3 દલિત બાળકોનું માથું મુંડ્યું, મોં કાળું કરી માથે 'ચોર' લખીને ગામમાં ફેરવ્યા

બાળકો હાથ જોડતા રહ્યાં, છોડી દેવા માટે કરગરતા રહ્યાં પણ જાતિવાદીઓનું હૃદય ન પીગળ્યું.  ન ગામનું કોઈ તેમને છોડાવવામાં આવ્યું.

3 દલિત બાળકોનું માથું મુંડ્યું, મોં કાળું કરી માથે 'ચોર' લખીને ગામમાં ફેરવ્યા
image credit - Google images

Bahraich News : જાતિવાદ એક એવું ઝેર છે, જે એકવાર કોઈ વ્યક્તિમાં પ્રસરી જાય પછી તે સારા-નરસાંનો ભેદ પારખતી બંધ થઈ જાય છે. પછી ભલેને સામે નિર્દોષ બાળકો જ કેમ ન હોય, જાતિવાદી તત્વો પછી તેમના ઝેરીલા ડંખ મારવામાં ઉંમર કે પરિસ્થિતિની પણ શરમ ભરતા નથી. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વોએ ચોરીની શંકામાં તેમનું માથું મુંડીને આખા ગામમાં ફેરવ્યા હતા. કલ્પના કરો, આ બાળકોના મન પર તેની શું અસર પડી હશે?

ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તર પ્રદેશની છે. અહીં બહરાઈચ જિલ્લામાં ચોરીની શંકામાં ત્રણ દલિત બાળકોને માર મારી તેમની સાથે અત્યંત નિમ્ન સ્તરનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. જાતિવાદી તત્વોએ આ બાળકોનું માથું મુંડી નાખ્યું, મોં કાળું કર્યું અને માથે અને મોઢા પર 'ચોર' લખી દીધું. આટલું જ નહીં, આ બાળકોના હાથ બાંધીને આખા ગામમાં તેમને ફેરવ્યા હતા. બાળકો હાથ જોડીને પોતાને છોડી દેવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ જાતિવાદી તત્વોએ તેમને છોડ્યા નહીં. એટલું જ નહીં, ગામમાંથી પણ કોઈએ તેને બચાવવાની હિંમત કરી નહીં. ઘટના નાનપારા પોલીસ સ્ટેશનના તાજપુર ટેડિયા ગામનો છે. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટના શું હતી?
તાજપુર તેડિયા ગામમાં રહેતા નાઝિમના ફાર્મ હાઉસમાંથી ઘઉં સહિતના અનાજની ચોરી થઈ હતી. તેણે તેના મિત્રો કાસિમ અને ઇનાયતને ફાર્મ હાઉસ પર બોલાવ્યા. આરોપ છે કે ચોરીની આશંકાએ ગામના ત્રણ બાળકોને બળજબરીથી પોલ્ટ્રી ફાર્મ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પાટું અને મુક્કા મારવામાં આવ્યા. એ પછી ત્રણેયના હાથ દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા.

બાળકોના મોંઢાં કાળાં કરવામાં આવ્યા અને તેમનું માથું અડધું મુંડવામાં આવ્યું. એ પછી તેમને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. માહિતી મળતા જ બાળકોના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને હાથ જોડીને બાળકોને ગુંડાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. આ બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.

બાળકોના પરિવારજનોનું કહેવું છે કે, "બાળકો એક વર્ષથી પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા હતા. તેઓ 5 દિવસ પહેલા કામ છોડીને ચાલ્યા ગયા હતા. તેનાથી નારાજ થઈને સંચાલકોએ બાળકો પર ચોરીનો ખોટો આરોપ લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો."

નાનપારાના રેન્જ આઈજી પ્રદ્યુમન સિંહે કહ્યું, "પરિવારના સભ્યોની ફરિયાદ પર, SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે."

આ પણ વાંચોઃ સ્કૂલ વાનમાં ભણવા જતા 6 દલિત બાળકોને જાતિવાદીઓએ માર મારી લોહીલુહાણ કરી મૂક્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.