક્ટરો અને અખાડાના અન્ય સાધુઓને પણ લાખોની રકમ આપી છે. આ મામલો સામે આવતા જ સાધુ સંતોના રાજકારણીઓને પણ શરમાવે તેવા કરતૂતો પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.

મામલો શું છે?
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ આનાથી ખૂલ્લું પડી ગયું છે. ભૂતનાથના મહંત મહેશગિરિએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગિરિએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનું દર્શાવતો કથિત પત્ર તેમણે રજૂ કર્યો છે.

અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગિરિની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગિરિએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગિરિના લખ્યા મુજબ, 'મહંત હરીગિરિ ગુરૂ દત્તાત્રેગિરિ ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરીગિરિના નામ જોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતી બાપુ, ઈન્દ્રભારથી, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ સહિતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબ્જો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.'

ભૂતનાથના મહંત મહેશગિરિએ આક્ષેપ કર્યો છે કે, ભવનાથના મહંત હરીગિરિ ટોચના નેતાના નામે તંત્ર અને લોકોને દબાવી રહ્યા છે, જો તેઓ ભવનાથ અને ગિરનાર નહી છોડે તો હજુ તેના એક-એક કરતુત જાહેર કરી દઈશ, અખાડાઓમાંથી પૈસાની હેરાફેરી કરી છે, આવી રીતે સાધુ-સંતો, તંત્રને ભડકાવ્યા છે, ધર્મને નુકસાન કર્યું છે અને અખાડાની આબરૂને બટ્ટો લગાડયો છે. આમ, ભવનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણાં આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઈ છે.

મહંતે અખાડામાંથી ભાજપને ફંડમાં રૂ. 5 કરોડ આપ્યા
પત્રમાં ઉલ્લેખ મુજબ ભાજપના રાષ્ટ્રીય ફંડમાં પાંચ કરોડ આપવામાં આવ્યા છે. જૂનાગઢના બે કલેક્ટરો અને મહામંડલેશ્વર ભારતીબાપુને 50-50 લાખ રૂપિયા, ઈન્દ્રભારથી, સિધ્ધેશ્વરગિરિ, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ કમંડલકુંડ, જયશ્રીગિરિને 25-25 લાખ, શિવધુણાવાળા મહંત, સેવાદેવી પુનીતાચાર્યને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

જૂનાગઢના કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકા
ભવનાથના મહંત તરીકેનો ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઓર્ડર કરવાની ભૂમિકા પણ શંકાસ્પદ રહેલી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢના તત્કાલીન કલેક્ટર રચીત રાજ દ્વારા ભવનાથ મહંત હરીગિરિની મુદ્દત પુરી થતી હતી તેના ચાર માસ પહેલા તેમને ફરી મહંત તરીકે વર્ષ 2025 સુધીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મહંતની મુદ્દત પુરી થતી હોય તેવા કિસ્સામાં પંદેરેક દિવસ અગાઉ નિર્ણય થતો હોય છે. તત્કાલીન કલેક્ટર દ્વારા ચાર માસ અગાઉ જે ઓર્ડર કરવામાં આવ્યો તે શા માટે થયો? તે મહત્વનું છે. કલેક્ટરે ઓર્ડર કરી દીધા બાદ તેની બદલી થઈ ગઈ હતી. પોતાની બદલી પહેલા ભવનાથના મહંતનો રિન્યુઅલ ઓર્ડર અને એ પણ અગાઉ શંકાસ્પદ ભૂમિકા છે.

અંબાજી મંદિરની ગાદીનો વિવાદ
આ તરફ અંબાજી મંદિરની ગાદી માટે પણ મોટો વિવાદ ચાલી રહ્યો છે. ભવનાથના મહંત હરિગીરી સહિતનાઓએ અંબાજીના મહંત તરીકે  પ્રેમગીરીની નિમણૂક કરી પરંતુ તે અંગે મોટો વિવાદ સર્જાતાં કલેક્ટરે ચેરિટી કમિશનરમાંથી અંબાજી, ભીડભંજન મંદિર ટ્રસ્ટના કાગળો મંગાવી તપાસ શરૂ કરી છે. હાલ ભીડભંજન ખાતે હરિગીરીએ તેમના બે સાધુઓને બેસાડી દીધા છે, જ્યારે અંબાજી મંદિરે કબ્જો લેવાની ગતિવિધિઓ પડતી મુકવી પડી છે. કોઈ અનિચ્છનીય બનાવ રોકવા ભીડભંજન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

એક સાધુને સમાધિ આપ્યા પહેલા વારસને લઈને બબાલ
તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને હજુ તેને સમાધી પણ આપવામાં ન આવી હતી, તેમનો પાર્થિવ દેહ ભીડભંજન ખાતે હતો ત્યારે ગાદી માટે વિવાદ શરૂ કરી દેવામાં આવતા સભ્ય સમાજમાં આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. તનસુખગીરી બાપુના ટ્રસ્ટ અંગેના તમામ કાગળો ચેરીટી કમિશનર પાસેથી કલેક્ટરે મંગાવી તેના બંધારણમાં શું જોગવાઈ છે તે અંગેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બુધવારે હરીગીરીના જૂથ દ્વારા ઉગ્ર વિરોધ વચ્ચે ધરાર પ્રેમગીરીની તનસુખગીરીના ઉતરાધીકારી તરીકે ચાદરવિધી કરી નાખી હતી. બાદમાં બુધવારથી જ ત્યાં બે સાધુઓને બેસાડી દેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

સાધુઓના ડરથી પોલીસ ગોઠવવી પડી
જવાહર રોડ પર આવેલા ભીડભંજનને ચાદરવિધી કર્યા બાદ ગુરૂવારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે કબજો લઈ ત્યાં પણ સાધુઓની નિમણુંક કરવાની ગતિવિધીઓ થવાની શક્યતાઓ હતી પરંતુ કોઈપણ કારણોસર તે પ્રક્રિયા બંધ રાખવાની ફરજ પડી છે. ભીડભંજન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સમગ્ર ડખ્ખા મુદ્દે સરકાર દ્વારા હાલ પુરતો મંદિરનો સમગ્ર વહિવટ હસ્તગત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા થોડા સમય માટે મંદિરનું સંચાલન વહિવટી તંત્રને સોંપી ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરી જો નિયમ મુજબ શક્ય હશે તો અન્યને મહંત તરીકે નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના છે.

ભીડભંજન મહાદેવ મંદિરના સંપત્તિ પર અનેકનો ડોળો
ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં એક રૂમમાં બ્રહ્મલીન મહંતની બચત કરેલી મોટી રકમ, સોના-ચાંદીના આભૂષણો, દાગીના સહિતની અનેક કિંમતી જરઝવેરાતો છે. આ તમામ કિંમતી ચીજવસ્તુઓ પર અનેક લોકોનો ડોળો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા તાત્કાલિક આ રૂમને સીલ મારી દેવામાં આવે ત્યારબાદ તમામ વિવાદનો અંત આવ્યા બાદ જ તેમનું સીલ ખોલવું જોઈએ તેવી પણ પ્રબુદ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.