રાત્રે એક ફોન આવ્યો અને સવારે દલિત સરપંચની લાશ કૂતરું ચાટતું હતું...
એક ગામના દલિત સરપંચને રાત્રે એક ફોન આવે છે અને તેઓ ઘરેથી બહાર જાય છે, એ પછી તેઓ ઘરે પરત આવતા નથી. સવારે મેદાનમાં પડેલી તેમની લાશને કૂતરું ચાટતું હોય છે.
દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ બંધારણીય રીતે ચૂંટાયેલા હોદ્દા પર હોય તો પણ તેના જીવને જોખમ ઓછું થતું નથી. માથાભારે તત્વો ગ્રામ પંચાયતથી લઈને છેક સંસદ સુધી દલિત, આદિવાસીને હેરાન કરવાનું ચૂકતા નથી. તેમને ખૂલ્લેઆમ ધમકી આપવામાં પણ આવા તત્વોને કાયદો વ્યવસ્થાનો ડર લાગતો નથી. જેના કારણે દલિત બહુજન સમાજના આવા અનેક લોકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ આપણી સામે મોજૂદ છે. ખાસ કરીને ગામડાઓમાં કોઈ દલિત બહુજન સમાજની વ્યક્તિ જો સરપંચ બની જાય તો માથાભારે તત્વોથી તે સહન થતું નથી. તેઓ યેનકેન પ્રકારે તેને આ હોદ્દા પરથી દૂર કરવાના પેંતરાઓ રચતા રહે છે. એમાંય મામલો જો જમીનનો કે આર્થિક હોય, તો તેના માટે તેઓ કોઈપણ હદે જતા ખચકાતા નથી. એવા અનેક કિસ્સાઓ મોજૂદ છે, જેમાં ચૂંટાયેલા દલિત સરપંચને ગામના માથાભારે તત્વો તેમની મરજી મુજબ કામ કરવા માટે દબાણ કરતા હોય અને જો સરપંચ તેમનું કહ્યું ન માને તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાથી લઈને તેમના પર હુમલો કરવો, ધાક-ધમકી આપવા સુધીના રસ્તાઓ અપનાવાય છે. આવા મામલાઓમાં સરપંચના હાથપગ ભાંગી નાખવાથી લઈને તેમના ખૂન થઈ ગયાના પણ ઉદાહરણો મળે છે. આવો જ વધુ એક ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક દલિત સરપંચના મોબાઈલ ફોન પર રાત્રે એક વ્યક્તિનો ફોન આવે છે અને તેઓ વાત કરતા કરતા ઘરેથી બહાર નીકળે છે અને પછી આખી રાત પરત નથી ફરતા. એ પછી તેમનો મોટો દીકરો વહેલી સવારે તેમને શોધવા નીકળે છે ત્યારે એક બાળક આવીને તેને કહે છે કે, તારા પિતાજીની લાશ કોલેજના મેદાનમાં પડી છે અને કૂતરા તેને ચાટી રહ્યાં છે.
બિહારના જંગલરાજની વધુ એક ઘટના
મામલો ગુંડાગરદી અને જાતિવાદ માટે ઉત્તરપ્રદેશ જેટલા જ કુખ્યાત એવા બિહારનો છે. અહીંના નવાદામાં કાયદો વ્યવસ્થાના ચીંથરાં ઉડાડી દેતી એક ઘટના સામે આવી છે. જેમાં એક ગામના દલિત સરપંચની કોઈએ ગોળી મારીને હત્યા કરી દીધી અને લાશ મેદાનમાં ફેંકીને જતા રહ્યાં જેને કૂતરાં ચાટતા હતા.
આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ
ઘટના નવાદા જિલ્લાના પકરીબરાવા પોલીસ સ્ટેશનના બુધોલી ગામની છે. અહીં ગ્રામ પંચાયતના દલિત સરપંચ પપ્પુ માંઝીને કોઈએ માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધાં અને તેમની લાશને ગામથી દૂર આવેલી કોલેજના મેદાનમાં ફેંકીને જતા રહ્યાં હતા. હત્યારા કોણ છે તેનો હજુ સુધી કોઈ પતો નથી. આ ઘટનાએ બિહારને મળેલી જંગલરાજની ઉપમાને ફરી એકવાર સાબિત કરી દીધી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અનેક ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવા માટે બુધોલી પહોંચ્યા હતા. આ ઘટનાથી બિહારની નીતિશકુમાર સરકાર પર કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉછી રહ્યાં છે, કે અહીં એક ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો સરપંચ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકની તો વાત જ શી કરવી. ઘટનાની જાણ થતા પકરીબરાવા SDPO મહેશ ચૌધરી, BDO નીરજકુમાર ઉપરી પોલીસ અધિકારી મનીષકુમાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
રાત્રે ફોન આવ્યો અને બહાર ગયા પછી પરત ન આવ્યા
ઘટનાને લઈને મૃતક પપ્પુ માંઝીના મોટા દીકરાએ જણાવ્યું હતું કે, પરમ દિવસે ગુરૂવારે રાત્રે 9 વાગ્યા આસપાસ તેઓ ફોન પર વાત કરતા કરતા ઘરેથી બહાર ગયા હતા. એ પછી તેઓ ઘરે પરત આવ્યા નહોતા. એટલે બીજા દિવસે વહેલી સવારે તે તેના પિતાને શોધવા માટે બહાર નીકળ્યો હતો.
આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા
એ દરમિયાન એક નાના છોકરાએ આવીને તેને જણાવ્યું હતું કે, રામધણીપુરી ઈન્ટર કોલેજ પાસેના મેદાનમાં કોઈની લાશને કૂતરું ચાટી રહ્યું છે. પછી ખબર પડી કે તે તેના પિતાની લાશ હતી.
મૃતક સરપંચને પાંચ નાના બાળકો છે
મૃતકની ઓળખ થયા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ગામલોકો ડોગ સ્ક્વોડ બોલાવીને હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, મૃતક પપ્પુ માંઝીને પાંચ નાના બાળકો છે અને હવે તેમનો આધાર છીનવાઈ ગયો છે. સ્થાનિકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પપ્પુ માંઝી બીજી વાર બુધોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા. બુધોલી ગ્રામ પંચાયતની પૂર્વ સરપંચ વસંતી દેવીના મૃત્યુ બાદ વર્ષ 2018માં થયેલી પેટાચૂંટણીમાં પપ્પુ માંઝી સરપંચ બન્યા હતા. એ પછી ફરી 2021માં થયેલી સરપંચની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા હતા.
પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. પરિવાર તરફથી કોઈ સંકેત ન મળતા પોલીસ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ શખ્સનો પતો લગાવી રહી છે જેના ફોન કરવા પર સરપંચ પપ્પુ માંઝી રાત્રે પોતાના ઘરેથી બહાર ગયા હતા. તેમના ફોનની કોલ ડિટેઈલ પોલીસ તપાસી રહી છે. સાથે જ તેમની આસપાસના લોકો અને પરિવારજનો પાસેથી પણ જાણકારી મેળવાઈ રહી છે.