દલિત યુવકને પાર્ટી કરવાના બહાને ઘરેથી બોલાવ્યો, પછી હત્યા કરી નાખી

માથાભારે તત્વોએ પહેલેથી પ્લાન કરીને રાખ્યો હતો. દલિત યુવક સાથે પહેલા બોલાચાલી કરી અને પછી હુમલો કરી દીધો.

દલિત યુવકને પાર્ટી કરવાના બહાને ઘરેથી બોલાવ્યો, પછી હત્યા કરી નાખી
image credit - Google images

જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાંથી વધુ એક દલિત અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દેવરિયા જિલ્લાના ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના કર્માજીતપુર ગામમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવકે દવાખાનામાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. પોલીસે પાંચ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ગત સોમવારે રાત્રે, દલિત યુવક સિન્ટુ નામના દલિત યુવકને માથાભારે તત્વોએ તેના ઘરથી લગભગ 200 મીટર દૂર એક પાર્ટી માટે બોલાવ્યા બાદ નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે સિન્ટુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક યુવકની માતા શકુંતલા દેવીની ફરિયાદના આધારે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસને આપવામાં આવેલી માહિતી અનુસાર, દલિત સમાજમાંથી આવતા ગિરીશ પ્રસાદના પુત્ર સિન્ટુને તેના કેટલાક મિત્રોએ ઘરથી લગભગ 300 મીટર દૂર એક જગ્યાએ પાર્ટી કરીએ છીએ તું આવ એમ કહીને તેને બહાર બોલાવ્યો હતો. સિન્ટુ ત્યાં ગયો એ પછી માથાભારે તત્વોએ જાણી જોઈને તેની સાથે બોલાચાલી કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો ઉગ્ર બન્યા પછી તેમણે સિન્ટુ પર પ્લાનિંગ મુજબ હુમલો કરી દીધો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટનાની જાણ થતા તેનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને સિન્ટુને ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેની તબિયતમાં સુધારો ન થતા તેના પરિવારના સભ્યો બુધવારે રાત્રે તેને લખનૌના SGPGI લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં જ તેનું મોત થયું હતું. પોલીસે પાંચ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તેમને કસ્ટડીમાં લીધા છે.આ કેસમાં પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હત્યાનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ઝઘડા શા માટે કર્યો, તે સુનિયોજિત કાવતરું હતું કે બીજું કંઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.