બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ
સ્થાનિક દલિતોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
ચૂંટણીનો માહોલ હોય ત્યારે મનુવાદી તત્વો દ્વારા અચાનક બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમાઓને તોડી પાડવાની ઘટનાઓ વધી જતી હોય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશમાં થઈ રહ્યું છે. જ્યાં હાલ વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે છેલ્લાં બે મહિનામાં 5 વાર ડો. આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટના બની છે.
છેલ્લાં સમાચાર મુજબ અહીં ગોંડાના સમરુપુર ગામમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની પ્રતિમાની તોડફોડના પગલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં વ્યાપક વિરોધ થયો છે. 16 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટના છેલ્લા બે મહિનામાં રાજ્યમાં આંબેડકરની પ્રતિમાઓની તોડફોડની પાંચમી ઘટના છે. આનાથી દલિત સમુદાયને ટાર્ગેટ કરીને નફરતની ઘટનાઓમાં વધારો થવાની ચિંતા વધી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં 25 વર્ષથી વધુ સમયથી દલિત સમુદાય માટે ગૌરવનું પ્રતિક બનેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક દલિત લોકોએ તેની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
ભીમ આર્મીના કાર્યકર દીપક ગૌતમે તોડફોડની નિંદા કરી અને તેને સમાનતા અને સશક્તિકરણના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો. ગૌતમે કહ્યું, "ભારતીય બંધારણના એકમાત્ર ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટના અત્યંત નિંદનીય છે. સામંત તત્વોએ બહુજન સમાજ માટે સમાનતા અને સશક્તિકરણના પ્રતીક ડૉ. બાબાસાહેબની પ્રતિમાને વારંવાર નિશાન બનાવી છે. આ કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી."
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરીને રાજ્ય સરકારને ગુનેગારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે અને શક્ય તેટલી વહેલી તકે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.
વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે આ હુમલાને ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના "નફરતની રાજનીતિ" સાથે જોડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ આલમે જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી, છેલ્લાં બે મહિનામાં રાજ્યભરમાં ડો. આંબેડકરની પ્રતિમાઓ તોડી પાડવાની પાંચ ઘટના બની છે.
આલમે કહ્યું કે, "આ કૃત્યો ભાજપના દલિત વિરોધી એજન્ડાનો ભાગ છે," “ભાજપના ભાગલાવાદી રાજકારણથી ઉત્સાહિત સામંતવાદી તત્વો દલિતોના પ્રતીકો અને સ્વાભિમાનને કચડી નાખવા માંગે છે. આ સમાજને અત્યાચારનો સંદેશો આપવાનો એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.”
દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના હક્કો અને ગૌરવ માટે લડનારા ડૉ. આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની વધતી જતી સંખ્યાએ દલિત સમાજમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના મજૂરગામમાં ડો.આંબેડકરની સિંહાસન પર બિરાજતી પ્રતિમાનું અનાવરણ કરાયું