10 વર્ષના દલિત બાળકનું બ્રાહ્મણ શખ્સે ગળું કાપી નાખ્યું અને દાટી દીધો

10 વર્ષનું બાળક ઘર પાસે બકરી ચરાવી રહ્યું હતું. ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણ શખ્સે તેનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી, લાશને જમીનમાં દાટી દીધી હતી.

10 વર્ષના દલિત બાળકનું બ્રાહ્મણ શખ્સે ગળું કાપી નાખ્યું અને દાટી દીધો
image credit - Google images

જાતિવાદી તત્વોની નિર્દયતાના અનેક કિસ્સાઓ આપણે જોયા જાણ્યા છે. આ એ તત્વો છે જે દલિત, આદિવાસી સમાજના બાળકોને પણ તેમની કટ્ટર જાતિવાદી માનસિકતાનો શિકાર બનાવતા ખચકાતા નથી. થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત કિશોરને ચોરીની આશંકાએ તેના કપડાં ઉતરાવી, વીજળીના ઝાટકા આપી ડાન્સ કરવા મજબૂર કર્યો હતો. અગાઉ યુપીમાં મંદિર બહાર રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ પકડીને માર માર્યો હતો. મધ્યપ્રદેશના હરદામાં તો એક મનુવાદી અધિકારીએ વિકલાંગ દલિત કિશોરનો શર્ટ ઉતરાવી તેને નાળામાં ઉતરાવી પેશાબ સાફ કરાવ્યો હતો. આવા હલકટ લોકો પાસેથી સામાજિક સમાનતા અને પ્રેમ, કરૂણા, બંધુત્વની ભાવનાની અપેક્ષા રાખવી એ પથ્થર પર પાણી રેડવા જેવું અઘરું કાર્ય છે. આવા જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો દલિત બાળકોને પણ છોડતા ન હોય ત્યાં મોટા લોકો સાથે તો કેવું વર્તન કરતા હશે તે કલ્પના પણ થઈ શકે તેમ નથી.

ઘટના જાતિવાદી અને દલિત અત્યાચારના નવેસરથી એપીસેન્ટર બનેલા ઉત્તરપ્રદેશની છે. અહીં મિર્ઝાપુર જિલ્લાના બજહા ગામમાં હિંમાશુ ઉપાધ્યાય નામના શખ્સે તેના ઘરની નજીકમાં બકરી ચરાવતા એક 10 વર્ષના નિર્દોષ બાળકની કારણ વિના જ હત્યા કરી નાખી હતી. હિમાંશુને તેના ઘર પાસે એક દલિત બાળક બકરીઓ ચરાવે તે ગમ્યું નહોતું. આથી તેણે બાળકને નજીક બોલાવી તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી અને તેની લાશને જમીનમાં દાટી દીધી હતી.

બાળકનું નામ આશુ હતું અને તે માત્ર 10 વર્ષનો હતો. સાંજે ચાર વાગ્યે તે ઘરેથી પોતાની બકરીઓને ચરાવવા માટે નીકળ્યો હતો. પણ રાત્રે અંધારુ થઈ જવા છતાં તે ઘરે પરત ન આવતા તેના પરિવારે તેની શોધખોળ કરવી શરૂ કરી હતી. કેટલાક લોકોએ જણાવ્યું કે તે, ગામની પાછળ બરમ બાબાના મંદિર પાસે ગેસ એજન્સીની નજીક બકરીઓ ચરાવી રહ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ, 5 ગાડી લાકડાં ગાયબ

પરિવારજનો મોડી રાત્રે 10 વાગ્ય આસપાસ તેને શોધતા શોધતા અહીં પહોંચ્યા અને જોયું તો તેમની રાડ ફાટી ગઈ. કેમ કે, નિર્દોષ આશુની લાશ એક ખાડામાં પડી હતી, તેનું અડધું શરીર માટીમાં દફન કરેલું હતું અને અડધું બહાર હતું, જેના ઉપર ઝાડની ડાળીઓ કાપીને નાખી દીધી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસ માટે શબને કછવા આરોગ્ય કેન્દ્ર લઈ આવી જ્યાં ડોક્ટરે તેનો જીવ જતો રહ્યો હોવાનું કહ્યું. એ દરમિયાન બાળકના પરિવારજનો સહિત તેની સમાજના લોકોએ ત્રણ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે લગભગ 4 વાગ્યે પોલીસ અધિક્ષકની સમજાવટ બાદ પરિવારજનોએ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોંપ્યો હતો.

બીજી તરફ પોલીસે આ મામલે તપાસ કરતા બાળકની પડોશમાં જ રહેતા હિમાંશુ ઉપાધ્યાય નામના શખ્સ પર તેમને શંકા ગઈ હતી. તેમણે આ મામલે વધુ તપાસ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ આશુની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

હિંમાશુનું ઘર આશુના ઘરથી માંડ 100 મીટર દૂર છે અને છતાં તેણે જરાય દાખવ્યા વિના ધારદાર હથિયાર વડે તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી અને તેણે તેની લાશને ખાડો કરીને દાટી દીધી હતી. જો કે કોઈ જોઈ જશે તેવી બીકમાં તે લાશને પુરેપુરી દાટવાને બદલે ઉપર ઝાડ પાંદડા નાખીને ભાગી ગયો હતો.

હત્યા પાછળનું કારણ એવું હતું કે, બાળક આશુ તે દિવસે વહેલી સવારે તેના મિત્રો સાથે રમતો હતો ત્યારે રમત રમતમાં જ તેનાથી ઈંટનો નાનો ટુકડો હિંમાશુ ઉપાધ્યાયનો વાગી ગયો હતો. આ ઘટનાની દાઝ રાખીને તેણે જ્યારે આશુ બપોરે બકરીઓ ચરાવવા નીકળ્યો ત્યારે મોકો જોઈ તેને પકડીને ગળું કાપી નાખ્યું હતું અને તેની લાશને જમીનમાં દાટી દીધી હતી. કછવા પોલીસે હિમાંશુ ઉપાધ્યાયની ધરપકડ કરી લીધી છે અને કેસ નોંધી હત્યામાં વપરાયેલું હથિયાર સહિતના પુરાવા એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.