દિવ્યાંગ દલિત યુવતી સારવાર માટે પિયર આવી, માથાભારે શખ્સે રેપ કર્યો

મોડી રાત્રે ઘર બહાર બેઠેલી દિવ્યાંગ યુવતીને ગામનો શખ્સ બળજબરીથી ઉપાડીને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો.

દિવ્યાંગ દલિત યુવતી સારવાર માટે પિયર આવી, માથાભારે શખ્સે રેપ કર્યો
image credit - Google images

ઉત્તરપ્રદેશ ગુનાખોરી અને જાતિવાદનું કારખાનું બની ગયું હોય તેવી સ્થિતિ છે. દરરોજ કોઈને કોઈ એવી ઘટના અહીં બને છે, જેનાથી આપણું મન ખિન્ન થઈ જાય. બહરાઈચમાં ત્રણ દલિત બાળકોનું માથું મુંડી તેમના માથા પર ચોર લખીને ગામમાં ફેરવવાની ઘટનાની ચર્ચા છે ત્યારે એક ગામમાં દિવ્યાંગ દલિત યુવતી પર બળાત્કાર થયાની વાત સામે આવી છે.

ઘટના પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીની છે. અહીં ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક દલિત વિકલાંગ યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવતી પર તેના પિયરમાં જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હાલ મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સૂરજ પટેલની ધરપકડ કરી તેને સંબંધિત કલમો હેઠળ જેલમાં ધકેલી દીધો છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રવીણ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે, પીડિતાની માતાની ફરિયાદ અનુસાર તેમની 21 વર્ષની વિકલાંગ દીકરીના લગ્ન થઈ ગયા છે. કેટલાક દિવસોથી તેની સારવાર ચાલી રહી હોવાથી તે પોતાની માતા પાસે પિયરમાં રહેવા આવીને રહે છે. 5 ઓક્ટોબરના રોજ રાત્રે 10:30 વાગે જમ્યા બાદ તે બહાર નીકળી હતી. એ દરમિયાન ગામનો સુરજ પટેલ નામનો શખ્સ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જે તેમની દીકરીને ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાની માતાએ વધુમાં કહ્યું કે, "જ્યારે મારી દીકરીએ તેની પકડમાંથી છુટવા માટે પ્રયત્નો કર્યા અને ચીસો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના મોઢામાં કપડું ભરાવી દીધું હતું. એ પછી તેણે તેના પર બળાત્કાર કર્યો અને જો તે આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયો. લાંબા સમય બાદ પુત્રી પરત ન આવતા મેં બહાર જઈને તપાસ કરી પણ દીકરી મળી નહીં. આ દરમિયાન પુત્રી પરસેવે રેબઝેબ અને અસ્તવ્યસ્ત કપડાં સાથે આવતી જોવા મળી હતી. અને તેણે આપવીતી સંભળાવી હતી."

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, પીડિતાની માતાની ફરિયાદ પર BNSની કલમ 64(2)(k) અને SC-ST એક્ટની કલમ 3(2)(v) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવ્યા બાદ રવિવારે બપોરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને મોડી સાંજે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિરની સફાઈકર્મી યુવતી પર ગેંગરેપ, 9 લોકો સામે ગુનો નોંધાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.