'નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા' - દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ

દેશની સૌથી નાની ઉંમરની સાંસદ શાંભવી ચૌધરીએ સંસદમાં કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા કહ્યું કે, નહેરુ, ઈન્દિરા અને રાજીવે ક્યારેકને ક્યારેક અનામતનો વિરોધ કર્યો હતો.

'નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા' - દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ
image credit - Google images

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ની યુવા સાંસદ શાંભવી ચૌધરી (Shambhavi Chaudhary) એ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. બંધારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ત્રણ પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાનોના અનામતને લઈને વિચારો પર કોંગ્રેસને આક્રમકતાથી ઘેરી હતી. ગૃહને સંબોધિત કરતી વખતે દેશની સૌથી યુવા સાંસદ પૈકીની એક એવી દલિત સમાજમાંથી આવતી શાંભવી ચૌધરીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા સંસદમાં અનામતને લઈને અલગ-અલગ સમયે આપેલા નિવેદનોનો ઉલ્લેખ કર્યો.

સાંસદ શાંભવી ચૌધરીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાનો - પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ એક યા બીજા સમયે અનામતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીને લાગતું હતું કે આ સિસ્ટમમાંથી સેકન્ડ ક્લાસ નાગરિકો પેદા થાય છે.

શાંભવીએ કહ્યું, 'સૌથી પહેલા જવાહરલાલ નેહરુએ 1961માં લખ્યું હતું કે મને અનામત કોઈ પણ રીતે પસંદ નથી. ખાસ કરીને નોકરીમાં. હું એવી કોઈપણ વ્યવસ્થાનો વિરોધ કરું છું જેના દ્વારા અક્ષમ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ મંડલ કમિશનના રિપોર્ટ પર કહ્યું હતું કે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે."

રાજીવ ગાંધીએ માર્ચ 1985માં આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા શાંભવી ચૌધરીએ કહ્યું, 'રાજીવ ગાંધીએ કહ્યું હતું કે અનામતના નામે મૂર્ખ લોકોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આવા લોકો દેશને નુકસાન કરે છે.'

રાજીવ ગાંધીએ શું કહ્યું હતું? 
2 માર્ચે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, 'બંધારણ બનાવતી વખતે પછાત વર્ગો માટે જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે તેને લઈને પાછલા વર્ષોમાં ઘણી રાજનીતિ થઈ છે. તેથી, હવે આ તમામ જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં, આ સુવિધા દબાયેલા અને પછાત વર્ગને આપવી જોઈએ, પરંતુ તેને વિસ્તારીને વિવિધ ક્ષેત્રોના બુદ્ધુઓને વધારવાથી આખાદેશને નુકસાન થશે."
શાંભવી ચૌધરીએ લોકસભામાં 'સંવિધાનની 75 વર્ષની ભવ્ય સફર' પર ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, "સંવિધાન નેતાના હાથમાં નહીં પરંતુ હૃદયમાં હોવું જોઈએ" તેમણે કોંગ્રેસ પર કટોકટી દ્વારા બંધારણને નુકસાન પહોંચાડવાનો અને બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.